શાસ્ત્રો જ્યારે રચાયા ત્યારે આપણે હાજર નહોતા. અત્યારે જે કાઈ સાહિત્ય રચાય છે તેમાંથી થોડું પછીના જમાનામાં શાસ્ત્ર બની જાય તેવું બને. જુદા જુદા સમયે જે તે પરિસ્થિતિ અને સત્તાધીશોની સત્તાને આધારે કાયદાઓ, હુકમો, ફતવાઓ, આજ્ઞાઓ, નીયમો કે કર્તવ્યોનો ઉપદેશ કરવામાં આવ્યો હોય. સમય બદલાય, દેશ-કાળ અને સત્તાધીશો બદલાય એટલે આ બધું જ બદલાય.
જુના જમાનાના શસ્ત્રો અત્યારે ન ચાલે તેમ જુના જમાનાના શાસ્ત્રોએ અત્યારે ન ચાલે. સનાતન ધર્મીઓએ શાસ્ત્રના બે વિભાગ પાડ્યાં.
૧. શ્રુતિ અને ૨. સ્મૃતિ
શ્રુતિ એટલે એવા સિદ્ધાંતો કે જેનો જુદા જુદા સમયે જુદા જુદા મહાપુરુષોએ અનુભવ કર્યો. આ અનુભવ સહુ કોઈને થઈ શકે તે પ્રયોગો કરીને સાબીત કરી બતાવ્યું અને તે પ્રયોગોના આધારે પદ્ધતિઓ આપી જેને સૂત્રાત્મક રીતે કે શ્લોક દ્વારા સાચવી રાખીને પરંપરાથી સંતાનો અને શીષ્યોને કંઠસ્થ કરાવીને જાળવણી કરવામાં આવી, જેને શ્રુતિ કહેવાય છે.
જ્યારે આ જ નીયમો દ્વારા જે તે દેશકાળની પરિસ્થિતિને આધારે કાયદાઓ અને નીયમો બનાવવામાં આવ્યાં તે સ્મૃતિઓ કહેવાણી. મનુસ્મૃતિ અને ભગવદગીતા બંને સ્મૃતિ છે. જ્યારે ઉપનિષદો શ્રુતિ છે.
દેશ કાળ પ્રમાણે જ્યારે સ્મૃતિઓની કોઈક બાબત કેટલાક લોકોના મનમાં ખટકે ત્યારે તેઓ સ્વીકારી નથી શકતા કે જે તે સમયે તે બાબતો લાગુ પાડવામાં આવી હશે. જે દેશ, કાળ અને પરિસ્થિતિ બદલાતા અત્યારે અનુરુપ નથી લાગતી. તેવે વખતે તેઓ કહી દેતા હોય છે કે આ તો બધું પાછળથી ઘુસાડવામાં આવ્યું છે.
કોઈ પણ બાબત માનવી કે ન માનવી તે બાબતે દરેક સ્વતંત્ર છે પણ જે કોઈ બાબત પોતાની માન્યતાને અનુરુપ ન હોય તેને પાછળથી ઘુસાડવામાં આવ્યું હશે તેમ શા માટે કહેવું જોઈએ?