શ્રમીક ભગવાન સન્મુખ ઉતાવળે ઉતાવળે આવીને કહે છે કે હે ભગવાન હું ખુબ કામમાં છું મારે ખુબ મજુરી કરવાની હોય છે. દિવસ રાત તનતોડ મહેનત કરુ ત્યારે જ માંડ હું પેટિયું રળી શકું તેમ છું. હે પ્રભુ મને જલદી જલદી બતાવો કે મારે તમારું ભજન ક્યારે કરવુ? મને તો સમય જ નથી મળતો.
ભગવાન હસીને કહે કે વત્સ હું ધન્ય થઈ ગયો કે આજે તને ઉતાવળે ઉતાવળેય મારી સાથે વાત કરવાનો સમય મળ્યો. સાંભળ આ જગતમાં મે કોઈનેય એટલું કામ નથી આપ્યું કે તે મારા માટે એટલે કે પોતાને માટે સમય ન કાઢી શકે. સૂઈને ઉઠો ત્યારે એક વખત મને સંભારી લ્યો અથવા તો જમતા જમતા મને સ્મરી લ્યો. સુવા જતા પહેલા મારુ સ્મરણ કરો.
મારો વહાલો કબીર તો તેનું કપડા વણવાનું કામ કરતાં કરતાં મારુ સ્મરણ કરી લેતો હતો. મારો આત્મીય રૈદાસ જોડા સીવતા સીવતાયે મને કદી ભૂલતો ન હતો. જ્યારે તારી પાસે દિવસમાં એકાદ વખત પણ મને સ્મરવા જેટલો સમય નથી?
શ્રમીક કહે અરે બાપજી તમે જાણતા નથી કે મારે મારા પાંચ છોકરાને પાળી પોષીને મોટા કરવાના છે. એ બધાનું પુરુ કરવા તો હુ ને મારી બૈરી દિવસ રાત મજુરી કરીએ છીએ, દારુએ અઠવાડીયામાં બે જ વાર પીવાનું રાખ્યું છે અને ચોરી ચપાટી તો રામ રામ, બહુ ભીડ પડે ત્યારે વરહમાં એકાદ વાર કરી લઉ છું. હવે આટલી બધી ઉપાધીમાં હું ક્યાં તમને યાદ કરવા બેસું?
ભગવાન મરક મરક હસતા કહે અરે મારા વ્હાલા જો પુરુ પડે એમ નહોતું તો પગભર થયા વગર પરણ્યો શું કામ? પરણ્યો તો પછી મહેનત કરીને સક્ષમ થતા પહેલા છોકરા શું કામ જણવા લાગ્યો? એકાદ છોકરાથી ન ચાલ્યું તો પાંચ પાંચ છોકરા શું કામ જણવા પડ્યા? વળી દારુ પીવા માટે સમય અને પૈસો બગાડે છે એટલી ઘડી મારું સ્મરણ કર તો તને શું વાંધો આવે છે?
શ્રમીક કહે બાપજી દારુ એ તો અમારું મનોરંજન અને છોકરાં જણવા એ જ તો અમારો આનંદ. તમને ભજીને અમે શું કાંદો કાઢી લેવાના?
ભગવાન કહે જો ભાઈ તું થોડું ઘણુંએ મારું સ્મરણ કર તો તારી બુદ્ધિ શુદ્ધ થાય અને પછી તને સમજાય કે શું સાચું ને શું ખોટું. આમા તો તું તારી ઈચ્છા પ્રમાણે મનફાવે તેમ જીવે છે અને દુ:ખ પડે તો વાંક મારો કાઢવા બેસે છે. મેં તો આ જગતની રચના બધાની સગવડતાને ધ્યાનમાં રાખીને કરી છે. આ સૃષ્ટિમાં મેં ક્યાંયે દુ:ખ કે સુખનું સર્જન કર્યું નથી. દુ:ખ અને સુખ તો જીવે ઉભા કરેલા છે.
મેં મારા વિષે, તારા વિષે (એટલે કે જીવ વિષે) અને આ સૃષ્ટિ વિષે બધું ભગવદગીતામાં સાર રુપે કહી દીધું છે. તેમ છતાં તારી સરળતા માટે તને સરળ ગીતાના સાર રુપ આ છ શ્લોક સંભળાવી દઉ છું.
દેહત્યાગ પહેલાં જ જે કામ ક્રોધનો વેગ,
સહન કરે તે શ્રેષ્ઠ છે, સુખી થાય છે તે જ.
આત્મ જુએ સૌમાં અને અનુભવ કરે સમાન,
જાણે પરની પીડ તે યોગી માન મહાન.
મનથી ભજ મુજને અને તનથી કર સેવા,
કર્મ મને અર્પણ કરી માણી લે મેવા.
જગમાં જોઈને મને વંદન કર હરરોજ,
મને પામશે એમ તું કરતાં મારી ખોજ.
મન વાણીથી ભક્ત થા મારો કેવળ તું,
શાંતિ તેમ સુખ પામશે, સત્ય કહું છું હું.
ચિંતા સઘળી છોડ ને મારું શરણું લે,
પાપ બધાં ટાળીશ હું, શોક તું તજી દે.
આ સાર રુપ શ્લોકનું તું તારુ જે કાર્ય હોય તે કાર્ય કરતાં કરતાં મનન કરજે, ચોક્કસ તારું કલ્યાણ થશે.
ૐ તત સત