શું તમે સાઈકિક છો? (૯) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખ 6,7,8 માં સાઈકોમેટ્રી વિષે ઘણું જાણ્યું. આ અતીન્દ્રિય શક્તિને વિગતથી જાણવાની જરૂર એ માટે છે કે તે સૌથી પ્રાથમિક અતીન્દ્રિય શક્તિ ગણી શકાય, સરળતાથી વિકસાવી શકાય, શીખવા માટે જે કરીએ તે સમૂહમાં રમતના રૂપમાં પણ કરી શકાય, રોજબરોજની જિંદગીમાં તેનો ઘણી જગ્યાએ ઉપયોગ થઈ શકે. આ લેખમાં નીચેના મુદ્દા તપાસીશું.

1) વાચકોના પ્રશ્નો

2) સાઈકિક વાયરસ

૩) મારામાં સાઈકોમેટ્રી શીખવાની સંભાવના છે?

4) કઈ રીતે શીખી શકાય?

5) આ શક્તિ દ્વારા રોજબરોજની જિંદગીમાં શું શીખ (Learning Points) મળે?

6) પ્રખ્યાત સાઈકિક – નોરિન રેનિયર (હાલમાં જીવંત)

એક વાચક દ્વારા વ્યક્ત થયેલી જિજ્ઞાસા તપાસીએ જે વિષયને થોડો વધુ સ્પષ્ટ કરશે.

1) આપણે ત્યાં એવી માન્યતા છે કે કુદરતે દીધેલ અતિન્દ્રિય શક્તિઓનો અર્થોપાર્જન માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. અન્યથા એ ક્ષીણ થતી ચાલે. શું એવું છે ખરું?

અનુભવ આ માન્યતાની યથાર્થતાને પડકારે છે. લેખ 8 માં જેનો ઉલ્લેખ કર્યો છે તે વિશ્વવિખ્યાત સાઈકિક બાર્બરા સાથે 2૩.05.2020ના રોજ થયેલી ચેટ અહીં મુકું છે (સ્ક્રીન શોટ જુઓ) જે દર્શાવે છે કે વ્યાવસાયિક સાઈકિક હોવા છતાં તેની શક્તિ વધતી ગઈ છે. ૩5 વર્ષ પહેલાં ખૂન જેવા ગુનાઓ સુલઝાવવા બાર્બરાને વ્યક્તિના ઝવેરાત, ઘડિયાળ, કપડાં જેવી વસ્તુની જરૂર પડતી. હવે તેની શક્તિઓ વધતાં આવી આવશ્યકતા રહેતી નથી. અન્ય સાઈકિક મિત્રોના અનુભવ પણ આવા જ છે.

સાથે-સાથે એ પણ જોવાનું રહ્યું કે સંસાર આધ્યાત્મિક સાધના માટે છોડ્યો હોય, સાધનાના માર્ગમાં સિદ્ધિઓ મળી હોય, તે સંજોગોમાં મૂળ હેતુથી ફંટાઈને અર્થોપાર્જન કે અભિમાન પોષવા માટે સિદ્ધિઓ પર રોકાઈ જઈએ તો રાહ ભટકેલ મુસાફર જેવી સ્થિતિ થઈ શકે. આપણે સંસારી લોકો ખરેખર તો આ વિષે કંઈ ટીકાટિપ્પણ માટે અધિકારી નથી.

2) અતિન્દ્રિય શક્તિઓ શું જીવનભર એમ જ રહે છે? એટલી જ તીક્ષ્ણ રહે?

શક્તિ વધી પણ શકે, ઘટી પણ શકે. વ્યક્તિની સાધનાનાં સાતત્ય, પ્રકાર, વિચારોમાં આવતા બદલાવ, અમુક પ્રકારની ઊર્જા અટકાવવા માટે લીધેલી કાળજી, તે દૂર કરવા માટે લીધેલાં પગલાં, ખુદનો ઓરા શુદ્ધ કરવા માટે લીધેલી દરકાર વિગેરે અનેક પરિબળો પર આ વધઘટનો આધાર છે.

સાઈકોમેટ્રી આનુસંગિક અન્ય પાસાં જોઈએ

સાઈકિક વાઇરસ શું છે?

કોઈ સ્થાયી મિલકત ખરીદીએ ત્યારે ત્યાંની ઊર્જા જાણવી જરૂરી છે. ભૂતકાળમાં ત્યાં કેવા પ્રકારની લાગણીઓ ધરાવતા લોકો રહી ગયા છે, લાગણીઓનો કેવો વારસો છોડી ગયા છે તે જાણવું અત્યંત અગત્યનું છે. ક્યા પ્રકારની ઘટનાઓ ત્યાં બની ચુકી છે તે પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. મકાનની દીવાલો અને છત પર, બારણાં પર, ફર્નિચર પર અને સૌથી વધુ દરેક ખૂણાઓમાં લાગણીઓનો કાટમાળ જમા થયેલો હોય છે. આ ભંગારને સાઈકિક વાયરસ કહી શકાય જે વર્ષો બાદ પણ ત્યાં રહેનાર લોકોને અસર કરી શકે, તકલીફ પણ આપી શકે.

ધારો કે એક રાજમહેલ સસ્તી કિંમતે મળે છે. ભૂતકાળમાં ત્યાં અનેક કાવાદાવા થઈ ચુક્યા છે, સત્તા માટે ખૂન પણ થઈ ચુક્યા છે, કોઈ વિલાસી રાજાએ અનેક સ્ત્રીઓ પર અત્યાચાર પણ કર્યા છે. ત્યાં રહેવા જનારને શાંતિ મળવાની શક્યતા કેટલી? અનેક લોકોને, ખાસ કરી ને હિલર્સને તથા નિયમિત ધ્યાન કરનાર લોકોને, સ્થળની ઊર્જાનો તાત્કાલિક ખ્યાલ આવે છે. એક અતિ સેન્સિટિવ મિત્રનો અનુભવ જાણ્યા પરથી આ વસ્તુનો ખ્યાલ આવશે. તેનાં મિત્રદંપતીએ મહેનત કરી અનેક મકાનો જોઈ રાખેલાં, તેમાંથી એક મકાન અત્યંત રૂડું-રૂપાળું હતું, નવું હતું, સારું ઈન્ટીરીઅર કરેલું હતું, ફક્ત રોજિન્દા વપરાશની બેગ લઈ રહેવા જઈ શકાય તેમ હતું. આ સેન્સિટિવ મિત્ર અને તેનાં એટલાં જ સેન્સિટિવ પત્ની તે મકાનમાં દાખલ થયા. તરત જ છાતીમાં ભાર લાગ્યો, મૂંઝવણ થઈ, ખ્યાલ આવ્યો કે મકાનનાં હૃદય ચક્રમાં તકલીફ છે. મકાન બહાર આવ્યા બાદ બંનેએ પોતાનો અનુભવ સરખાવ્યો. એક જ સરખો હતો. તે મકાન સ્વાભાવિક રીતે જ ન ખરીદ્યું. બની શકે કે નવી રહેવા આવનાર વ્યક્તિ અને તેના કુટુંબને તકલીફ પડે. સાઈકોમેટ્રી એક્સપર્ટ અહીં કામ આવી શકે.

એવા સાધનો પણ મળે છે કે જેનાથી કોઈ સ્થળની ઊર્જા માપી શકાય. મારા એક મિત્રના વિશાળ બંગલામાં એક મશીનથી ઊર્જા માપ્યા બાદ તોડફોડ કરેલી છે. બીજા એક મિત્ર જેને પ્રોપર્ટી ખરીદવાનો ગાંડો શોખ છે તે આ પ્રમાણે મશીનથી ઊર્જા માપ્યા બાદ જ કોઈ પણ પ્રોપર્ટી ખરીદ કરે છે. પ્રોપર્ટી ખરીદતાં પહેલાં જ આશરે 50000 રૂપિયા ઊર્જા જાણવાં માટે ખર્ચે છે. તે કહે છે કે મારે માટે આ ખર્ચ નથી, રોકાણ છે.

મનમાં પ્રશ્ન કદાચ ઉઠે કે શું મારામાં સાઈકોમેટ્રીના લક્ષણ છે? નીચેના પ્રશ્નોના જવાબ ખુદ પાસેથી મેળવવાના રહે – Self Test.

1. ભંગાર ભર્યો હોય તેવી જગ્યામાં અત્યંત અકળામણ અનુભવાય છે? સામાન્ય રીતે બંધિયાર જગ્યાનો ડર ન લાગતો હોય પરંતુ આવી જગ્યામાં લાગે છે? કારણ એ હોઈ શકે કે વિવિધ વસ્તુઓમાંથી આવતી જુદા-જુદા પ્રકારની ઊર્જા વિરોધાભાસી લાગણીઓનાં વમળ અજાણતાં જ પેદા કરતી હોય. વિવિધ રાજકીય પક્ષોનાં અલગ-અલગ સરઘસ એક સાથે પોતપોતાનાં દળનાં સૂત્રોચ્ચાર કરતાં નીકળે તો સાંભળનારને જે અકળામણ થાય તેવી અકળામણ સંવેદનશીલ વ્યક્તિને અહીં થઈ શકે.

2. વપરાયેલી વસ્તુઓનું બઝાર સહન થતું નથી? જેમ કે ચોરબજાર, ગુજરીબજાર, એન્ટિક વસ્તુઓનું બઝાર, હરરાજી વિગેરે. મ્યુઝિયમ આમાં અપવાદ હોઈ શકે કારણ કે સામાન્ય રીતે વિશાળ જગ્યાને કારણે આંદોલનો પ્રસરી ગયા હોય તથા વ્યવસ્થિત ગોઠવણીને કારણે ઊર્જાના અવરોધો-બ્લોકેજ ઉત્પન્ન થતા ન હોય.

3. અન્ય વ્યક્તિનાં કપડાં કે ઝવેરાત પહેરવાથી તકલીફ પડે છે?

4. કોઈની વાપરેલી વસ્તુ વાપર્યા પછી તરત હાથ ધોવાની ઈચ્છા થાય છે?

5. ગૂમ થયેલી અથવા આડી-અવળી મુકાઈ ગયેલી વસ્તુઓ બહુ ઝડપથી શોધી શકું છું?

6. વસ્તુઓ/ઝવેરાત સામે ધીરધારનો ધંધો જ્યાં ચાલતો હોય તેવી જગ્યામાં બહુ અકળામણ થાય છે? આવી જગ્યાએ આવનારી વ્યક્તિ મજબૂરીવશ આવી હોય. તે મજબૂરી અને વસ્તુ સાથેનું તેનું માનસિક જોડાણ – આ બંનેને કારણે નકારાત્મક ઊર્જા ઉદ્ભવે. આવી જ અકળામણ જપ્તિનું કાર્ય થતું હોય તે જગ્યાએ થઈ શકે.

7. કોઈ ચોક્કસ જગ્યાની મુલાકાત લીધી હોય, કોઈને પણ સ્પર્શ ન કર્યો હોય છતાં ઘરે પરત ફરતાં જ સ્નાન કરી લેવાની ઈચ્છા થાય છે? શક્યતા છે કે કોઈ એવી ઊર્જા ગ્રહણ કરી લીધી છે કે જે તાત્કાલિક ફેંકી દેવાની ઈચ્છા થાય છે.

8. એવું બને છે કે અમુક કપડાં ગમે તેટલાં કિંમતી અને આરામદાયક હોય તો પણ પહેરવાનું મન થતું નથી?

સાઈકોમેટ્રી વિકસાવવા માટે શું કરીશું?

અતીન્દ્રિય શક્તિઓ વિકસાવવાના પ્રયત્નોના શ્રીગણેશ કરવા માટે સાઈકોમેટ્રી ઉત્તમ છે. એક તો એ સરળ છે અને વધારામાં જો રસ હોય તો તે પ્રક્રિયા બહુ આનંદદાયક છે. એવું નથી કે પહેલી વારમાં સફળતા મળી જ જાય પણ જૅમ-જૅમ પ્રેક્ટિસ થતી જશે તેમ-તેમ સહેલું લાગશે, ઝડપ પણ આવશે. ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે રમત-રમતમાં શીખવાનો પ્રયત્ન કરવાનો, માથા પર મણની શીલા મૂકી હોય તેવા તણાવ સાથે નહિ. કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે. આ પ્રકારની શક્તિ પર વિશ્વાસ અને થાક્યા વગર નિયમિત અભ્યાસ જરૂરી છે. તબક્કાવાર જઈએ. .

હાથ સારી રીતે સાબુથી ધોયા બાદ કોરા કરીએ જેથી બીજેથી ખેંચી લીધેલી ઊર્જા દૂર થાય.

બંને હથેળી એક-બીજા સાથે ઘસીએ.

બંને હાથ છાતી પાસે રાખીએ. હથેળી સામ-સામે, બંને વચ્ચે ૩/4 ઇંચનું અંતર. હવે અત્યંત ધીરેથી બંને હથેળીને એક-બીજાથી દૂર લઇ જઈએ, બંને વચ્ચે દોઢથી બે ફિટનું અંતર રહે તે મુજબ. ફરી ધીરે-ધીરે નજીક લાવીએ. આ પ્રક્રિયા થોડી વાર કરીએ. ખ્યાલ આવશે કે બંને હથેળી વચ્ચે ચુંબકીય ક્ષેત્ર બની રહ્યું છે, તે જ તો છે શરીરમાંથી બહાર નીકળતી ઊર્જા એટલે કે ઈલેક્ટ્રો-મેગ્નેટિક વેઈવ્સ.

કોઈ વસ્તુ હાથમાં પકડીએ – એવી વસ્તુ કે તે કોની છે તે વિષે કોઈ જાણ નથી. કોઈ ઝવેરાત કે ધાતુની વસ્તુ આ માટે શ્રેષ્ઠ છે. જે વસ્તુને પકડીએ તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરીએ. રંગ કેવો છે, તેના પર કોઈ પ્રિન્ટ કે નક્સીકામ હોય તો તે – નાનાંમાં નાની દરેક બાબતની નોંધ કરીએ. નોંધ કર્યા બાદ મૉટેથી બોલીએ કે કઈ વસ્તુ છે, કયો રંગ છે વિગેરે.

એકદમ હળવા મન સાથે આ ક્રિયા કરીએ. આંખ બંધ કરીએ.

જે જોઈ ચિત્ર દેખાય, અવાજ સંભળાય, સુગંધ આવે, સ્પંદન ઉઠે તેની માનસિક નોંધ લઈએ.

ખુદને સવાલ પૂછીએ.

1. આ વસ્તુ કોની છે/હતી?

2. તે વસ્તુ જેની હતી તેનું વ્યક્તિત્ત્વ કેવું હતું?

3. આ વસ્તુ તેના માલિક પાસે હતી તે દરમ્યાન તેને કેવા અનુભવ થયા છે?

4. તે વ્યક્તિ જીવંત છે કે મૃત?

લાગણીઓ ધસી આવશે તેવો અનુભવ ઘણી વાર થશે. નફરત, ડર અને પ્રેમ સૌથી વધુ શક્તિશાળી ભાવના ગણાય. સાઈકોમેટ્રી દરમ્યાન પણ સૌથી વધુ આ બહાર આવે. જે કંઈ બહાર આવ્યું તેને નોંધીશુ અને હકીકત સાથે સરખાવીશું.

થોડી વાતોનું ધ્યાન રાખીશું.

સમગ્ર પ્રક્રિયા દરમ્યાન હળવા રહીશું, એક રમત તરીકે પ્રક્રિયાને લઈશું.

ખુલ્લા દિલથી કોઈ પણ જાતની શંકા-કુશંકા કે ડર વગર પ્રક્રિયા કરીશું.

જે કંઈ કરીએ છીએ, જે પરિણામો આવ્યા છે તેનો રેકોર્ડ રાખીશું જેથી ખ્યાલ આવે કે અમુક સમય પછી કેટલી પ્રગ્રતિ થઈ.

ઘણી વખત હાથમાં બહુ પ્રસ્વેદ થઈ શકે. માટે ટીસ્યુ પેપર, નેપકીન વિગેરે બાજુમાં રાખીશું.

શરૂઆતમાં એન્ટિક વસ્તુથી પ્રયત્ન નહિ કરીએ. અનેક વ્યક્તિએ જેનો સ્પર્શ કર્યો હોય તેની ઊર્જા સમજવા માટે થોડા મહાવરાની જરૂર પડે. એક જ વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુથી શરૂઆત કરીશું. ઝવેરાત, વાળની લટ, મોબાઈલ ફોન, ફોટોગ્રાફ વિગેરે શરૂઆત કરવાં માટે અનુકૂળ આવશે.

અર્ધજાગૃત મનને શું કરવાનું છે તે આદેશ આપવાથી વધુ સારા પરિણામ મળે. માટે એક માનસિક નીર્ધાર કરીશું કે ‘જે વસ્તુને હું પ્રયોગમાં લઈશ તેની ઊર્જાની છાપનો ખ્યાલ મને આવશે.’

જે સક્રિય હાથ હોય, જેનાથી મોટા ભાગના કાર્ય કરતા હોઈએ તેનાથી વિરુદ્ધના હાથમાં વસ્તુ પકડાવી જોઈએ. તે હાથ ગ્રહણકર્તા હાથ ગણાશે.

તે પદાર્થને પેટ, કપાળ, ગાલ પર સ્પર્શ કરાવીએ. જોઈએ કે વધુ ખ્યાલ શરીરના કયો ભાગ મેળવી રહ્યો છે.

વસ્તુને સ્પર્શ કર્યો તેનાથી સારું લાગ્યું કે ખરાબ – પ્રથમ તે નોંધ કરવાની. એ જોવાનું કે સ્પર્શ દ્વારા ઝણઝણાટી થઈ? ઉષ્ણતા મેહસૂસ થઈ? શીતળતાનો અનુભવ થયો? શરીરના કોઈ ભાગમાં દુખાવો ઉપડ્યો? બીજી કઈ માનસિક લાગણીઓ ઉભરી આવી? ધારો કે કોઈ માનસિક લાગણી ઉભરી નથી આવી. તો પણ જાતને જ સવાલ કરવાનો કે આ પદાર્થ સાથે સંકળાયેલી સૌથી શક્તિશાળી ભાવના કઈ છે? પછી જે જવાબ આવે તે અર્ધજાગૃત મનમાંથી આવશે, તેના પર વિશ્વાસ કરવાનો.

મહત્ત્વની વિગતો નોંધ્યા બાદ વધુ સૂક્ષ્મ વાતો યાદ કરી નોંધ કરવાની. શરૂઆતમાં જે ગોળ-ગોળ માહિતી બહાર આવતી હશે તે થોડા સમયમાં જ ‘ચોક્કસ’ બનતી જશે.

કોઈ વખત ઊર્જાની છાપ બહુ જલ્દી ઉપસી આવશે, કોઈ વાર ધીરે-ધીરે. થોડા સમયના પ્રયોગો પછી વધુ ને વધુ ફાવટ આવતી જશે.

15/20% સાચી માહિતી પણ મળે તો તે શુભ શરૂઆત કહેવાય. કદાચ કંઈ જ સાચી માહિતી ન મળે તો પણ નાસીપાસ થવાની જરૂર નથી. બની શકે કે થોડા જ પ્રયત્નો બાદ સફળતા મળે.

સાઈકોમેટ્રી પરથી શું શીખીશું?

દરેક વસ્તુની ઊર્જાની છાપ હંમેશ માટે સચવાઈ રહે છે તે ખ્યાલ આવ્યા પછી જે શીખવા મળે છે તે થોડા વર્ષો પહેલાં આપણી સંસ્કૃતિમાં જે રિવાજો હતા તેને યાદ કરાવે છે. સાથે-સાથે સાંપ્રત સમયમાં બધી જ રીતે લાગુ પડે છે.

1) બીજા કોઈની વસ્તુઓનો/વસ્ત્રોનો ઉપયોગ ટાળવો જોઈએ – મોબાઈલનો તો ખાસ. સૌથી વધુ ઊર્જાની છાપ અત્યારે તેના પર હોય છે.

2) શક્ય હોય તેટલા નાણાકીય વ્યવહાર રોકડને બદલે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવા જોઈએ.

૩) જે સપાટી પર અનેક લોગોના હાથ અડતા હોય તે સપાટી પર હાથ ઓછો જાય તેવા પ્રયત્ન રહેવા જોઈએ. સ્પર્શ કરવો જ પડે તો હાથ તાત્કાલિક ધોવા જોઈએ.

4) આળસ આવતી હોય કે બીજા કોઈ કામની ઉતાવળ હોય તો પણ બહારથી ઘરે આવી કપડાં બદલી નાખવા જોઈએ. શક્ય હોય તો સ્નાન પણ કરી લેવું જોઈએ. બહારથી ખેંચી લાવેલી ઊર્જામાંથી મુક્ત થવા જરૂરી છે.

5) સારી ઊંઘ માટે નિદ્રાના થોડા સમય પહેલાં સ્નાન કરવું ફાયદાકારક રહેશે.

6) વ્યક્તિઓ સાથે સ્પર્શ ટાળવો જોઈએ.

7) ઘરમાં અનાવશ્યક વસ્તુઓનો ખડકલો ટાળવો જોઈએ, ખાસ કરીને સેકન્ડ હેન્ડ.

8)ભોજનમાં સ્વાદ કરતાં વધુ મહત્ત્વ ઊર્જાને, શરીરમાં ક્યા પ્રકારની લાગણી જન્મે છે તેનાં પર ધ્યાન દેવું જોઈએ.

9) ઊર્જા પ્રત્યે સભાનતા કેળવવી જોઈએ.

1૦) ઘરમાં કે ઓફિસમાં અસ્તવ્યસ્ત રાખેલી વસ્તુઓ ઊર્જા કાપે છે. વસ્તુઓ શક્ય તેટલી વ્યવસ્થિત રાખવાની અને ખુદ વ્યવસ્થિત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

11) સૌથી અગત્યની વાત: હિંસા, અદેખાઈ, હતાશા, ગુસ્સો વિગેરે લાગણીઓની ઊર્જા સેંકડો વર્ષ પછી પણ સચવાયેલી રહેતી હોય તો આવી ઊર્જા ઉભી કરી શરીરને એમાં ઝબોળવું જોઈએ કે પ્રેમની, વાત્સલ્યની, કરુણાની ઊર્જામાં તરબતોળ કરવું જોઈએ તે નિર્ણય જાતે જ લેવાનો રહ્યો. જે ઊર્જા સેંકડો વર્ષ પછી બીજાને પણ તકલીફ આપી શકતી હોય તે ઊર્જા શું પોતાને પુનર્જન્મમાં પણ તકલીફ ન આપી શકે? આ મુદ્દો પણ વિચાર માંગી લે છે.

12) સાઈકોમેટ્રી રોજબરોજની જિંદગીમાં પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે. ક્યા સ્થળ (રેસ્ટોરાં સહીત) પર જવું કે ન જવું, કઈ વસ્તુ ખરીદ કરવી કે ન કરવી, કોની સાથે સંપર્કમાં રહેવું અથવા કોનો સંપર્ક ટાળવો તે આ પરથી નક્કી થઈ શકે. વપરાયેલી વસ્તુ, જૅમ કે મોટરકાર, પોતાના બજેટને અનુલક્ષીને ખરીદવી જ પડી તો કઈ ખરીદવી, વધુ મોટી ખરીદી જેવી કે મકાનની ખરીદી વિગેરે તમામ જગ્યાએ ઉપયોગી થઈ શકે.

13) વ્યાવસાયિક સાઈકિકની સેવાઓ ઓન-લાઈન ઉપલબ્ધ હોય છે. ખર્ચાળ હોઈ શકે, પરંતુ કોઈ આપત્તિ સમયે પોતાના સંજોગો મુજબ આવી સેવાનો લાભ પણ લઈ શકાય.

પ્રસિદ્ધ જીવંત સાઈકિક

આ પહેલાંના લેખોમાં અમુક સાઈકિક તથા આ પ્રકારની શક્તિ ધરાવનાર સંતનો ઉલ્લેખ થઈ ચુક્યો છે. ચર્ચા પૂર્ણ કરતાં પહેલાં એક અત્યંત પ્રસિદ્ધ (હાલમાં જીવંત) સાઈકિક નોરિન રેનિયર વિષે પણ થોડું જાણીએ. સાઈકિક ડિટેક્ટિવ તરીકે તેની મદદથી પોલીસે લગભગ 600 જેટલા ગુના ઉકેલ્યા છે. વર્ષ 2005માં એક ખોવાયેલ વ્યક્તિના કિસ્સામાં તે વ્યક્તિના ટૂથ બ્રશ અને બુટ પરથી તેણે વ્યક્તિનું મૃત્યુ અને મૃત શરીર ક્યાં પડ્યું છે તેની ચોક્કસ જગ્યા બતાવેલી જ્યાંથી જ મૃતદેહ મળ્યો. વાળની લટ પરથી વ્યક્તિના ચહેરા, ભૂત-વર્તમાન વિષે સચોટ માહિતી અને ભવિષ્ય માટે આગાહી કરવા માટે તે પ્રખ્યાત છે.

આ સાથે સાઈકોમેટ્રીની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. સાઈકોમેટ્રી માટે એક બીજો શબ્દ છે: ‘ક્લેયરટેન્જન્સી’ (Cleirtangency), તે જાણ માટે. લેખ 6, 7. 8 અને આ લેખમાં પણ દરેક જગ્યાએ ઉચ્ચાર અને યાદ રાખવામાં સરળ પડે માટે વૈકલ્પિક શબ્દ સાઈકોમેટ્રી વાપર્યો છે.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: