લીલી અને પીળી બંને સજાતીય દંપતિ છે. લીલી ઉંચી હોવાથી પતિનું પાત્ર ભજવે છે પીળી થોડી નીચી હોવાથી પત્નિનું પાત્ર ભજવે છે. લીલી બોયકટ વાળ રાખે છે. જીન્સ ટીશર્ટ પહેરે છે. પીળી સાડી પહેરે છે. લાંબા વાળ રાખે છે.
લાલ અને બાલ બંને સજાતીય દંપતિ છે. લાલ ઉંમરમાં મોટો હોવાથી અને તેનો અવાજ થોડો ઘોઘરો હોવાથી પતિનું પાત્ર ભજવે છે. તે દાઢી મુંછ રાખે છે. બાલનો અવાજ થોડો સ્તૈણ છે. ઉંમરમાં તે થોડો નાનો છે. તે ક્લીન શેવ રાખે છે. પંજાબી ડ્રેસ પહેરીને ફરે છે. બાલ પત્નિનું પાત્ર ભજવે છે.
બંને દંપતીના કુટુંબીજનો આ સંબંધથી ખુશ ન હોવાથી તેમને પોતપોતાના ઘરમાંથી કાઢી મુક્યાં છે. પણ બંને દંપતીઓ સ્વતંત્ર રીતે તેમના જીવનમાં ખુશ ખુશ છે.
એક વખત લાલ-બાલ અને લીલી-પીળી દંપતીને એક્બીજાનો પરીચય થાય છે. ધીરે ધીરે આ પરીચય વધતો જાય છે. ધીરે ધીરે લાલને બાલને બદલે લીલી પ્રત્યે અને લીલીને પીળીને બદલે લાલ પ્રત્યે આકર્ષણ થવા લાગે છે. તેવી જ રીતે પીળીને બાલ ગમવા લાગે છે અને બાલ પીળી પ્રત્યે આસક્ત થતો જાય છે.
બંને દંપતિઓ સહમતિથી તેમની જોડી બદલે છે.
બંનેના કુટુંબીજનો આ નવા સંબંધને અપનાવીને તેમને પાછા તેમના ઘરે રહેવા બોલાવી લે છે. બધા બહુ રાજી રાજી છે.
બે વર્ષ પછી લાલ-લીલી અને બાલ-પીળી દંપતી એક બગીચામાં એકબીજાને એક પુત્રી અને એક પુત્ર સાથે મળે છે. બધા સાથે મળીને ઉજાણી કરે છે.
ખાધુ પીધું ને રાજ કર્યું.