ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૧) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

એક નજર લેખમાળા દરમિયાનની આ પહેલાંની ચર્ચા ઉપર. મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ એમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી, મૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર મણિપુરચક્ર, હૃદયચક્ર, બાઈનોરલ બિટ્સ, સોલ્ફ્રેજીઓ ફ્રિકવંસી, વિચારો અને શબ્દોની શરીર પર અસર વિગેરે સમજ્યા બાદ હવે આપણે આવીએ પાંચમા ચક્ર એટલે કે વિશુદ્ધિચક્ર પર – નીચેથી પાંચમું અને ઉપરથી ત્રીજું ચક્ર.

વિશુદ્ધિચક્ર (થ્રોટચક્ર)નું સ્થાન છે ગળા પાસે, સંબંધ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ સાથે, રંગ સ્વચ્છ આકાશ જેવો એટલે કે ભૂરો, તત્ત્વ તેનું ‘આકાશ’ અને અસર તથા હકુમત છે તેની જડબાં, ગળું, ડોક, અવાજ, ફેફસાંનો ઉપરનો ભાગ, ડોકની પાછળનો ભાગ એટલે કે ગરદન, ખભા, કાન અને કાંડા સુધી. સ્વરનળી સાથે તો જીગરજાન દોસ્તી. એટલે અવાજનું માધુર્ય અને પ્રભાવ સંપૂર્ણપણે તેને આભારી. ગાયકો માટે, વક્તાઓ માટે અત્યંત અગત્યનું ચક્ર. જિંદગીમાં જૂદાં જૂદાં ક્ષેત્રમાં સફળતા પણ આ ચક્રની સ્થિતિ પર આધારિત. મુક્ત અને સર્જનાત્મક અભિવ્યક્તિ, સંવાદની કળા, આત્મવિશ્વાસ, ડહાપણ, સત્ય કહેવાની હિંમત – આ બધું જ સંકળાયેલ છે આ ચક્ર સાથે. સંદેશાવ્યવહાર એટલે કે કોમ્યુનિકેશનનું કેન્દ્ર છે આ. મંત્ર છે તેનો ‘હં’. અનુરૂપ તત્ત્વ ‘આકાશ’ છે જે સૂચવે છે કે આ જગ્યા ઊર્જાથી ભરેલી હોવી જોઈએ. વિશુદ્ધિચક્ર ઉદાનવાયુનું પ્રારંભિક બિંદુ છે. શ્વાસ લેતી વખતે શરીરને ઝેરી વાયુથી શુદ્ધિકરણ દ્વારા બચાવવું તે આ પ્રાણનું એક કાર્ય છે. ચક્રનું નામ આ વિશિષ્ટ કાર્યમાંથી લેવામાં આવ્યું છે. શુદ્ધિકરણ ફક્ત શારીરિક સ્તરે જ નહીં, પણ મનના સ્તર પર પણ થાય છે.

જીવનમાં યશપ્રાપ્તિ માટે, કરેલા કામની અન્ય લોકો કદર કરે તેના માટે પણ આ ચક્રની સારી સ્થિતિ હોવી જરૂરી છે.

વૈશ્વિક વિશુદ્ધિ ચક્રનું સ્થાન ઈજીપ્તના પિરામિડ પાસે માનવામાં આવે છે. કોમ્યુનિકેશનનું કેન્દ્ર છે આ ચક્ર અને માટે જ કદાચ ચર્ચામાં હંમેશ હોય છે ઈજીપ્તના આ પિરામિડો. પિરામિડમાં શક્તિનો સંચય પ્રચુર માત્રામાં થાય છે જેના વિષે કોઈ એક લેખમાં પછીથી વિગતે વાત કરીશું.

તમે બહુ સારા વક્તા છો, અવાજમાં માધુર્ય અને પ્રભાવ છે, સારા ગાયક છો, વિચારોમાં સ્થિરતા છે , તમારી કથની અને કરણી એકસમાન છે, તમારું વ્યક્તિત્વ ચુંબકીય છે, તમારા શબ્દો, ટોન અને બોડી લેન્ગવેઇજ એકબીજા સાથે એકરૂપ હોય છે, વિચારો અને લાગણીઓ તમે ખુલ્લા મનથી અને અસરકારક રીતે વ્યક્ત કરી શકો છો, અસ્ખલિત રીતે વાત કરી શકો છો અને બીજાને પૂરા ધ્યાનથી સાંભળી પણ શકો છો, સામેની વ્યક્તિનું પૂરું માન રાખીને પોતાના વિરોધાભાષી મંતવ્ય પણ વ્યક્ત કરી શકો છો, આત્માના અવાજને જાહેરમાં મૂકી શકો છો, આત્મવિશ્વાસ પણ અનેરો છે, રચનાત્મકતા છલોછલ ભરેલી છે તો જરૂરથી તમારું વિશુદ્ધિ ચક્ર બહુ વિકસિત છે. આમ હોય તો ચોક્કસ તમારી વિચારશક્તિ તીવ્ર હશે, વિચારો સ્પષ્ટ હશે અને પરિણામે અભિવ્યક્તિ પણ એવી જ હશે, તમારી વાતોમાં એક ‘વજન’ હશે કારણ કે જેને તમે સત્ય માનો છો તે બોલવાની હિંમત પણ ધરાવો છો. તમે અભિનંદનના અધિકારી છો કારણ કે આ બધી ક્ષમતા સામાન્ય નથી.

ઉપર દર્શાવી તેવી આદર્શ સ્થિતિ ઓછી જોવા મળે છે. માટે જ સારા ગાયકો કે સારા વક્તાઓ પ્રમાણમાં ઓછા હોવાના. મૃત્યુથી પણ મોટો ડર લોકોને હોય તો તે જાહેર વ્યક્તવ્ય આપવાનો છે. લોકો સમજે છે કે મૃત્યુ અટલ છે, જાહેરમાં બોલવાનું કદાચ છટકાવી શકાય. આદર્શ સ્થિતિ ન હોવાના કારણો વિવિધ છે. ‘મન કી બાત’ વડાપ્રધાન ભલે કરે, સામાજિક અને કૌટુંબિક કારણોને લીધે સામાન્ય મનુષ્યને તો પોતાના મનની ઘણી વાત મનમાં જ દબાવવી પડે છે. બધી મનની વાત કરી દઈએ તો કદાચ નોકરી ખોવાનો વારો આવે, ધંધામાં નુકસાન જાય, કુટુંબમાં મહાભારત સર્જાય, પાડોશી સાથે પણ ઝઘડો થઈ જાય અને એવું ઘણું બધું. અને જેવી વાત ગળા સુધી આવી અને અટકી એટલે વિશુદ્ધિ ચક્ર નારાજ. જીવન દરમ્યાન જે દબાવી રાખેલું છે અને ગળી ગયા છીએ તે બધું ગળે અટકેલું છે, અર્ધજાગૃત મનમાં અસ્તિત્વમાં રહે છે, નિવારણ તેનું જરૂરી છે. બહુ રિસામણું ચક્ર છે આ, જૂઠથી પણ એને નફરત, કોઈની ખોટી ચાંપલૂશી કરો તો પણ એને ગમે નહિ, કઈં ને કઈં વાંધો પાડીને ઊભું રહે.

દુકાળમાં અધિક માસ. ઉપરનાં કારણો ઓછા હોય તેમ દરેક વ્યક્તિ, પુરુષ હોય કે સ્ત્રી, પોતાની અંદર એક ‘ગુપ્ત’ ખૂણો રાખીને બેઠી હોય છે. કોઈનો ખૂણો મોટો તો કોઈનો નાનો, પણ હોય તો ખરો જ. એમાં જાતજાતની અને ભાતભાતની લાગણીઓ, ઈચ્છાઓ અને આસક્તિઓ ભરી હોય – ગુસ્સો હોઈ શકે, નિરાશા હોઈ શકે, અદેખાઈ હોઈ શકે, છૂપી આસક્તિ (Crush) હોઈ શકે અને રુઢિચૂસ્ત સમાજમાં ખાનગીથી પણ ખાનગી ખૂણામાં લોકરમાં સંતાડીને રાખેલ હોય તો તે હોય જાતીય જીવનને/ઈચ્છાઓને લગતા વિચારો. ભય હોય કે ભૂલથી બોલાઈ જાય તો ઇમ્પ્રેસનનું તો સત્યાનાશ થઈ જાય ને ! જેટલો ખાનગી ખૂણો મોટો એટલી તકલીફ હૃદયચક્રને તો ખરી જ પરંતુ વિશુદ્ધિ ચક્ર પણ એટલું જ ઘાયલ. કોઈ એવી વ્યક્તિ મિત્ર હોય જે કોઈ જજમેન્ટ લીધા વગર તમને સાંભળી શકે અને તમારામાં હિમ્મત હોય તેની પાસે આ ગુપ્ત ખૂણો ખોલવાની તો તમે અત્યંત નસીબદાર. ચક્ર એટલું ઓછું ઇજાગ્રસ્ત. પરંપરાગત સમાજ બદલી રહ્યો છે, આજની યુવા પેઢી ખુલ્લા મનની થઈ રહી છે અને પરિણામે દેખાઈ રહ્યું છે કે થોડા વર્ષો પહેલાં કરતાં હાલમાં નાની ઉંમરના સારા ગાયકો, કલાકારો અને યુવા વક્તાઓ બહાર આવી રહ્યા છે.

ખૂબ સંવેદનશીલ ચક્ર છે આ. બ્રોન્કાઇટીસ, ટોન્સીલાઇટીસ, નાકને લગતા રોગ, સાઈનસને લગતી તકલીફો, ગળું લાલ થઈ જવું, થાઇરોઈડ, કાનમાં તકલીફ – આ બધું જ આ ચક્રને આભારી. બાળકોને વારેઘડીએ ગળાની તકલીફ થાય, કારણ છે આ ચક્રની સંવેદનશીલતા.

બ્લેક મેજીકની પણ તાત્કાલિક અને ગાઢ અસર થઈ શકે આ ચક્ર પર. નાનાં બાળકો પર અને પુખ્ત ઉંમરની વ્યક્તિ પર પણ. મારી અત્યંત નજીકની એક વ્યક્તિ – આશરે ૪૦ વર્ષના બેન્ક અધિકારી સાથે આવી ઘટના ઘટી ગઈ છે. રસ્તામાં ફક્ત ૧ મિનિટ માટે મળેલા સાધુએ તેમની પર જે કઈ કર્યું તેના પરિણામે તેમને તરત જ તાવ આવ્યો, અવાજ બગડવાનો શરૂ થયો અને અંતે એક વર્ષ પછી મુંબઈની એક ખ્યાતનામ હોસ્પિટલમાં સિસ્ટનું ઓપરેશન કરાવ્યા ત્યાર બાદ એમનો અવાજ નોર્મલ થયો.

પોતાના વિશુદ્ધિચક્રને તપાસવું હોય તો જાત પાસેથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાના રહ્યા.

મને મારી લાગણીઓ મુક્ત રીતે વ્યક્ત કરવામાં હિચકિચાટ છે?

મારા વિચારોને શું હું યોગ્ય શબ્દોમાં ઢાળી શકતો/શકતી નથી?

મારો અભિપ્રાય વ્યક્ત કરતી વખતે હું નર્વસ થઇ જાઉં છું?

મારા સંબંધોમાં અનેક વખત ગેરસમજણને કારણે તકલીફ ઉભી થાય છે?

મને સતત એવું લાગે છે કે લોકો મને સમજી શકતા નથી, મારી અવગણના કરે છે?

શું હું મોટા ભાગે મારી વાતો અથવા મનોભાવો ગુપ્ત રાખ્યા કરું છું?

લોકો સાથે વાતચીત દરમિયાન હું ક્ષોભ અનુભવું છું અથવા ચિંતાતુર થઇ જાઉં છું?

શું હું શરમાળ છું?

શું મારી જાતને પ્રામાણિક રીતે ખુલ્લી મૂકી શકતો/શકતી નથી?

બીજા લોકો માટે શું હું અનેક ધારણાઓ બાંધી લઉં છું?

મારી વાત લોકોને કહેવામાં સંકોચ અનુભવું છું?

જાહેર વ્યક્તવ્ય આપવાનું આવે તો મારા પગ બ્રેક ડાન્સ કરે છે? હૃદયના ધબકારા સુપરફાસ્ટ દોડે છે?

જયાર ને ત્યારે એવા સંબંધો બનાવી લઉં છું કે જેમાં સામેની વ્યક્તિ સતત મારી આલોચના કર્યા કરે?

શું હું મારી જાત સાથે કે અન્ય સાથે પ્રામાણિક નથી?

શું મારી વાતો અને વર્તન જૂદાં છે?

શું જયારે હોય ત્યારે મારો અવાજ ધીમો પડી જાય છે? ગળું બેસી જાય છે?

શું મને હાઇપો અથવા હાઇપર થાઇરોડિઝ્મ છે?

શું મને કાનમાં કઈ તકલીફ છે?

શું મને વારંવાર સાઈનસ, ગળામાં ઇન્ફેક્શન જેવી શારીરિક સમસ્યાઓ રહે છે?

મારામાં રચનાત્મકતાની કમી છે?

ચર્ચા દરમિયાન હું બીજા પર હાવી થવાની કોશિશ કરું છું?

કોઈની વાતને તોડી પાડીને હું છૂપો આનંદ અનુભવું છું/

મારાથી વિરુદ્ધ અભિપ્રાય આપનારી વ્યક્તિને હું માનસિક રીતે ધુત્કારી કાઢું છું?

મારી છાપ અહંકારીની હોઈ શકે?

મને દરેક લોકોની ટીકા કરવાનું મન થાય કરે છે?

મોટા ભાગના જવાબ ‘હા’ હોય તો પછી ચક્રમાં સુધારાની જરૂર તો ખરી. બે પ્રકારની તકલીફ હોઈ શકે. ચક્રને ઓછી ઊર્જા મળે અથવા તો વધુ ઊર્જા મળે. ઓછી ઊર્જા મળે તો સ્વાભાવિક રીતે જ ચક્ર અવરોધ અનુભવતું હોય. આવા સમયે વ્યક્તિ અંતર્મુખી, ડરપોક, શરમાળ થઈ જાય, પોતાનો ‘અવાજ’ વ્યક્ત કરવામાં હિચકિચાટ અનુભવે. ચક્ર વધુ ઊર્જા મેળવતું હોય તો પણ અસંતુલન કહેવાય. વ્યક્તિ પોતાની વાણી પરથી નિયંત્રણ ગુમાવી દે, અન્ય લોકોની ટીકાકાર થઈ જાય. કોઈની વાત સાંભળે નહિ, ઘમંડી થઈ જાય. બહુ સારી વક્તા હોઈ શકે પણ તેની ભાષામાંથી ઘમંડ અને આક્રોશ ભભૂકે, લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરે. આપણી આસપાસ નજર ફેરવીશું તો આવા ઉદાહરણો ઘણા હશે અને જાહેર જીવનમાં તો આજકાલ આવા દ્રષ્ટાંત ચોમેર જોવા મળે છે.

આધ્યાત્મિક રીતે જોઈએ વિશુદ્ધિચક્ર સાથે અતીન્દ્રિય શક્તિઓ ( Psychic Powers) જોડાયેલી છે. આ ચક્રની શક્તિઓ વિશેષ જાગૃત થયા પછી Clairaudience એટલે કે દૂરથી અવાજ સાંભળી શકવાની શક્તિઓ વિકસે છે, દૂરથી એટલે દુનિયાના કોઈ અતિ દૂરના છેડે થી અથવા તો કોઈ બીજા જ લોકમાંથી આવતા અવાજો.

ભાઇબહેન વચ્ચે સારા સંબંધો આ ચક્રની સારી સ્થિતિ બનાવવા માટે આવશ્યક છે.

અંતમાં, મુક્ત સંવાદ દરેક સંબંધોનો મૂળભૂત પાયો છે, સંપૂર્ણ પ્રામાણિકતા, વિશ્વાસ, પ્રેમ, આદર સાથે. અને તેના માટે જરૂરી છે વાતચીતની કળા અને પ્રકાર – જાત સાથે કે બીજા સાથે (એટલે કે વિચારો અને અભિવ્યક્તિ) – જે જીવનના દરેક પાસાંને અસર કરે છે. ક્યારે બોલવું, કેટલું બોલવું, શું બોલવું, કેવી રીતે બોલવું અને ક્યારે બંને હોઠ ભીડી દેવા તે સમજવું અત્યંત આવશ્યક છે તથા સામાજિક સંબંધો, સફળતા, પ્રભાવ, શારીરિક તંદુરસ્તી અને અંતમાં વિશુદ્ધિ ચક્રની સ્થિતિ – દરેક વસ્તુ તેના પર આધારિત છે.

વિશુદ્ધિ ચક્રને સંતુલિત કરવાના ઉપાયો આ પછીના લેખમાં સમજીશું.

ક્રમશ:


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: