ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૩) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આ પહેલાના લેખોમાં આપણે એ નજર નાખી કે Metaphysics માં શાનો સમાવેશ થાય છે, ઓરા શાને કહેવાય, તેના ફોટોઝ કઈ રીતે લઈ શકાય, તેનો ઉપયોગ શું થાય, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા હોય, કુંડલિની શું છે, આપણે તે ઊર્જાનો આંશિક ઉપયોગ જ કરી શકીએ છીએ, ઈડા, પિંગળા, સુષુમ્ણા નાડીઓ એમ મુખ્ય ત્રણ નાડીઓ* વિગેરે. એ પણ આપણે જોઈ ગયા કે દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ છે.

હવે શરુ કરીએ ચક્રયાત્રા. કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સાધના જાણતાં કે અજાણતાં થતી ચક્રયાત્રા જ છે. આપણે આ પહેલાં જોયું કે ત્રણ મુખ્ય નાડીઓ છે અને ગૌણ નાડીઓ અનેક છે જેના દ્વારા શરીરમાં ઊર્જાવહનની પ્રક્રિયા થાય છે. આ નાડીઓ અનેક જગ્યાએ એક બીજીને મળે છે, ક્રોસ કરે છે. રેલ્વેમાં જયારે ઘણી બધી ગાડીઓની લાઇન્સ કોઈ એક સ્ટેશન પર મળે ત્યારે જેમ તેને જંક્શન કહીએ છીએ તેમ ચક્રોને નાડીઓના જંક્શન સાથે સરખાવી શકાય. આ એવા ઊર્જા કેન્દ્ર છે કે જે સંપૂર્ણ ઊર્જાનું નિયમન કરે છે, શરીરના જુદા જુદા ભાગ સુધી પહોંચાડે છે, ઇમ્યુન સિસ્ટમ પૂર્ણ રીતે એમના પર આધારિત છે. કરોડરાજુના સૌથી નીચેના છેડાથી શરુ કરીને માથાંના તાળવાં સુધીમાં આ ચક્રો ગોઠવાયેલાં છે. સૌથી નીચે મૂલાધાર, ત્યાર બાદ સ્વાધિષ્ઠાન, નાભિ, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સૌથી ઉપર સહસ્ત્રાધાર ચક્ર આવેલ છે આ સાથેનું ચિત્ર દરેક ચક્રનું નામ અને સ્થાન બતાવે છે.

જેમ મુખ્ય નાડી ત્રણ છે અને ગૌણ નાડી અનેક છે તેમ મુખ્ય ચક્ર સાત છે અને ગૌણ ચક્ર અનેક છે. એક્યુપ્રેસર અને એક્યુપંકચર ના બધા પોઈન્ટ્સ પણ આમ તો ગૌણ ચક્ર જ છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની આંખોથી જોઈએ તો આ બધાં જ ચક્રોને શરીરની અલગ-અલગ ગ્રંથિઓ ( glands ) સાથે સાંકળી શકાય. વિવિધ ચક્રોના વિવિધ ગ્રંથિઓ સાથેના સંબંધ આપણે ભવિષ્યમાં જયારે દરેક ચક્ર વિષે વિસ્તૃત ચર્ચા કરીશું ત્યારે જોઈશું. નાડીઓ ઊર્જાવહન પદ્ધતિ – ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે જયારે ચક્રો ઊર્જાકેન્દ્રો – એનર્જી સ્ટેશન્સ છે. ચક્રો તે એવા ટ્રાન્સફોર્મર્સ છે કે જે ઊંચી ફ્રીક્વન્સીની બ્રહ્માંડમાંથી મેળવેલ ઊર્જા પર એવી પ્રક્રિયા કરે છે કે જે શરીરમાં કેમિકલ, હોર્મોનલ અને સેલ્યુલર બદલાવ લાવે છે.

ચક્રોનું કાર્ય છે કે બ્રહ્માંડમાંથી ઊર્જા ગ્રહણ કરવી અને રોજબરોજ જુદાં જુદાં કારણોસર (ખાસ કરીને તો આપણા વિચારો દ્વારા) શરીરમાં જન્મતી દૂષિત ઊર્જાને બહાર ફેંકવી. કોઈ પણ પ્રકારની મેમરીનું જેમ ન્યુરૉન્સમાં ઓટોમેટિક કોડિંગ થઈ જાય છે તેમ તેની ઊર્જાનું કોડિંગ – એનર્જેટિક કોડિંગ ચક્રોમાં થઈ જાય છે. દરેક વિચારોની અસર ચક્રો પર છે કારણ કે દરેક વિચારની પણ એક ઊર્જા છે. આ પરથી સમજાશે કે જયારે ભય, ગુસ્સો, ચિંતા, અદેખાઈ, ઉદાસી, હતાશા, અપરાધભાવ-ગિલ્ટ કે આવા કોઈ પણ નકારાત્મક વિચારોનો હુમલો થાય ત્યારે મનુષ્યને કેમ કોઈ શારીરિક શ્રમ વગર પણ અતિશય થાક લાગે છે. ‘ચિંતા ચિતા સમાન’ જેવી કહેવાતો અને આપણા અનુભવો આ વાતની પુષ્ટિ કરશે.

ચક્રો શરીર ફરતું ઢાલનું કાર્ય કરે છે અને બધા ઘા પોતા પર જીલી લે છે. જયારે તે નબળા પડે ત્યારે જ શરીર પર રોગોનું આક્રમણ થાય. નબળા ક્યારે પડે? જયારે વૈચારિક કચરો વધુ ભરાતો જાય ત્યારે એક તબક્કે તેમનું કાર્ય (નવી ઊર્જા ગ્રહણ કરવી અને દૂષિત ઊર્જા બહાર ફેંકવી) અવરોધાય – જેમ રસોડાની ખાળમાં કચરો ભરાય અને પાણીનો પ્રવાહ અવરોધાય. એક ખાસ વાત. ઘણી વખત બાળકોના ચક્રો પણ દૂષિત હોઈ શકે છે. કારણ એ છે કે ગર્ભાધાન સમયે અને ત્યાર બાદમાં માતાના વિચારોથી તેના ચક્રો દૂષિત થયા હોય છે. સગર્ભાવસ્થા દરમ્યાન સારું વાંચન અને વિચારો કરવા માટે જે વિશેષ ભાર મુકાય છે તેની પાછળનો તર્ક હવે સમજી શકાશે.

એક રસપ્રદ વાત અહીં એ છે કે જેમ શરીરનાં સાત ચક્રો છે તેમ ઘરનાં, કોઈ પણ સ્થળના અને દુનિયાના પણ સાત ચક્રો છે. જેમ અક્ષાંશ અને રેખાંશ છે તેમ ઊર્જા આધારિત ‘લે લાઇન્સ’ – ley લાઇન્સ થિયરી છે. આ લે લાઇન્સ જ્યાંથી વધુ માત્રામાં પસાર થાય છે ત્યાં ઊર્જા અત્યાધિક છે અને તેના પરથી પૃથ્વીનાં સાત ચક્રો માનવાંમાં આવે છે. પહેલાં બે ચક્રો અમેરિકામાં , ત્રીજું ચક્ર ઑસ્ટ્રેલિયામાં, ચોથું ઇંગ્લેન્ડમાં, પાંચમું ઈજીપ્તમાં, છઠ્ઠું પશ્ચિમ યુરોપમાં ( આ ચક્રનું સ્થાન બદલતું રહે છે ને માટે તેના હાલનાં સ્થાન વિષે થોડા મતમતાંતરો છે) અને સૌથી ઉપરનું માઉન્ટ કૈલાશ પર માનવામાં આવે છે. સાથેના ચિત્રમાં આ ચક્રોના ચોક્કસ સ્થળ દર્શાવેલ છે.

દૂષિત ચક્રોને શુદ્ધ કરવા માટેની વિવિધ રીતો છે. ધ્યાન આ માટેની સર્વોત્તમ રીત છે. અને ધ્યાનના તો અગણિત બીજા ફાયદાઓ પણ છે. . એ સિવાયની પણ ઘણી રીત છે. અમુક પ્રકારના વિચાર મનમાં જાગૃત રીતે આરોપવા ( Affirmations ), સંગિત, મસાજ, કલર થેરાપી, યોગાસન, અમુક પ્રકારના તેલ, સાઉન્ડ થેરાપી, ક્રિસ્ટલ્સ, હિપ્નોસીસ વિગેરે દ્વારા અલગ અલગ ચક્રોને એનર્જી આપી શકાય છે, ઘણી બધી એનર્જી હીલિંગ પદ્ધતિઓ પણ છે જેમ કે રેકી, પ્રાણિક હીલિંગ વિગેરે. અત્યારે તો એનર્જી મેડિસિન અથવા તો વાઈબ્રેશનલ મેડિસિન તરીકે ઓળખાતી ચિકિત્સાની એક અત્યંત વિશાળ શાખા અથવા વિચારધારા પ્રચલિત થઈ ગઈ છે. ખરેખર તો કોસ્મિક એનર્જી અંગે વિશ્વભરમાં ઘણી જાગૃતિ આવી ગઈ છે અને અમેરિકાની હોસ્પિટલ્સમાં એવા પેઈન્ટિંગ્સ રાખેલા જોવા મળે છે કે જેમાંથી વિશિષ્ટ ચક્રો પર ઊર્જા પ્રવાહિત થતી હોય. એક અત્યંત પ્રખ્યાત આર્ટિસ્ટ ફ્લોરિડાના જેકલીન રીપ્સ્ટેઇન છે જેમના આર્ટમાંથી કેટલા હર્ટઝની ઊર્જા નીકળે છે તે વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કરેલું છે. તેઓ ‘ઇન્વિઝિબલ આર્ટ’ એટલે કે “અદ્રશ્ય કળા”ની વૈશ્વિક પેટન્ટ ધરાવે છે, યુનાઇટેડ નેશન્સના શાંતિ દૂત (એન્વોય ફોર પીસ થ્રુ આર્ટ) છે અને તેમના ૪૦૦થી વધુ અંતરરાષ્ટ્રીય શૉ થઇ ચૂકેલા છે. તેમના આર્ટની વિશેષતા એ છે કે અજવાળામાં એ જુદાં દેખાય અને જુદાં હર્ટઝની ઊર્જા આપે, અંધારામાં જુદાં દેખાય અને જુદાં જ હર્ટઝની ઊર્જા આપે અને UV લાઈટ માં તદ્દન અલગ જ દેખાય અને જુદાં હર્ટઝની એનર્જી આપે. તેમનાં એક અતિ પ્રખ્યાત આર્ટ ‘Eternal Love’ આ સાથે રાખેલ છે. (જેકલીન મારા નજીકના મિત્ર છે, ભારતમાં મારા મહેમાન પણ બની ચુક્યા છે અને આ અંગે ઘણી અત્યંત રસપ્રદ માહિતિ મને તેમના તરફથી જ આમને-સામને બેસીને મળેલી છે, અહીં ફક્ત પ્રાથમિક માહિતી આપેલ છે). તેમની અત્યંત રસપ્રદ સાઈટ jacquelineripstein com લોકોને આ વિષયમાં વધુ રસ હોય તે જોઈ શકે છે.

ઊર્જા અંગે જાગૃતિ એ વાત દ્વારા સમજી શકાશે કે અમેરિકા, ઇંગ્લેન્ડ વિગેરે દેશોમાં પોલિસ ડીપાર્ટમેન્ટ સાઇકિક ડિટેકટિવ’ની મદદ લે છે અને ગુનાઓ શોધવામાં તેમનો ઉપયોગ કરે છે. (એક વાત અહીં કહેવાનું મન થાય છે કે ઘણા લોકો એમ સમજે છે કે ‘સાઇકિક’ એટલે થોડો/થોડી ઘનચક્કર. ખરેખર એમ નથી પણ ‘સાઇકિક’ એટલે જેની ESP એટલે કે એક્સટ્રા સેન્સરી પર્સેપ્શન એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય વધુ કાર્યરત હોય.) બાર્બરા મેક નામની મારી એક ફેસ બુક ફ્રેન્ડની મદદ જુદા જુદા દેશોની પોલીસે અનેક વાર લઇ ચુકી છે. જયારે પોલિસ કોઈ ગુનો ઉકેલી ના શકે ત્યારે તે બાર્બરાની કે આવા કોઈ બીજા ડિટેકટિવની મદદ લે છે. દરેક સ્થળની, દરેક ઘટનાની, દરેક વ્યક્તિની ઊર્જા હોય છે જેની સાથે આવા ડિટેકટિવ ધ્યાનની એક અવસ્થામાં જઈ કનેક્ટ થાય અને ત્યાર બાદ તેમને જે દેખાય તે પોલિસને જણાવે અને તેને આધારે પોલિસ ગુનો ઉકેલે. વેબ સાઈટ barbaramackey.કોમ પરથી બાર્બરા વિષે વિષે વધુ માહિતી મળી શકશે.

હવે પછીથી આપણે વિસ્તૃત ચર્ચા દરેક ચક્ર અને તેની ઊર્જા વિષે કરવાના છીએ ત્યારે ઉપરોક્ત બે સંદર્ભ કદાચ આપણને એ સમજવામાં વધુ પ્રોત્સાહિત કરશે કે બ્રહ્માંડની ઊર્જા જો આપણે વધુ માત્રામાં ગ્રહણ કરી શકીએ તો આપણી ક્ષમતા કેટલી હદે વધારી શકીએ.

દરેક ચક્રોની વિસ્તૃત યાત્રાએ હવેના લેખોમાં જઈશુ


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: