Daily Archives: 27/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૪૧. એક સંવાદ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


જે વેળાએ સ્વદેશીને નામે ઓળખાતી આ પ્રવૃત્તિ ચાલવા માંડી, ત્યારે મિલમાલિકો તરફથી મને ઠીક ઠીક ટીકા મળવા લાગી. ભાઈ ઉમર સોબાની પોતે બાહોશ મિલમાલિક હોવાથી તે પોતાના જ્ઞાનનો ઉપયોગ મને આપતા જ હતા, પણ બીજાઓના અભિપ્રાયની ખબર પણ મને આપતા રહેતા હતા. તેમનામાંના એકની દલીલની અસર તેમની ઉપર પણ પડી, અને મને તેમની પાસે લઈ જવાની તેમને સૂચના કરી. મેં તે વધાવી લીધી. અમે તેમની પાસે ગયા. તેમણે આરંભ કર્યો

‘તમારી સ્વદેશી ચળવળ પહેલી જ નથી એ તો તમે જાણો છો ના?’

મેં જવાબ આપ્યો ‘હા, જી.’

‘તમે જાણો છો કે, બંગાળના ભાગલા વખતે સ્વદેશી ચળવળે ખૂબ જોર પકડ્યું હતું તેનો અમે મિલોએ ખૂબ લાભ ઉઠાવ્યો, ને કાપડનાં દામ વધાર્યા ? કેટલુંક ન કરવાનું પણ કર્યું ?’

‘મેં એ વાત સાંભળી છે, ને સાંભળીને દિલગીર થયો છું.’

‘તમારી દિલગીરી હું સમજુ છું. પણ તેને સારુ કારણ નથી. અમે કંઈ પરોપકાર કરવાને સારુ અમારો વેપાર નથી કરતા. અમારે તો રળવું છે.

‘એ બિચારાં મારા જેવા વિશ્વાસુ એટલે તેમણે માની લીધું કે, મિલમાલિકો છેક સ્વાર્થી નહીં બને, દગો તો નહીં જ દે, સ્વદેશીને નામે પરદેશી કાપડ તો નહીં જ વેચે.’

‘આમ તમે માનો છો એમ હું જાણતો હતો, તેથી જ મેં તમને ચેતવવા ધાર્યું ને અહીં આવવાની તસ્દી આપી, કે જેથી તમે પણ ભોળા બંગાળીની જેમ ભૂલમાં ન રહો.’ તેથી મારી સલાહ તો તમને એ છે કે, તમે જે રીતે ચલાવો છો તે રીતે તમારી સ્વદેશી ચળવળ ન ચલાવો, ને નવી મિલો કાઢવા તરફ ધ્યાન આપો. આપણે ત્યાં સ્વદેશી માલ ખપાવવાની ચળવળની જરૂર નથી, પણ ઉત્પન્ન કરવાની છે.’

‘ત્યારે હું એ જ કામ કરતો હોઉં તો તો તમે આશીર્વાદ આપો ના ?’ હું બોલ્યો.

‘એ કેવી રીતે ? તમે જો મિલ ખોલવાનો પ્રયત્ન કરતા હો તો તમને ધન્યવાદ ઘટે છે.’

‘એ તો હું નથી કરતો. પણ હું તો રેંટિયાપ્રવૃત્તિમાં રોકયો છું.’

‘એ શું ?’

મેં રેંટિયાની વાત કહી સંભળાવી ને ઉમેર્યું

‘તમારા વિચારને હું મળતો આવું છું. મારે મિલોની એજન્સી ન કરવી જોઈએ. તેથી ફાયદાને બદલે નુકસાન જ છે. મિલોનો માલ કાંઈ પડ્યો નથી રહેતો. મારે તો ઉત્પન્ન કરવામાં ને જે કાપડ ઉત્પન્ન થાય તે ખપાવવામાં રોકાવું જોઈએ. અત્યારે તો હું ઉત્પન્નમાં જ રોકાયો છું. આ પ્રકારના સ્વદેશીમાં હું માનું છું કેમ કે તે વાટે હિંદુસ્તાનનાં ભૂખે મરતાં, અરધા ધંધા વિનાનાં બૈરાંને કામ આપી શકાય. તેઓ કાંતે તે સૂતર વણાવવું ને તે ખાદી લોકોને પહેરાવવી એ મારી વૃત્તિ છે ને એ ચળવળ છે.

‘જો એ રીતે તમે ચળવળ ચલાવતા હો તો મારે કંઈ કહેવાનું નથી. આ યુગમાં રેંટિયો ચાલે કે નહીં એ જુદી વાત છે. હું તો તમને સફળતા જ ઇચ્છુ છું.’


An Instructive Dialogue


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.