ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૯) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

છેલ્લા લેખમાં હૃદયચક્રનાં લક્ષણો અને તેના અસંતુલન વિગેરે ચર્ચા આપણે કરી. હવે હૃદયચક્રની સંભાળ રાખવાના/સશક્ત કરવાના રસ્તા જોઈએ. ઊર્જા બગડે નહિ તેના પ્રયાસો અને સુધારા માટે જે કંઈ થઈ શકે તે. હવે એ તબક્કો છે કે શારીરિક કરતાં માનસિક પ્રયત્નો વધુ કામ કરશે.

આ ચક્રની ઊર્જા દૂષિત થવા માટેનું એક મોટું કારણ છે વિચારોનો પ્રકાર. બોસ પાસે રજા માંગવી છે, પહેલેથી મનમાં નક્કી હોય ‘રજા મળવી મુશ્કેલ છે, નહિ જ મળે’; ઇન્ટર્વ્યુ આપવા એ વિચાર સાથે જ જઈએ કે બીજા મજબૂત ઉમેદવારો છે, આપણો વારો ક્યાંથી આવશે? બહાર ગયેલું કુટુંબીજન ઘરે પાછું ફરવામાં મોડું કરે અને વિચાર શરુ થાય કે ટ્રાફિક બહુ હોય છે, શું થયું હશે? શરીરમાં એક નાની ગાંઠ થાય ને તરત બીક પેસે ‘કેન્સર તો નહિ હોય ને?’ (અરે યાર, એમ કંઈ કેન્સર રેઢું પડ્યું છે? કેટલાં પુણ્ય કર્યાં હોય ત્યારે મોટા ડોક્ટર પાસે જઈ શકાય!) આ પ્રકારના વિચારોની આદત હૃદયચક્રને નબળું પાડે અને નબળું પડેલું હૃદયચક્ર ફરીથી આવા વિચારો કરાવે. અંતે અભિમન્યુના કોઠા જેવું વિષચક્ર બને. અમસ્તું નથી કહ્યું કે ‘રોતો જાય ને મૂવાના ખબર લાવે.’ જેમ Law of Gravity છે તેમ Law of Attraction પણ છે, એટલો વિસ્તૃત વિષય જેના પર PHD પણ થઈ શકાય. એનો પાયાનો સિદ્ધાંત એ છે કે ‘જે વિચારને ઊર્જા આપીએ તે ઘટના અંતે ઘટીને રહે’. (અને પછી કહીએ કે જો હું કહેતો’તો/કહેતી’તી ને, એમ જ થયું ને). અહીં જરૂર રહેશે વિચારોનું સભાન અવલોકન અને જાગૃતિપૂર્વક અનાવશ્યક વિચારોથી દૂર રહેવા માટેનો અડગ નિર્ધાર અને પ્રયત્ન.

ગયા લેખમાં આપણે ચર્ચા કરી કે સામાન્ય રીતે સ્ત્રીઓનું હૃદયચક્ર વધારે અસંતુલિત હોય છે. વિરોધાભાસ એ છે કે હાર્ટ એટેક સામાન્ય રીતે પુરુષોને વધારે આવે. એમ કેમ? દિપક ચોપરાજી કહે છે “The less you open your heart to others, the more your heart suffers.” બસ તકલીફ અહીં છે. સ્ત્રી પોતાનું હૃદય પિયરમાં ખાલી કરે, પાડોશમાં ખાલી કરે, બહેનપણીઓ પાસે ખાલી કરે, છેલ્લે આંખથી ખાલી કરે (કોઈ વાર મોટી અને લાલ કરીને, કોઈ વાર ગંગાજમુના દ્વારા) – ક્યાંક રસ્તો કાઢે. પુરુષો? ‘ન બોલવામાં નવ ગુણ’ એમ માનીને ચૂપ રહે, ચૂપ રહ્યા અને જવાબ ન આપ્યો તેના માટેનો ગુસ્સો ફરીથી સહન કરે અને છેલ્લે આવું શબ્દબાણોથી ચારણી થયેલું અને છતાં તાળું મારેલું હૃદય સર્જન ખોલે. નાનપણના મિત્રો સાચવી રાખેલા હોય તો જરૂર પડે હૃદય ખોલવામાં કામ લાગે, આપણી છઠ્ઠી જાણતા હોય; ત્યાં ખોલવામાં અચકાટ ઓછો થાય. આમ ખૂલે તો હૃદયચક્ર ઓછું બગડશે ને બગડેલું હશે તો સુધરશે. હૃદયચક્રમાં તાત્કાલિક પાટાપિંડી થઈ જાય આવા સમયે.

સ્ત્રીઓના સંદર્ભમાં એક બીજી વાત. માતા સંતાનની કાળજી લે ત્યાં સુધી બરાબર છે પણ સતત તેના વિષે જ વિચાર્યા કરે અને ચિંતા કર્યા કરે તો માતા-સંતાન બંનેનું હૃદયચક્ર દૂષિત થાય છે. અમારા ગુરુદેવ બહુ વિસ્તાર સાથે આ વાત સમજાવીને કહે છે કે “આવા સંજોગોમાં માતા સંતાનને અજાણતાં જ ‘લલ્લુ’ અથવા ‘લલવણ’ બનાવે છે. પગમાં લાકડું બાંધેલી ગાય જે રીતે ધીરેધીરે ચાલતી હોય તે રીતે આ સંતાન જીવનમાં ધીરેધીરે વિકાસ કરે છે.”

સ્ત્રીવર્ગ. એમનું હૃદયચક્ર સામાન્ય રીતે થોડું વધારે માવજત માંગે તેવું હોય અને માટે જ કદાચ આપણા પૂર્વજોએ ગોઠવણ કરેલી હશે કે હૃદયચક્રના સ્થાન પાસે સ્પર્શ થાય તે રીતે સુવર્ણ રાખવું એટલે કે મંગળસૂત્ર અથવા સોનાની ચેઇન પહેરવી. સુવર્ણનો સ્પર્શ ચક્ર પર થાય તેના ચોક્કસ ફાયદાઓ છે. માટે ચેઇન એટલી લાંબી પહેરવી જોઈએ( આ ગમશે). બહાર દેખાય તેમ નહિ પણ શરીરને સ્પર્શ થાય તેમ પહેરવાની હોય (આ નહિ ગમે, થોડો વટ ઓછો પડે). ફાયદો એ થાય કે કોઈ ખેંચી જાય તેવી શક્યતા ઘટે. હૃદયચક્રને ફાયદો તો ખરો જ.

Solfeggio Frequency નામનું એક ખાસ પ્રકારનું સંગીત રોમન કેથોલિક દેવળોમાં લગભગ ૮૦૦ વર્ષ પહેલાંથી વગાડવામાં આવતું. ચર્ચમાં સંગીતને એક ખાસ સ્થાન છે અને ગોવાના, યુરોપના દેવળોમાં ઊંચા ઝરુખાઓ જોયા હશે જેમા ઊભા રહીને ગિટાર વિગેરે વાજિંત્રો વગાડવામાં આવતાં. આ સંગીતની નોટ્સ જુદી જુદી ફ્રીક્વન્સી પર વગાડવાથી વિવિધ ફાયદા થાય. ૬૩૯ HZ ફ્રીક્વન્સી હોય તો હૃદયચક્ર પર અત્યંત સારી અસર થાય. પરસ્પર સંબંધો અને વાતચીત એટલે કે કૉમ્યૂનિકેશન સુધારવામાં, પ્રેમ, ધીરજ, સમજણ વધારવામાં આ ફ્રીક્વન્સી ઘણી ઉપયોગી છે. વૈજ્ઞાનિક રીતે શરીરના કોષો અને વાતાવરણ વચ્ચે તાદાત્મ્ય લાવવામાં આ ફ્રીક્વન્સી લાભદાયી સાબિત થઈ છે. આ ફ્રીક્વન્સીની એક લિંક અહીં મૂકું છું.

‘યં’ મંત્રોચ્ચાર શારીરિક હૃદયને અને હૃદયચક્ર – બન્ને માટે ફાયદાકારક. આ લિંક ચેક કરી શકો છો.

પતંજલિ કે રામદેવબાબા નજર સામે તરવરે તો અમુક આસાન કરી શકાય જેમ કે ઊષ્ટાસન, ચક્રાસન, સેતુબંધાસન, વીરભદ્રાસન, ભુજંગાસન, ધનુરાસન, મત્સયસન, ઉર્ધ્વમુખશ્વાનાસન.

ખોરાકમાં કોઈ પણ પ્રકારના લીલોતરીવાળા શાકભાજી લાભદાયક રહેશે. આંખો સમક્ષ લીલોતરી એટલે કે ઘરમાં/ઓફિસમા છોડ રાખવાથી, બારીમાંથી ઝાડપાન દેખાતા હોય તે વારેવારે જોવાથી, હરિયાળીમિશ્રિત કુદરતી દૃશ્યોના વોલ પેપર/ફોટો રાખવાથી પણ હૃદયચક્રને મઝા પડી જશે.

કુદરતના ખોળે ફરવા નીકળી પડીએ. “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા” એવું લખવા કે વિચારવાની સાથેસાથે એ કાર્ય કરી પણ લઈએ.

ફરી આંતરિક બદલાવ પર આવીએ. લાગણીઓને મુક્ત રીતે વહેવા દેવી જરૂરી છે. આ વાતનું મહત્ત્વ સમજીને યેલ /ઈલિનોઈસ જેવી વિશ્વની ખ્યાતનામ યુનિવર્સીટીઓમાં ખાસ કોર્સ શરૂ થયા છે.

કોઈ પણ લાગણી વ્યક્ત કરવાના અનેક રસ્તા છે – શબ્દો, સ્પર્શ, આંખ કે સંજોગો મુજબ યોગ્ય હોય તેવી કોઈ પણ રીત. ઓશીકું રડવા માટે પણ કામ આવી શકે, મુક્કા મારવા માટે પણ અને એમાં મોઢું (પોતાનું) ફસાવીને ચીસો પાડવા માટે પણ. અત્યંત શક્તિશાળી સારવાર છે આ. કોઈ પણ લાગણી દબાવી રાખવાથી નુકસાન આપણું જ છે.

‘પ્રેમ’ આ ચક્રના પાયામાં છે. બીજા પ્રત્યે પ્રેમ તો જ ઉદ્ભવે જો સ્વ પર પ્રેમ હોય. કપમાં ચા ભરી હોય તો ચા ઢોળાય અને કોફી ભરી હોય તો કોફી ઢોળાય. અંદર પ્રેમ ભર્યો હોય તો એ બહાર આવે અને ગુસ્સો કે નફરત હોય તો એ. એક કામ કરીએ. દરરોજ સવારે અરીસા સામે ઊભા રહી પોતાની જ આંખમાં આંખ પરોવી વારંવાર કહીએ કે “I love you, I accept you as you are, I love your whole being”. આ ધારીએ છીએ તેટલું સહેલું ન પણ હોય. મારી પાસે કાઉન્સેલિંગ કરાવેલી એક યુવતીએ ખૂલ્લે મને કબૂલેલું કે તેના માટે આ અત્યંત મુશ્કેલ હતું અને આ પ્રક્રિયા દરમ્યાન એ ખૂબ જ રડેલી.

એક બીજી રીત. પોતાની જાતને પ્રેમપત્ર લખવાનો. કોઈને પત્ર લખવા કરતાં આ કદાચ થોડું અઘરું છે. આ માટે એક અથવા વધુ વાર શાંતિથી બેસવું પડે. પોતાને લગતી બધી જ સારી વાતોને યાદ કરી નોંધ કરવાની રહે. જરૂર પડે તો બીજાની મદદ પણ લઇ શકાય – એ જાણવા માટે કે ‘મારામાં શું શું સારું’ છે. આ નોંધ થઈ જાય બાદ મારે મને જ પ્રેમપત્ર લખવાનો રહે અને તેમાં આ બધા મુદ્દા આવરી લેવાના રહે. અને પછી એ પત્ર કોઈ નજીકની વ્યક્તિ પાસે (અથવા કોઈને કહેવામાં અચકાટ અનુભવાતો હોય તો પોતે જ) પોતાને દરરોજ પોસ્ટ/મેઈલ કરવાનો રહે. અર્ધજાગૃત મન થોડા સમયમાં જ જાદુ કરશે, ભીતરની લાગણીઓ ફેરવી નાખશે.

એક ડાયરી રાખીએ. દરરોજ એમાં થોડાં નામ ટપકાવીએ કે જેનો આભાર માની શકાય. આ નામો વ્યક્તિના/ઋતુના/વસ્તુના/અંગના એમ કોઈ પણ હોઈ શકે. બની શકે તો શરમાયા વગર કોઈને આભારનો સંદેશ મોકલીએ. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે. છેક ૧૭૮૯થી અમેરિકામાં નવેમ્બરના ચોથા ગુરૂવારને ‘Thanks Giving Day’ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.

માફી માંગવામાં અચકાઈએ નહિ. ઘણી વખત એવું બન્યું હોય કે વાંક આપણો હોય તેવું જે તે પ્રસંગ વખતે નહિ તો પછી લાગ્યું પણ હોય પણ વટના કટકા થઈને ચૂપ રહ્યા હોઈએ. એ યાદ કરી ફોન કરીને કે SMS દ્વારા પણ માફી માંગી લઈએ. આમાં ફાયદો આપણો જ છે. આ પણ વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદિત વાત છે.

બીજું શું થઈ શકે?

સંગીત: ખુશી ફેલાવે તેવાં ગીતસંગીત સાંભળવાં જોઈએ. ગાવાનો શોખ હોય તો અતિ ઉત્તમ. થોડું ધ્યાન એ રાખવાનું કે વિષાદભર્યું ગાયન અને સંગીત ઉદાસીનતા જન્માવે જે હૃદયચક્માં તકલીફ ઊભી કરી શકે. કરુણરસથી શક્ય તેટલા દૂર રહીએ તો સારું. મીનાકુમારી અને દિલીપકુમાર વિષાદભર્યા રોલ કરીને ડિપ્રેસનમાં જતાં રહ્યાં હતાં તે વાત તો જગજાહેર છે.

હગ થેરાપી, મુન્નાભાઈ MBBS વાળી જાદુ કી જપ્પી – જ્યાં શક્ય અને યોગ્ય હોય ત્યાં (અને પોતાની વિવેકબુદ્ધિ અનુસાર). હકારાત્મક કેમિકલ બદલાવ આવે, તાત્કાલિક રીતે ઓક્સિટોસિનનું લેવલ વધી જાય જે ગુસ્સા અને એકલતાની લાગણી દૂર કરે અને અને થોડી લાંબી જપ્પી સિરોટોનિનનું લેવલ વધારે કે જે મૂડ સારો કરી દે.

સુખાંતવાળી પ્રેમકથાઓ વાંચીએ ને એવા ચલચિત્રો જોઈએ.

લીલાં કપડાં પહેરીએ. રંગ બહુ પસંદ ન હોય તો આ રંગના રૂમાલ અથવા આંતરવસ્ત્રોમાં તેનો ઉપયોગ કરીએ.

જાતને અને બીજાને માફ કરતા શીખીએ. ‘અંદરનું’ વજન ઓછું થઈ જશે, હળવા થઇ જવાશે. If your heart is a volcano, how shall you expect flowers to bloom? આવું ખલિલ જીબ્રાને કહેલું.

કઈં પણ ‘દાન’ કરીએ, જરૂરી નહિ કે આર્થિક. સમયદાન, શ્રમદાન, વિદ્યાદાન કે અન્ય કંઈ પણ – કોઈ પણ પ્રકારની ચેરિટી. કોઈને શાંતિથી સાંભળીએ તો એ પણ એક પ્રકારે કરેલી મદદ છે જેને કારણે સામેની વ્યક્તિ હળવી થઈ.

એફર્મેશન ખૂબ જ ફાયદો કરશે. બાથરૂમના અરીસા પરચોંટાડીને રાખી શકાય અને લેપટોપના સ્ક્રીન પર પણ, જેથી વારંવાર નજર પડે. સાથેના ચિત્રમાં આ ચક્રને લગતાં એફર્મેશન આપેલાં છે.

પેઈન્ટિંગ્સ દ્વારા પણ હૃદયચક્ર પર વાઈબ્રેશન મળી શકે. આ સાથે એવું એક ચિત્ર છે જે જેકલીન રીપ્સ્ટેઇનનું અતિ પ્રસિદ્ધ આર્ટ ‘Heaven to Earth’ છે જેની રેપ્લિકા અમેરિકાની વિવિધ હોસ્પિટલ્સમાં પણ જોવા મળે છે.

રોઝ ક્વાર્ટઝ જેવા ક્રિસ્ટલથી ફાયદો થાય છે.

અને અંતે ધ્યાન. નિર્વિવાદ રીતે સર્વોપરી રસ્તો. આધુનિક ચિકિત્સા પદ્ધતિ પણ વર્ષોથી સ્વીકારે છે કે ધ્યાનના ફાયદોઓ અનેક છે. મારા બૉસે જયારે ૨૦૦૬માં બાયપાસ સર્જરી કરાવી ત્યારે એપોલો હોસ્પિટલમાં તેમના પ્રિસ્ક્રિપશનમાં દવાઓ સાથે ‘રેગ્યુલર મેડિટેશન’ પણ લખાઈને આવેલું. ધ્યાન માટે થોડાં સૂચનો છે.

આરામદાયક અને બને તેટલાં ઓછાં કપડાં પહેરવાં જોઈએ. ઓછાં એટલા માટે કે કપડામાં આપણા વિચારોની ઊર્જા રહેલી હોય છે.

‘ફાવે તેમ’ બેસવાનું. પદ્માસન કરીને બેઠાં પછી ૫ મિનિટમાં તકલીફ પડી જાય તો ધ્યાન બાજુએ રહી જાય.

સ્થાન એવું કે જ્યાં કોઈ ખલેલ ના પહોંચાડે.

જ્યાં સુધી ટેવાઈએ નહિ ત્યાં સુધી સંગીત સાથે ધ્યાન કરવામાં સરળતા રહેશે.

શક્ય હોય તો સમય અને સ્થળ એક જ રાખીએ.

અને અંતમાં ઓશોને યાદ કરીએ તો ”Meditation is the ultimate in luxury.”

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: