ઘણા લોકો ઈશ્વરને પરમ પિતા સ્વરુપે પૂજે છે જ્યારે ઘણા લોકો ઈશ્વરને માતા સ્વરુપે પૂજન કરીને તૃપ્ત થાય છે.
પ્રશ્ન થાય કે ઈશ્વર સ્ત્રી કે પુરુષ ?
આ પ્રશ્ન જ ખોટો છે. ઈશ્વર સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. માનવી દેહધારી છે અને જ્યાં સુધી કોઈક પ્રતીક કે આકૃતી નો વિચાર ન કરે ત્યાં સુધી કોઈ અમુર્ત તત્વની ધારણા બાંધી શકતો નથી. ઈશ્વર સર્વ દૃષ્ય જગતનું અધીષ્ઠાન હોવાથી તે મૂર્ત સ્વરુપે તો માત્ર તેની વિભુતી દ્વારા જ પ્રગટ થાય છે અને તે પણ માત્ર સાવ નાનકડા અંશ રુપે. તે વિરાટ અસ્તિત્વની ઝાંખી કોઈ કોઈ મર્ત્ય માનવી જુદા જુદા સમયે જુદી જુદી વિભુતીઓ દ્વારા સહેજ સાજ મેળવીને ય ધન્ય ધન્ય થઈ જાય છે. શું મીઠાની પુતળી સાગરનું માપ કાઢી શકે? શું એક મકોડો ગોળના પર્વતનું વર્ણન કરી શકે કે શું એકાદ કીડી સાકરબજારની બધી સાકરના માપનો અંદાજ મેળવી શકે?
માનવી તેના નાના ગજથી વીરાટ ઈશ્વરને માપવાના પ્રયાસ કરે છે ત્યારે તેના ટુંકા ગજને કારણે ઈશ્વરને ય ભાઈ કે બહેન, સ્ત્રી કે પુરુષ કે કોઈ મુર્તીમંત સ્વરુપ દ્વારા પામવાનો પ્રયાસ કરે છે.
જ્યારે ભગવદગીતાના ૧૦મા અધ્યાયમાં થોડીક વિભુતીઓનું વર્ણન કર્યા પછી ભગવાન કહે છે કે :
મારા દૈવી રુપનો અંત ના જ આવે,
આ તો થોડું છે કહ્યું કોણ બધું ગાવે?
જે જે સુંદર, સત્ય ને પવિત્ર પ્રેમલ છે,
મારા અંશ થકી થયું જાણી લેજે તે.
બધું જાણીને તું વળી કરીશ અર્જુન શું?
મારા એક જ અંશમાં વિશ્વ બધુંય રહ્યું.
ઈશ્વર,( ખુદા, ગોડ કે અન્ય જે નામ આપો) અંગે લોકોની અલગ અલગ ધારણાઓ છે અને આ ધારણાઓ જે તેમની અને ઈશ્વરની વચ્ચે દિવાલ છે. જ્યાં સુધી અનુભુતિ અને પ્રતિતિ નથી ત્યાં સુધી અવ્યાખ્યિતને માણસ વ્યાખ્યાયિત કરી ભ્રમણામાં રહેવાનો.