Daily Archives: 30/09/2020

શું તમે સાઇકિક છો? (૨) – જીતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં લેખ ક્રમાંક 1 માં શું ચર્ચા થઈ તે યાદ કરીએ. એ સમજ્યા કે ‘સાઈકિક’ એટલે શું? આ સંદર્ભમાં ફેલાયેલી થોડી ભ્રામક માન્યતાઓ વિષે વાત કરી. એ જોયું કે કોઈ ને કોઈ પ્રકારની સાઈકિક શક્તિઓ થોડા-ઘણા અંશે દરેકમાં રહેલી હોય છે. આ શક્તિઓમાંથી મુખ્ય પ્રકારોના નામ જાણ્યાં. હવે આ પ્રકારોને વિગતથી સમજીશું.

ક્લેયરવોયન્સ:

આ પ્રકાર સમજવો સહેલો પડશે કારણ કે મહાભારતના પાત્ર સંજયનો દાખલો લગભગ તમામ વ્યક્તિને ખ્યાલ હશે. સંજય કુરુક્ષેત્રના મેદાન પર હાજર ન હોવા છતાં ત્યાં બનતી ઘટનાઓનું વર્ણન ધૃતરાષ્ટ્રને કરે છે કારણ કે તે ક્લેયરવોયન્ટ છે.  5 ઈંદ્રિયોમાંથી એક છે આંખ જેના થકી દરેક મનુષ્ય અમુક અંતર સુધી જોઈ શકે. આંખ બંધ હોય તો પણ જોઈ શકે અથવા દૂરના અંતરનાં, ભવિષ્યનાં કે ભૂતકાળનાં દ્રશ્યો પણ જોઈ શકીએ તેવી શક્તિને કહેવાય ‘ક્લેયરવોયન્સ’ (Clairvoyance). અને એવી વ્યક્તિને કહેવાય ‘ક્લેયરવોયન્ટ’. આજ્ઞાચક્ર એટલે કે ત્રીજું નેત્ર જયારે એક હદ સુધી વિકાસ પામેલું હોય ત્યારે આ શક્ય બને. ઉદાહરણથી સમજીએ.

લેખ ૧ માં સ્લિવિઆ બ્રોવન નામની એક અમેરિકન મહિલા અને તેનાv 2008માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘End of Days’ વિષે ઉલ્લેખ કરેલો, જેમાં કોરોના 2020માં દુનિયાભરમાં ફેલાશે તેના વિષે સચોટ આગાહી કરેલી. એ સિવાયની પણ ઘણી આગાહીઓ તે પુસ્તકમાં છે. આ પ્રમાણે ભવિષ્ય જોઈ શકવું તે પણ કલેયરવોયન્સ કહેવાય. કોઈ ચલચિત્ર – મુવી ચાલતું હોય તે રીતે આ પ્રકારના લોકોને ભવિષ્યની ઘટનાઓ દેખાય છે. નોસ્ત્રાદેમસના નામથી કોઈ અજાણ નથી જેની મોટા ભાગની આગાહીઓ સાચી પડી છે. તેની પણ ભવિષ્ય જોઈ શકવાની શક્તિને ક્લેયરવોયન્સ કહેવાય.

 નજીકના જ ભૂતકાળની એક અતિ પ્રખ્યાત કલેયરવોયન્ટv હતી બલ્ગેરિયાની બેબા વેન્ગા (Baba Vanga). 12 વર્ષની ઉંમરે તેણે આંખો ગુમાવી દીધી અને ત્યાર બાદ એની અતીન્દ્રિય શક્તિઓ વાળી આંખ ખુલી ગઈ. 1995માં 85 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું તે પહેલાં તેણે જે આગાહીઓ કરેલી છે તે આંખ પહોળી થઈ જાય તે હદે સાચી પડેલી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો એટેક, ત્રાસવાદી જૂથ ISISનો ઉદ્ભવ, તેનું ચોક્કસ સ્થાન એટલે કે સીરિયા, અમેરિકામાં 44માં પ્રમુખ તરીકે અશ્વેત વ્યક્તિ (ઓબામા), સીરિયામાં ગેસ એટેક, 2000ના વર્ષમાં રસિયન સબમરીન ક્રુક્સનું દરિયામાં ડૂબી જવું, યુરોપની પડતી વિગેરે અનેક સચોટ આગાહીઓ તેણે વર્ષો પહેલાં કરેલી. કોરોના વિષે પણ તેણે આગાહી કરેલી જ હતી. કોરોનાની દવાની શોધ રસિયામાં થશે તે તેની બીજી આગાહી છે. અમેરિકાના પ્રમુખનું સ્વાસ્થ્ય 2020 દરમ્યાન કથળશે અને રસિયાના પ્રમુખ પર આ જ વર્ષ દરમ્યાન ખૂની હુમલો થશે તેવી પણ તેની આગાહી છે. તેની ખતરનાક આગાહી એ છે કે ત્રાસવાદીઓ 2025 સુધીમાં સંપૂર્ણ યુરોપ પર કબ્જો જમાવી દેશે, શરૂઆત રોમથી થશે. તેની આગાહીઓમાંથી 85% અત્યાર સુધીમાં સાચી પડી છે. આશા કરીએ કે અહીં જે ખોફનાક આગાહીઓ વર્ણવી છે તે બાકીની 15%માં હોય.

એવું જાણવા મળ્યું હશે કે આજકાલ બાળકોની શક્તિ વિકસાવવા માટે અમુક ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આવા બાળકો આંખ પર પટ્ટી બાંધેલી હોવા છતાં વાંચી શકે છે, દૂરથી કોઈ વસ્તુ બતાવીએ તો તે વસ્તુ શું છે તે ચોક્કસ કહી શકે છે વિગેરે. આ એક પ્રકારે કલેયરવોયન્સ થયું.

 મારી સાથે બનેલી એક ઘટના આ વાત વધુ સારી રીતે સમજાવી શકશે. વર્ષ 2011માં હું FB પર થોડો એક્ટિવ થયો. મારો 2005નો એક ફોટો મારા DP તરીકે મેં રાખેલો. એ સમયે ઈંગ્લેન્ડમાં નોર્ફોક નામનાં સ્થળે રહેતાં એક બ્રિટિશ સન્નારી સાથે મારી મૈત્રી થઈ. બંનેની રુચિ સમાન વિષયોમાં હતી. પરિણામે લગભગ નિયમિત રીતે ચેટ થવા લાગી. અચાનક તેનું ધ્યાન મારા DP પર પડ્યું. એ સાથે જ તે ચમક્યા, મને કહે ‘જીતુ, મને ફોટોમાં કોઈ બીજી વ્યક્તિ દેખાય છે, મને જે વ્યક્તિ દેખાય છે તેને તો ફ્રેન્ચ કટ દાઢી છે જયારે ફોટોમાં તો ક્લીન શેઈવ વાળી વ્યક્તિ છે.” આ સાથે જ તેણે મારા ચહેરાનું સંપૂર્ણ વર્ણન કરી દીધું, DP તરીકે જે ફોટો રાખેલો તેમાં દાઢી વધારેલી ન હતી જયારે 2011 દરમ્યાન આ ચેટ સમયે ફ્રેન્ચ કટ બિયર્ડ રાખતો હતો. તે સિવાય પણ એ 6 વર્ષના સમયગાળામાં ચહેરામાં થોડો બદલાવ થયેલો. સંતોની ક્લેયરવોયન્સ શક્તિનો અનુભવ તો મને ઘણો હતો. સામાન્ય જીવન જીવતી વ્યક્તિ સાથેનો મારો આ પહેલો અનુભવ ત્યારે હતો.

કોઈ ક્લેયરવોયન્ટની શક્તિ એ પ્રકારે વિકાસ પામેલી હોય કે આત્માઓ અથવા એલિયન્સ પણ તેમને દેખાતા હોય. મારી એક ઇન્ડોનેશિયન મિત્ર (જે થોડા સમય પહેલાં જ મૃત્યુ પામી) આ પ્રકારની શક્તિઓ ધરાવતી હતી. તે અત્યંત પ્રખ્યાત હિલર હતી. તેની પાસે યુરોપના દેશોમાંથી પણ લોકો હીલિંગ માટે આવતા. 12 વર્ષની ઉંમર સુધી તે ફ્રાન્સમાં હતી. તે 7 વર્ષની થઈ ત્યાં સુધી 2 બ્લોન્ડ (સોનેરી વાળ વાળાં) બાળકો તેને દેખાતાં જે તેની સાથે જ રહેતાં, રમતાં અને તેનાં કૂકીઝ પણ ખાઈ જતાં. બીજા કોઈને આ બાળકો દેખાતાં નહિ. મારી આ મિત્રને સૌથી પહેલાં 3 વર્ષની ઉંમરે ખ્યાલ આવ્યો કે તેને જે દેખાય છે તે બધાને દેખાતું નથી. તેનું હાલમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેનાં ઘરમાં એલિયન પ્રકારના આત્માઓ દેખાતા અને ફોટોમાં પણ આવી જતા. આ આલ્બમ જોવા ખાસ સૂચન છે. https://www.facebook.com/photo.php?fbid=10156076507940945&set=gm.1001688776683569&type=1&theater

ફોટો પરથી ક્લેયરવોયન્સ:

આ પ્રકારના સાઈકિક કોઈ ફોટો જોઈ તે વ્યક્તિ વિષે માહિતી મેળવી શકે છે. વિદેશોમાં આ પ્રકારના સાઈકિક રિડિંગ બહુ જ જોવા મળે છે. સાઈકિક રિડિંગ ત્યાં વ્યવસાય તરીકે લઈ શકાય છે, સાઈકિકની ઓફિસ પર જઈ કન્સલ્ટેશન મેળવવાનું હોય છે, વિડિઓ અથવા ફોન પર કન્સલ્ટેશન થઈ શકે છે. ભારતમાં જે રીતે જ્યોતિષી પાસે જઈ તેની સલાહ લઈ શકાય છે તે રીતે સાઈકિક રિડિંગ કોઈ કરતું હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. અલબત્ત, અનેક ભારતીય સંતો-મહાત્માઓ આ પ્રકારની શક્તિ ધરાવતા હોય છે. અન્ય કોઈ પાસે આવી શક્તિઓ હોય તે લોકો સામાન્ય રીતે બહાર આવવાનું પસંદ કરતા નથી, કદાચ ભય લાગતો હશે કે લોકો તેમની તરફ કોઈ જુદી દ્રષ્ટિથી જોશે (કારણ કે આ વિષય અંગે અનેક ભ્રમણાઓ છે જે લેખ 42માં ચર્ચા કરેલ છે).

સાંકેતિક કલેયરવોયન્સ:

કોઈ કલેયરવોયન્ટ એ પ્રકારના હોય કે જેમને ધુમાડા દ્વારા, કોઈ ખાસ ચિહ્નો દ્વારા, પ્રકાશના લિસોટા દ્વારા – એમ વિવિધ રીતે દૂરના દ્રશ્યો દેખાતા હોય છે. જયારે સામાન્ય મનુષ્યને ફક્ત ધુમાડો દેખાતો હોય ત્યારે કોઈ કલેયરવોયન્ટને તેમાંથી કોઈ ભવિષ્યની ઘટનાનો અણસાર આવી ગયો હોય તેવું બની શકે.

ઓરા જોવાની શક્તિ:

શરીરમાંથી નીકળતાં વિદ્યુત તરંગોને કારણે બનતી આભા એટલે ‘ઓરા’ જે નરી આંખે ન જોઈ શકાય પણ જેનો ફોટો કિર્લિઅન કેમેરાથી લઈ શકાય, જેના પરથી વ્યક્તિના સ્વભાવ વિષે, સ્વાસ્થ્ય વિષે, તેની વિશિષ્ટ ક્ષમતા વિગેરે વિષે ઘણો ખ્યાલ આવી જાય. લેખમાળાની શરૂઆતમાં આ વિષે વિસ્તૃત ચર્ચા કરેલી છે. કોઈ વ્યક્તિ નરી આંખે ઓરા જોઈ શકે તો તે વ્યક્તિ પણ એક પ્રકારે ક્લેયરવોયન્ટ કહેવાય.

પ્રશ્ન એ ઉઠે કે શું મારામાં થોડે-ઘણે અંશે પણ આવી શક્તિઓ હશે?

નીચેના પ્રશ્નોના જવાબ પ્રામાણિક રીતે ખુદ પાસેથી મેળવવાના રહ્યા. શક્ય છે કે આવી શક્તિઓ હોઈ શકે. આવી અન્ય ઘટનાઓ પણ હોઈ શકે.

1) એમ બને છે કે કોઈ કુટુંબી/મિત્રના લગ્ન વિષે ચોક્કસ સમયની ધારણા, જ્યોતિષનો સહારો લીધા વગર, તમે કરી હોય તે સાચી પડે?

2) તમારી નજીકની વ્યક્તિને કોઈ અકસ્માત થાય એ જ સમયે તમારા શરીરમાં કોઈ જુદા જ પ્રકારની સંવેદના ઉઠે?

3) કોઈ સંવાદો તમારી સમક્ષ થતા હોય તેવું લાગે, ખરેખર ન થયા હોય અને ત્યાર બાદ અમુક સમય પછી એ જ પ્રકારના સંવાદોના તમે સાક્ષી બનો છો?

4) કોઈ મકાન તમને ધ્યાનમાં કે સ્વપ્નમાં કે કોઈ પણ રીતે દેખાય અને અમુક સમય પછી તે જ મકાન તમારું રહેણાંક બને?

5) વારંવાર એમ બને કે કોઈ પણ સ્પર્ધા કે મેચનું પરિણામ એ પ્રમાણે જ આવે કે જે તમારા મનમાં પહેલેથી જ આવી ગયું હોય?

ક્લેયરવોયન્સ વિષયની થોડી ભ્રમણાઓ જોઈએ.

1) સાઈકિક અને કલેયરવોયન્ટ બંને સમાન છે.

ના, દરેક ક્લેયરવોયન્ટ સાઈકિક છે પરંતુ દરેક સાઈકિક કલેયરવોયન્ટ હોય તેવું જરૂરી નથી.

2) ભવિષ્ય અંગે જે દ્રષ્ટિ છે તે, એટલે કે વિઝન, હંમેશા સ્પષ્ટ હોય.

ના. તે સંકેત દ્વારા હોઈ શકે. નોસ્ત્રાદેમસની આગાહીઓ તો એવી વસ્તુઓ વિષે છે કે તે સમયમાં જે-તે વસ્તુનું અસ્તિત્વ જ ન હતું.

3) ક્લેયરવોયન્ટ સામેની વ્યક્તિના વિચારો વાંચી શકે.

ના. આવશ્યક નથી કે તેમ જ હોય. હોઈ પણ શકે, ન પણ હોઈ શકે.

4) જે દ્રશ્યો કલેયરવોયન્ટને દેખાય તે ભવિષ્યના જ હોય:

ના, ભૂતકાળના પણ હોઈ શકે. માટે જ અમેરિકા જેવા દેશોમાં સાઈકિક ડિટેક્ટિવનો ખ્યાલ ઉદ્ભવ્યો છે. જે કેઈસ પોલીસ ડિપાર્ટમેન્ટ સુલઝાવી ન શકે તેવા કેઈસ સાઈકિક ડિટેક્ટિવને આપવામાં આવે, જે ક્લેયરવોયન્ટ હોય અને પરિણામે પોતાની શક્તિઓ દ્વારા જે તે સમયની ભૂતકાળની પરિસ્થિતિનું દ્રશ્ય તેનાં માનસપટ પર લાવે, પોલીસને વર્ણવે અને તે પરથી પોલીસ તે કેઈસ સુલઝાવે.

5) ક્લેયરવોયન્ટ ધારે ત્યારે તેને બધું જ દેખાય.

ના. તેની શક્તિઓ આકસ્મિક હોઈ શકે, કોઈક વાર જ આ શક્તિનો લાભ તેને મળે તેમ બની શકે, ધ્યાન દરમ્યાન જ આ શક્તિઓ બહાર આવે તેમ પણ બની શકે અને ધારે ત્યારે તેનો ઉપયોગ કરી શકે તે પણ શક્ય છે. શક્તિ કેટલી વિકસી છે તેનાં પર આધાર છે.

અંતમાં, જો એમ લાગતું હોય કે મારામાં થોડા-ઘણા અંશે પણ આવી ક્ષમતા છે તો તે ક્ષમતાને વિકસાવવા માટે ‘ધ્યાન’ ઉત્તમોત્તમ માર્ગ છે. તે સિવાયના પણ અનેક માર્ગ છે. યોગ્ય સમયે લેખમાળામાં તેને આવરી લઈશું.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.