“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
લેખમાળાના પહેલા તબક્કામાં (લેખ 21 સુધી) કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે સમજ્યા. હવે છેલ્લા (ક્રમાંક ૨૨) લેખથી આપણે ધ્યાન વિષે વિસ્તૃત ચર્ચા ચાલુ કરી છે. થોડી ભ્રામક માન્યતાઓ વિષે જાણ્યું. હવે આગળ વધીએ તે પહેલાં એક વાત. ‘વિસ્મય’ ગ્રુપ માટે મૂળભૂત રીતે શરુ કરેલી આ લેખમાળા અલગ-અલગ જગ્યાએ અને વિવિધ દેશોમાં જઈ રહી છે અને ઘણા લોકો પ્રતિભાવ આપી રહ્યા છે. પ્રયત્ન એ છે કે અધ્યાત્મને લગતા અને સમાજમાં થોડો ઓછો ખ્યાલ હોય તેવા અત્યંત મહત્વના વિષયનો જેમ કે ઓરા, ધ્યાન, કુંડલિની, નાડી, ચક્રો વિગેરેને વૈજ્ઞાનિક રીતે સમજવા. આ અંગે એક નિવેદન છે. વાંચકો ફેઈસ બુક પેઈજ Self Tune In પર સૂચન આપશે કે આ અંગે શું જાણવાની વધુ ઈચ્છા છે તો યોગ્ય સમયે લેખમાળામાં તેનો સમાવેશ કરી શકાય. વાંચકોને ક્યા ચોક્કસ મુદ્દા પર વધુ રસ છે તે સમજવામાં આ સૂચનો મદદકર્તા રહેશે.
ગયા લેખમાં આ વિષયની અનેક ભ્રામક માન્યતાઓમાંથી થોડી માન્યતાઓ તથા તે માન્યતાની સામે સાચી પરિસ્થિતિ શું છે તે વિષે વિગતે ચર્ચા કરેલી. હવે ધ્યાનના અગણિત ફાયદાઓમાંથી થોડા જાણીએ.
1) એન્ટિ એજિંગ સોલ્યુશન તરીકે ધ્યાન:
વૃદ્ધ થવું કોઈને ગમતું નથી, જીવનના અનિવાર્ય ભાગ તરીકે તેને સ્વીકારી લઈએ તે અલગ વસ્તુ છે. ચિરયૌવન જાળવવાના પ્રયત્નો મનુષ્ય સદાકાળથી કરતો આવ્યો છે. ધ્યાનનો એક અતિ મહત્વનો ફાયદો એ છે કે તે શરીર અને મનની વૃદ્ધ થવાની પ્રક્રિયા ધીરી પાડે છે. આ વાત બહુ ટેક્નિકાલિટીમાં ગયા વગર થોડી વૈજ્ઞાનિક રીતે સમજીએ. શરીરના DNAનો એક ભાગ રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ (CHROMOSOM) છે. બૂટની દોરીના છેડે જેમ ધાતુ/પ્લાસ્ટિકનો એક ભાગ આવે તેમ આ ક્રોમોઝોમના છેડા પર બીજા DNA હોય જેને ટેલોમેર (Telomere) કહેવાય. જયારે જયારે કોષો(Cells) વિભાજીત થાય ત્યારે ત્યારે આ ટેલોમેર ટૂંકા થાય. આ પ્રક્રિયા શરીરના અંગોને વૃધત્વ તરફ કાળક્રમે દોરી જાય. આ શોધ થયા બાદ વૈજ્ઞાનિકોએ ટેલોમેર ને ટૂંકા થવાની પ્રક્રિયાને ધીમી પાડવા અથવા અટકાવવા અંગે સંશોધન કર્યું જેથી વૃદ્ધત્વને પાછું ઠેલી શકાય – શરીરની અંદર અને બહાર બંને જગ્યાએ. તેમાં ખ્યાલ આવ્યો કે ‘માનસિક તણાવ’ ટેલોમેરને ટૂંકા કરવાની ઝડપ એકદમ વધારી દે છે. જો તણાવ ઘટાડી શકાય તો વૃદ્ધત્વને ઘણા સમય સુધી દૂર રાખી શકાય. એ જ પ્રયોગમાં આગળ એ પણ સાબિત થયું કે ‘માનસિક તણાવ’ ઘટાડવા માટેનો ઉત્તમોત્તમ રસ્તો ‘નિયમિત ધ્યાન’ છે.
2) તણાવમુક્તિ માટે ‘ધ્યાન’:
પહેલા મુદ્દાને થોડો વિસ્તારથી જોઈએ. ધ્યાનનો અતિ મહત્વનો ફાયદો એટલે ‘માનસિક તણાવમાંથી મુક્તિ અથવા ઘટાડો’. લગભગ બધા જાણે છે કે ધ્યાનનો આ મોટો ફાયદો છે, આધુનિક વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે, એપોલો હોસ્પિટલ, ચેન્નાઇ દ્વારા મારા એક સમયના બોસની બાયપાસ સર્જરી બાદ લખાયેલ પ્રિસ્ક્રિપશનમાં “Regular Meditaiton” લખાયેલું છેક 2007માં મેં જોયું છે, અનેક જગ્યાએ વાંચેલું છે, સાંભળેલું છે અને અનુભવેલું છે. અને જાણવા છતાં આ મહત્વ કદાચ પૂરું સમજવાનું બાકી છે.
પોતાની જાતને જ શાંતિથી પૂછવાનો સવાલ એ છે કે શું મને માનસિક તણાવ છે? શું હું આંતરિક રીતે અશાંત છું? કદાચ ગણ્યાગાંઠ્યા લોકોના અપવાદ સિવાયની વ્યક્તિઓનો જવાબ ‘હા’ હશે. વિદ્યાર્થી અવસ્થાથી જ અભ્યાસ, બાદમાં વ્યવસાય , નોકરીમાં ટાર્ગેટ્સ/બોસ/ટ્રાન્સફર/કામ કરવા માટેના લાંબા કલાકો, કૌટુંબિક વિખવાદ, અર્થોપાર્જન, સ્વાસ્થ્ય, કુદરતી આપત્તિ, કોઈ નજીકની વ્યક્તિનું મૃત્યુ, બાળકોનો અભ્યાસ, એકલવાયાપણું, નિવૃત વ્યક્તિઓને પણ સમય ક્યાં વિતાવવોથી શરુ કરીને એક પછી એક હમઉમ્ર દોસ્તોના થતા મોત – તણાવ ઉભો થવા માટેના કારણોનો કોઈ તોટો જ નથી. અને તણાવ અંતે દોરી જાય છે ડિપ્રેસન તરફ. ડિપ્રેસનના દર્દીઓ (જેમાં અનેક ડોક્ટર્સ પણ સામેલ છે) ઉભરાય રહ્યા છે તેમ કહીએ તો ખોટું નથી. અનેક લોકો ડિપ્રેસનમાં છે જેમને એ ખ્યાલ પણ નથી કે તે ડિપ્રેસનમાં ઉતરી ગયા છે. ‘ઘેર ઘેર માટીના ચૂલા’ તો નથી પરંતુ નજીકના જ ભવિષ્યમાં એ દિવસો આવતા નજરે પડે છે કે ‘ઘેર ઘેર ડિપ્રેસનના દર્દી’.
જીવનના કેટલા વર્ષ ખરાબ સ્વાસ્થ્યને કારણે બરબાદ થાય છે તે જાણવા માટે સઘન અભ્યાસ બાદ World Health Organization (WHO) દ્વારા Disability-adjusted life year (DALY) નામનો એક માપદંડ વિકસાવવામાં આવ્યો છે. એ મુજબ 15 થી 44 ના વય જૂથ માટે ડિપ્રેસન DALYનાં કારણોમાં ઉપરથી બીજા નંબરે છે અને 2020 સુધીમાં તમામ વયજૂથ માટે આ જ પ્રમાણે બીજે ક્રમે હશે.
‘ધ્યાન’ માનસિક તણાવ સામેનો કે ડિપ્રેસન સામેનો વીમો છે તેમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.
3) ‘ધ્યાન’ શરીરની ઓક્સિજનની જરૂરિયાત ઓછી કરે છે:
અનેક પ્રયોગો બાદ વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે નિયમિત ધ્યાનથી શરીરની ઓક્સિજનની જરૂરિયાત 20% જેટલી ઓછી થઈ શકે. એ સમય જયારે આવી ગયો છે કે દિલ્હી જેવા ભારતના પાટનગરમાં પણ ઓક્સિજન બાર ખુલી ગયા છે, શુદ્ધ હવા વેચાઈ રહી છે (15 મિનિટ શુદ્ધ ઓક્સિજન માટે રૂપિયા 250), અંકલેશ્વરમાં પણ જીવવું મુશ્કેલ બની ગયું છે, અમદાવાદમાં પણ સાંજે પોલ્યૂશનના ગોટેગોટા આકાશમાં મંડરાતા હોય, આંખોને ભટકાતા હોય અને શ્વાસમાં ટકરાતા હોય ત્યારે આવનારા દિવસોમાં ઓક્સિજનની કિંમત શું હશે તે કલ્પનાનો જ વિષય છે. બહાર તો વૃક્ષારોપણ કરીએ છીએ પણ જો ધ્યાન દ્વારા આંતરિક ધ્યાન બીજનું રોપણ પણ બધા કરવા લાગે તો બેવડો ફાયદો થાય, બહાર વૃક્ષો દ્વારા ઓક્સિજન બને અને અંદરથી જરૂરિયાત ઘટી જાય.
ધ્યાનમાં ગયા બાદ હૃદયના ધબકારા ઓછા થાય છે, શ્વાસ ધીમા થઈ જાય છે, સ્નાયુઓ પર દબાણ ઓછું થાય છે અને મગજમાં ચાલતા તરંગોમાં જે બદલાવ આવે છે તેનો સીધો પ્રભાવ શરીરની ઓક્સિજનની જરૂરિયાત પર પડે, શરીરના કોષોની ઓક્સિજનની માંગણી ઘટી જાય.
4) ‘ધ્યાન’ શરીર અને મગજ માટેના અત્યંત મહત્વના અનેક હોર્મોન્સને નિયંત્રિત કરે, આવકારદાયક હોર્મોન્સની માત્રા વધારે અને કંટ્રોલમાં રાખવા જેવા હોર્મોન્સને એની મર્યાદામાં રાખે, Cut to size કરે. ટૂંકમાં નજર નાખીએ.
(A) સિરોટોનિન (હેપીનેસ હોર્મોન): બહુ જ અગત્યનું હોર્મોન. પર્યાપ્ત હોય તો ખુશી છલકે અને ઓછું થાય ત્યારે દુઃખી-દુઃખી થઈ જઈએ. આપણો મૂડ એ જ સુધારે કે બગાડે. વૈજ્ઞાનિકો પણ તેને “happiness neurotransmitter” કહે. બહુ ઘટી જાય તો સાઈક્રિયાટ્રીસ્ટને ત્યાં ડિપ્રેસન માટે વ્યક્તિને દાખલ કરવી પડે. ‘ધ્યાન’ આ ‘ફીલ ગુડ’ કેમિકલનું વધારે માત્રામાં ઉત્પાદન કરાવે, મનુષ્યને વધુ આનંદિત રાખે.
(B) કોર્ટીઝોલ (Stress Hormone) : જેટલું ઓછું તેટલું સારું. જયારે માનસિક તણાવમાં હોઈએ ત્યારે શરીર આ કેમિકલ પ્રચૂર માત્રામાં ઉત્પાદિત કરે. એડ્રેનેલાઈન પણ સાથે-સાથે બનાવે. લાંબા ગાળે આ બંને કેમિકલનું કોકટેઇલ બધા પ્રકારના ડોક્ટર્સ પાસે દોડાવે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ‘નિયમિત ધ્યાન” આ બંનેને મર્યાદામાં રાખે. ન્યુજર્સીની રૂટઝર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના પ્રયોગોમાં એ તારણ નીકળ્યા કે નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિઓમાં કોર્ટીઝોલનું ઉત્પાદન 50% જેટલું ઓછું હોય.
(C) DHEA હોર્મોન: આ હોર્મોનને દીર્ઘાયુષ્ય હોર્મોન એટલે કે Longevity Molecule કહી શકાય. વર્ષોવર્ષ આ હોર્મોનનો સ્ત્રાવ ઘટે, વૃધત્તવના લક્ષણો દેખાય, રોગ થોડા નજીક આવે. સાચી ઉંમર વર્ષોમાં નહિ પરંતુ DHEA લેવલ કેટલું છે તેના પરથી માનસિક ઉંમર દ્વારા હવે નક્કી કરવામાં આવે છે. જેટલું આ લેવલ ઓછું તેટલું પુષ્પક વિમાનનું તેડું વહેલું આવશે તેમ સમજવાનું.
અમેરિકન બોર્ડ ઓફ એન્ટી-એજિંગ મેડિસિનના એક વખતના પ્રમુખ ડો. વિન્સેન્ટ ગિઆમપાપા દ્વારા આ વિષયમાં પ્રચૂર સંધોધન થયા છે, પરિણામ આશ્ચ્રર્યજનક છે. નિયમિત ધ્યાન કરતી વ્યક્તિઓના શરીરમાં અન્ય વ્યક્તિઓ કરતાં 43.77% જેટલું વધારે DHEA લેવલ જોવા મળ્યું.
(D) GABA (gamma aminobutyric acid): આ છે ‘શાંતિ’ હોર્મોન: બહુ જ અગત્યનું હોર્મોન. કોઈને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, ચાહે તે દારૂનું હોય, ડ્રગનું હોય, તમાકુનું હોય, કેફીનનું હોય કે અન્ય કોઈ પણ – સમજી લેવાનું કે GABA ક્યાંક ઓછું પડે છે. ઓછું હોય ત્યારે બીજા ઘણા પ્રશ્નો પણ હોઈ શકે, જેમ કે ચિંતાતુર સ્વભાવ, નર્વસનેસ, ઊંઘમાં ધાંધિયા અને બીજું ઘણું બધું.
બોસ્ટન યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસ બતાવે છે કે ધ્યાન કરવાથી થોડા જ દિવસમાં આ હોર્મોનનું લેવલ 27% જેટલું વધી ગયું. એડિક્શનમાંથી, ચિંતામાંથી બહાર આવીએ તો સીધો મતલબ છે કે વધુ ક્ષમતાથી કોઈ પણ કાર્ય કરી શકીએ.
આ સિવાયના હોર્મોન્સ પર પણ ધ્યાનની સકારાત્મક અસરો છે અને ધ્યાનના બીજા ફાયદાઓની તો હારમાળા છે જે સમાજના દરેક વર્ગને, દરેક વયની વ્યક્તિઓને લાગુ પડે છે, દરેક મુદ્દાઓનો લેખમાળામાં ધીરે-ધીરે સમાવેશ કરીશું. એ પહેલાં, ધ્યાનની ટૂંકા સમયમાં પણ થતી અસર સમજવા માટે વિસ્મય ગ્રુપના એક મેમ્બરના શબ્દો અહીં ક્વોટ કરું છું જેમને હમણાં જ 21 દિવસ સુધી નિયમિત ધ્યાન કર્યું અને ફરી તે જ ક્રમ મુજબ રીવીઝન પણ કરી રહ્યા છે.
“મારો 21 દિવસ ધ્યાનનો અનુભવ બેહદ સુખદ રહ્યો. ધ્યાન દરમ્યાન મારુ મન શાંત થઈ જતું હતું. છેલ્લા દિવસનો અનુભવ તો એકદમ અદ્ભૂત છે. ધ્યાનમાં મને એકદમ અસહ્ય પ્રકાશપૂંજના દર્શન થયા અને હું એકદમ ઊંડો ઊંડો જવા માંડ્યો. પછી મને એમ લાગ્યું કે મને કઈં થઈ જશે. તેથી અનુભવ સુખદ હોવા છતાં મારી આંખ ખુલી ગઈ.”
આજે અહીં વિરામ લઈએ. હવેના લેખમાં અમુક હોર્મોન્સ પરની અસર (જેની ચર્ચા બાકી રહી ગઈ છે) જોઈશું. લેખ 22માં ચર્ચા કરેલી તે સિવાયની થોડી બીજી ભ્રામક માન્યતાઓ વિષે પણ વાત કરીશું.
ક્રમશ:
જિતેન્દ્ર પટવારી