Daily Archives: 30/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા પૂર્ણ

મિત્રો,

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા પૂર્ણ થઈ. આ યાત્રા આપને કેવી લાગી? આ યાત્રા આપના જીવન જીવવા પ્રત્યેના દૃષ્ટિકોણમાં કશો બદલાવ લાવી? જો કશો બદલાવ આવ્યો હોય તો કેવા પ્રકારનો તે પ્રતિભાવના ખાનામાં લખી શકો છો અથવા તો મનોમન પણ તે વિશે ચિંતન કરી શકો છો.

ગાંધીજી વિશે વિશેષ વાતો ગાંધી ગૌરવમાંથી પદ્ય સ્વરુપે આસ્વાદવા મળી શકે તેમ છે તો ગાંધી જીવનના રસજ્ઞો તે અહીં ક્લિક કરવાથી માણી શકશે.

હવે ફરી પાછો હું યથેચ્છ બ્લોગ-ભ્રમણ કરીશ અને ટીકા ટિપ્પણીઓનો પ્રવાહ પણ વહેવડાવીશ. જો કે બોલવા કરતાં ન બોલવામાં વધારે આનંદ આવે છે તે જાણવા છતાં યે

જાનામી ધર્મં ન ચ મે …

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 1 Comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
પૂર્ણાહુતિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પણ હવે આ પ્રકરણો બંધ કરવાનો સમય આવી પહોંચ્યો છે.

હવેનું મારું જીવન એટલું બધું જાહેર થયું કે કશું પ્રજા નથી જાણતી એવું ભાગ્યે જ હોય.

વાંચનારની રજા લેતાં મને આઘાત પહોંચે છે. મારા પ્રયોગોની મારી પાસે બહુ કિંમત છે. તેમને હું યથાર્થ વર્ણવી શક્યો છું કે નહીં એ હું નથી જાણતો. યથાર્થ વર્ણવવામાં મેં કચાશ નથી રાખી. સત્યને મેં જેવું જોયું છે, જે માર્ગે જોયું છે તે બતાવવાનો મેં સતત પ્રયત્ન કર્યો છે, ને વાંચનારને તે વર્ણનો આપતાં ચિત્તશાંતિ ભોગવી છે. કેમ કે વાંચનારને સત્ય અને અહિંસાને વિષે વધારે આસ્થા બેસે એવી મેં આશા રાખી છે.

સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક માર્ગ છે, એમ આ પ્રકરણોને પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હો, પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે. તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવા સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ જ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે, એટલું તો હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું.

આવા વ્યાપક સત્યનારાયણનાં પ્રત્યક્ષ દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્‌ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો. તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઈ છે. ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેતાં મને સંકોચ નથી થતો, એમ કહેવામાં હું અવિનય નથી કરતો.

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે, એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમ કે વ્યક્તિ અને સમષ્ટિની વચ્ચે એવો નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ અનેકની શુદ્ધિ બરાબર થઈ પડે છે. અને વ્યક્તિગત પ્રયત્ન કરવાની શક્તિ સત્યનારાયણે સહુને જન્મથી જ આપી છે.

પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે એમ હું તો પ્રતિક્ષણ અનુભવું છું. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી અને કાયાથી નિર્વિકાર થવું, રાગદ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણી વેળા ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાંયે મને કઠિન લાગે છે. હિંદુસ્તાનમાં આવ્યા પછી પણ હું મારામાં સંતાઈ રહેલા વિકારોને જોઈ શક્યો છું, શરમાયો છું, પણ હાર્યો નથી. સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટ્યો છે, આજે લૂંટી રહ્યો છું. પણ હું જાણું છું કે મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે. તેને સારુ મારે શૂન્યવત્‌ બનવાનું છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. અને એ નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવસિદ્ધ વાત છે. એ નમ્રતાની પ્રાર્થના કરતો, તેમાં જગતની મદદ યાચતો અત્યારે તો આ પ્રકરણોને બંધ કરું છું.

(પૂર્ણ)


Farewell


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.