आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥
भावार्थ : हे अर्जुन! जो योगी अपनी भाँति सम्पूर्ण भूतों में सम देखता है और सुख अथवा दुःख को भी सबमें सम देखता है, वह योगी परम श्रेष्ठ माना गया है ॥32॥
હે અર્જુન ! જે (ભક્ત) પોતાના શરીરની ઉપમાથી બધી જગ્યાએ (મને) સમાન જુએ છે અને સુખ અથવા દુ:ખનેય બધામાં સમ જુએ છે, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે. || (ભ.ગી. અધ્યાય ૬, શ્લોક ૩૨) ||
મનુષ્ય જેવી રીતે સંપુર્ણ શરીરના અવયવોને પોતાના માને છે જેમ કે મારા હાથ, મારા પગ, મારુ માથું વગેરે… જેવી રીતે સઘળી કર્મેન્દ્રિયો સાથે પોતાપણું અનુભવે છે જેમ કે મેં આ કર્યુ, હું ત્યાં ગયો, હું આમ બોલ્યો વગેરે… જેવી રીતે સઘળી જ્ઞાનેન્દ્રીયો સાથે પોતાની એકતા અનુભવે છે જેમ કે મેં સુંઘ્યું, આ વાનગીનો સ્વાદ મને ગમ્યો, આવું સંગીત મને ગમે, ઘોંઘાટ મને પસંદ નથી વગેરે… જેવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સાથે એકતા અનુભવે છે જેમ કે આજે મને મુડ નથી, આ વિષય મને સમજાતો નથી, મને કશું યાદ આવતું નથી, મને ઓળખો છો? હું કોણ છું? વગેરે… વળી પ્રાણ સાથે પણ પોતાની એકતા અનુભવે છે જેમ કે તે ફિલ્મ જોઈને તો મારા ધબકારા વધી ગયેલા, બીપી હાઈ થઈ ગયેલું, આટલું બધું વજન મારાથી ન ઉંચકાય, શાંતિ રાખો હજુ મારા શ્વાસ ચાલે છે વગેરે…
આવી રીતે આત્મભાવમાં જીવતી વ્યક્તિ સમગ્ર બ્રહ્માંડના પ્રાણીપદાર્થો પ્રત્યે શરીરની માફક એકતા અનુભવે છે. જેમ વ્યક્તીગત શરીરમાં થતા સુખ દુ:ખને પોતાના ગણીને તેને સારી રીતે સહન કરે છે અને દુ:ખ દુર કરવાની તથા સુખપ્રાપ્તિ માટેની ઝંખના રાખે છે તે રીતે આત્મભાવમાં જીવતી વ્યક્તિ સમષ્ટિ ના સુખની કામના અને સમષ્ટીના દુ:ખની નીવારણા માટે ખેવના રાખે છે.
મહાપુરુષોને જ્ઞાન થાય તો તે માત્ર પોતાના પુરતુ સીમીત ન રાખતા સમષ્ટી જીવોના કલ્યાણ માટે પ્રયાસ કરતા જોવા મળ્યાના દાખલા છે.
ટુંકમા જેમ સામાન્ય મનુષ્ય માત્ર પોતાના શરીર પ્રત્યે આત્મભાવ રાખે છે તેમ યોગી સમષ્ટી સાથે આત્મભાવ રાખે છે.