Daily Archives: 18/09/2020

મારી તમને એક અરજ છે – સુરેશ દલાલ

બાઉલને મન આ ગીતસંગીત અને આ પ્રીત-સંગીત તદ્દન સહજ. કશો પ્રયત્ન નહીં કરવાનો. માછલી જળમાં તરે એટલી સ્વાભાવિકતાથી જીવવાનું. કોઈ બંધન નહીં. કશાયને વળગવાનું નહીં અને કશું પણ જકડવાનું નહીં.

ગીત ગાવું એ મને સહજ છે,
ભીતરની એ મારી ગરજ છે
મારી તમને એક અરજ છે:
ગીત ગાતાં મને રોકો નહીં

રંગ સુગંધ ને ફૂલનો વૈભવ:
ફૂલની એ જ નમાજ તારતારથી ઝરતી ભક્તિ:
વીણાનો એ જ મિજાજ ગાવું,
વહાવું એ મને સહજ છે,
જીવનની એ મારી ગરજ છે
મારી તમને એક અરજ છે:
ગીત ગાતાં મને રોકો નહીં

  • મદન (બાઉલ ગીત) અનુ. સુ. દ.

બંગાળને ને બાઉલને છુટા ન પાડી શકાય. બાઉલોની એક પરંપરા છે. ક્યાંય કશે જકડાય નહીં. સહજપણે જીવવું એ એમનો ધર્મ છે. મૂળ તો માર્મિક ભક્તો છે. ઓલિયા ફકીર જેવા. એમનો પરિચય એ રીતે આપે છે કે અમે તો પંખીની જાત, અમને રસ્તે ચાલતા આવડે નહીં. ગગનગામી એમની દ્રષ્ટિ છે. માનવપ્રેમ એ જ સારસર્વસ્વ. કોઈ ભેદભાવ નહીં. જયંતીલાલ આચાર્યે ‘બંગાળના બાઉલો’ નામનું એક નાનકડું પુસ્તક કર્યું છે. એના મૂળ લેખક ક્ષિતિમોહન સેન.

મદન મુસ્લિમ હતા. કંઠે જે આવે તે ગાતાં. જેના કંઠમાં ગીત ઊભરાતાં હોય અને કંઠ ઉપર આંગળો તો કેમ મુકાય? કવિ તો કહે છે કે ભાઈ મને મન મૂકીને ગાવા દો. ગીત એ જ મારું જીવન છે. એ જ મારી નમાજ. એ જ મારી પૂજા. એ જ મારી બંદગી. હું તો સૃષ્ટિમાં સર્વત્ર નમાજનો જ મિજાજ જોઉં છું. ફૂલોની રંગબહાર નમાજનો જ પ્રકાર છે. રાતના મહેકતો સુવાસિત અંધકાર પૂજાનો પ્રકાર છે. મારી વીણાના તારેતારમાં જે સંગીત ઝરે છે એ જ મારી ભક્તિ. અમે ક્યાંય સ્થિર નથી. અમે ક્યાંય સ્થાયી નથી. અમે તો હરતાફરતા માણસ. અમે તો રખડતારામ. અમે વહેતા રહીએ. અમે ચાલતા રહીએ. કાયમનો કોઈ વિસામો નહીં.

કબીર કહે છે એમ પાણી નિર્મળ છે, કારણ કે વહેતું રહે છે. જે પાણી વહેતું નથી એ ખાબોચિયું થાય છે અને ગંધાય છે. બાઉલને મન આ ગીતસંગીત અને આ પ્રીત-સંગીત તદ્દન સહજ. કશો પ્રયત્ન નહીં કરવાનો. માછલી જળમાં તરે એટલી સ્વાભાવિકતાથી જીવવાનું. કોઈ બંધન નહીં. પોતાની જ મસ્તીમાં મસ્ત. કશાયને વળગવાનું નહીં અને કશું પણ જકડવાનું નહીં. કોઈની સાહજિકતાને રોકવી એ પાપ છે. અધર્મ છે.

આના સંદર્ભમાં એક ગીત જોવા જેવું છે.

આવી કસૂર કળીને કહેવું કે
મ્હેક દૂર વહી જાય નહીં
જીવ મારા!
આવી કસૂર કદી થાય નહીં
ચંદાની ચાંદનીને ન્યાળીને ઊછળે છે
સાગરનાં ફાળભરી પાણી
આભમાં છવાયેલી ઘેઘૂર ઘટાને જોઈ
થનગનતી મોરલાની વાણી
પંચમી વસંતની ત્યાં કહેવું કોકિલને
કે કંઠની કટોરી છલકાય નહીં
જીવ મારા!
આવી કસૂર કદી થાય નહીં

સ્હેજે ના જાય સરી છેડલો,
રે એમ કરી અંગ અંગ ચપોચપ પ્હેરિયું
પણ વ્હેતા આ વાયરામાં ઊડ્યા વિના
તે રહે કેમ કરી ભાતીગળ લ્હેરિયું
પંખીની આંખ મહીં આખુંયે આભ
ત્યાં કહેવું કે ઊંચે ઉડાય નહીં
જીવ મારા! આવી કસૂર કદી થાય નહીં

  • હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.