મે-૨૦૧૪ થી ઓગષ્ટ-૨૦૧૪ દરમ્યાન મારે ધ્યાન વીશે સમજવું છે. ધ્યાનમાં બેસવાનો પ્રયાસ કરવો છે. ધ્યાન દ્વારા સ્વ સાથે વધારે રહેવાનો પ્રયાસ કરવો છે.
ગૃહસ્થને માટે ધ્યાન કરવું કેટલું જરુરી છે તે તો ધ્યાનમાં બેસીએ ત્યારે જ સમજાય પણ સાથે સાથે ગૃહસ્થને માટે ધ્યાનમાં બેસવું કેટલું અઘરું છે તે તો જ્યારે ગૃહસ્થના કર્તવ્યોનો બોજ માથા પર ઉઠાવીને ફરતા હોઈએ ત્યારે જ સમજાય.
એક ગૃહસ્થને ઘર સંભાળવાનું, પત્નિ અને બાળકોના વિકાસ અને ભરણ પોષણ માટે પુરુષાર્થ કરવાનો. વડીલોની કાળજી લેવાની અને આ સઘળું હસતા મુખે કરવાનું તે ધ્યાન કરવા કરતાયે વધારે અઘરું લાગે છે.
એક બાજુ વધતી જતી મોંઘવારી, શિક્ષણનો વધતો જતો ખર્ચ, કુટુંબની વધતી જતી જરુરીયાતો. વીજળી, ટેલીફોન, ઘરવેરા અને કરવેરા જેવા ફરજીયાત ભરવા પડતા બીલો તેની સામે આવક એટલા પ્રમાણમાં નોકરીયાતની કે નાના વ્યવસાયીકની ભાગ્યે જ વધે.
ઉંમરના વધવા સાથે શરીર ક્ષીણ થાય, મન આળું થાય, કાર્યક્ષમતા ઘટે અને તેમ છતાં જ્યાં સુધી બાળકો પગભર ન થાય ત્યાં સુધી ગૃહસ્થની જવાબદારી ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધતી જાય.
આ ઉપરાંત સામાજીક મેળવાડાઓ અને પ્રસંગોમાં મરજીયાત કે ફરજીયાતપણે આપવી પડતી હાજરી, વાર તહેવારે અને પ્રસંગોપાત આવી પડતા અણધાર્યા ખર્ચાઓ તથા આવતા મહેમાનોની હસતા મુખે કરવી જોઈતી પરોણાગત ગૃહસ્થને થોડી તાજગીની સાથે આર્થીક બોજ પણ આપી જતા હોય છે.
આવા સામાજીક અને આર્થીક બોજથી બોજાયેલો ગૃહસ્થ ધ્યાન કરે તો શેનું કરે? ધ્યાનમાં બેસે તો તેને શેના વિચારો આવે?
સહુ પ્રથમ તો તેને ધ્યાનમાં ઈશ્વરને બદલે તેની જવાબદારીના જ વિચારો આવે. મન કોઈ ધ્યેય તરફ એકાગ્ર થવાને બદલે છોકરાની ફી, ઘરવેરો ભરવાની છેલ્લી તારીખ, ગ્રાહકના પુરા કરવાના ઓર્ડરો, બે દિવસ પછી આવનારા મહેમાનો, વરસના અથાણાં, મસાલા અને અનાજ કેમ ભરશું વગેરે વગેરે વિચારો જ આવે.
શ્રી રામકૃષ્ણ પરમહંસ: કહે છે કે સંન્યાસીને માટે ઈશ્વરચિંતન સરળ છે કારણ કે તેને તો માત્ર બે ટંક ભીક્ષાની જ ચિંતા છે જ્યારે ગૃહસ્થનું ઈશ્વર ચિંતન તો માથા પર બે મણનું પોટલું લઈને કાર્ય કરવા જેવું કઠીન છે.
પ્રશ્ન થાય કે તો શું સંસારીએ ઈશ્વરચિંતન કે ધ્યાન ન કરવું? મોટાભાગના સંસારીઓ નથી જ કરતા.
ધ્યાન કે ઈશ્વરચિંતનથી ફાયદો શું?
ધ્યાન તે સ્વની સાથે સંવાદ સાધવાની કળા છે જ્યારે ઈશ્વરચિંતન તે જગદીશ્વર સાથે સંવાદ સાધવાની કળા છે. આપણે આખો દિવસ અન્ય જીવો સાથે તો માથાપચ્ચી કરતા જ હોઈએ છીએ તો થોડો વખત સ્વ સાથે અને થોડો વખત જગતનિયંતા સાથે ગાળવો તે શું આનંદપ્રદ ન બને?
ગૃહસ્થ કર્તવ્યોનો બોજ ઉપાડે છે શા માટે?
આનંદ માટે.
જો આટઆટલો બોજો ઉપાડીને છેવટે તે આનંદ જ ઝંખતો હોય તો થોડો વખત બોજો માથેથી ઉતારીને હળવો થઈને બેસે તો શું તેને ખરેખરો આનંદ ન મળે?
શ્રી અતુલભાઈ,
નમસ્તે.
મારે ગીતા ધ્વની પુસ્તક અને એની ઓડીયો ઈન્ટરનેટ પર જોઈએ છે આપને કોઈ માહિતી
મળે તો મને આપવા કૃપા કરશોજી.
ટેબલેટમાં તમારા ઈમેલ ગુજરાતીમાં હજી વાંચી શકાતા નથી. લેપટોપ પર ચાલે છે.
આવજો.
કાંતિલાલ પરમાર
હીચીન.
શ્રી કાંતીલાલભાઈ,
ગીતા ધ્વની સાંભળવા માટે કદાચ અહીંથી મળે
http://jmusicindia.com/gita.html
ગીતા ધ્વની વાંચવા માટે નીચેની લિંક ઉપયોગી થશે :
http://www.gujjujyotish.com/gita
તમારી વાત તો સાચી…. આ જગદીશ્વરના (:-) ) રીટાયર્ડમેન્ટ પછીના પણ વ્યર્થ પ્રયત્નો છે…. બે વખતના ‘વિપશ્યના’ ના પણ અનુભવ લીધા છે (જો કે ત્યાં તો ‘સ્વર્ગ’ અનુભવેલું) …….. પ્રશ્ન ઘરમાં રહીને ધ્યાન કરવાનો છે….. મહેનત માગી લેતું કામ છે. મારી શુભેચ્છાઓ….
જાણે અજાણે ‘યમ, નિયમ……’ ના આઠ પગથીયા યાદ આવી જાય છે. એ તો કારણભુત નહીં હોય ?
આપે અષ્ટાંગયોગ યાદ કરાવ્યો.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. જો કે ઘણાં મહાપુરુષો તેમને પગથીયા કહેવાને બદલે ફુલની પાંખડીઓ સમાન કહે છે. જેમ નારદજીએ કંસને ફુલ બતાવીને કહેલું કે આમાં આઠમી પાંખડી કઈ? તેવી રીતે અષ્ટાંગ યોગના આઠમાંથી દરેક અંગ એકબીજાના પૂરક છે અને તેમને ક્રમે ક્રમે સાધવાને બદલે તેમનું યોગ્ય સંતુલન પ્રાપ્ત કરીને સાધવા જોઈએ.
કોઈ એમ વિચારે કે યમ સિદ્ધ થય પછી નીયમ અને નીયમ સિદ્ધ થાય પછી આસન સાધીશ તો મોટાભાગે તો આજીવન કોઈના યમ જ સિદ્ધ ન થાય. યમમાંએ પહેલા સત્ય આચરે અને પછી અહિંસા તેવું વિચારે તો સત્યમાં જ પ્રતિષ્ઠીત થતા જન્મારો નીકળી જાય.
આ તો પ્રયોગો છે. જે પરીણામ આવે તે ભોગવવાની તૈયારી સાથે જ આદર્યાં છે. 🙂
શુભેચ્છાઓ માટે આભાર . . .