Daily Archives: 26/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૪૦. મળ્યો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ગુજરાતમાં સારી પેઠે ભટક્યા પછી ગાયકવાડના વિજાપુરમાં ગંગાબહેનને રેંટિયો મળ્યો. ઘણાં કુટુંબોની પાસે રેંટિયો હતો તે તેમણે મેડે ચડાવી મેલ્યો હતો. પણ જો તેમનું સૂતર કોઈ લે તો તેમને પૂણી પૂરી પાડવામાં આવે તો તેઓ કાંતવા તૈયાર હતાં.

ભાઈ ઉમર સોબાનીની ઉદારતા બહોળી હતી, છતાં તેને હદ હતી. પૂણીઓ વેચાતી લેવાનો નિશ્ચય કરતાં મને સંકોચ થયો. વળી મિલની પૂણીઓ લઈ કંતાવવામાં મને બહુ દોષ લાગ્યો. જો મિલની પૂણીઓ લઈએ તો સૂતરનો શો દોષ ? પૂર્વજોની પાસે મિલની પૂણીઓ ક્યાં હતી ? એ કઈ રીતે પૂણીઓ તૈયાર કરતા હશે ? પૂણીઓ બનાવનારને શોધવાનું મેં ગંગાબહેનને સૂચવ્યું. તેમણે તે કામ માથે લીધું. પીંજારાને શોધી કાઢ્યો.

બીજી તરફથી આશ્રમમાં હવે રેંટિયો દાખલ થતાં વાર ન લાગી. મગનલાલ ગાંધીની શોધક શક્તિએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યાં.

મુંબઈમાં હું પથારીવશ હતો. પણ સૌને પૂછ્યા કરતો. ત્યાં કાંતનારી બહેનો હાથ લાગી. શ્રી શંકરલાલ બૅંકરનાં માતુશ્રી અને શ્રી વસુમતીબહેનને કાંતવાનું શીખવ્યું, ને મારી ઓરડીમાં રેંટિયો ગુંજ્યો. એ યંત્રે મને માંદાને સાજો કરવામાં ફાળો ભર્યો એમ કહું તો અતિશયોક્તિ નથી. આ માનસિક સ્થિતિ છે એ ખરું. પણ મનનો હિસ્સો મનુષ્યને સાજોમાંદો કરવામાં ક્યાં ઓછો છે ?

ભાઈ શિવજીએ મુંબઈમાં રેંટિયાવર્ગ કાઢ્યો. આ પ્રયોગોમાં દ્રવ્યનું ખર્ચ ઠીક થયું. શ્રદ્ધાળુ દેશભક્તોએ પૈસો આપ્યો ને મેં ખરચ્યો. એ ખરચ વ્યર્થ નથી ગયું એવો મારો નમ્ર અભિપ્રાય છે. તેમાંથી ઘણું શીખવાનું મળ્યું. મર્યાદાનું માપ મળ્યું.

હવે હું કેવળ ખાદીમય થવા અધીરો થયો. મારું ધોતિયું દેશી મિલના કાપડનું હતું. જે ખાદી વિજાપુરમાં ને આશ્રમમાં થતી હતી તે બહુ જાડી અને ૩૦ ઇંચ પનાની થતી હતી. મેં ગંગાબહેનને ચેતવણી આપી કે, જો ૪૫ ઇંચ પનાનું ખાદીનું ધોતિયું એક માસની અંદર પૂરું ન પાડે, તો મારે જાડી ખાદીનું અડધિયું પહેરી નિભાવ કરવો પડશે. આ બહેન અકળાયાં, મુદ્દત ઓછી લાગી, પણ હાર્યા નહીં. તેમણે મહિનાની અંદર મને પચાસ ઇંચનો ધોતીજોટો પૂરો પાડ્યો ને મારું દારિદ્ર ફિટાડ્યું.

એ જ અરસામાં ભાઈ લક્ષ્મીદાસ લાઠીથી અંત્યજ ભાઈ રામજી અને તેમનાં પત્ની ગંગાબહેનને આશ્રમમાં લાવ્યા, ને તેમની મારફતે મોટા પનાની ખાદી વણાવી. ખાદીપ્રચારમાં આ દંપતીનો હિસ્સો જેવોતેવો ન કહેવાય. તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર હાથસૂતર વણવાનો કસબ બીજાઓને શીખવ્યો છે. આ નિરક્ષર પણ સંસ્કારી બહેન જ્યારે સાળ ચલાવે છે ત્યારે તેમાં એટલાં લીન થાય છે કે, આમતેમ જોવાની કે કોઈની સાથે વાત કરવાની ફુરસદ પોતાને સારુ રાખતાં નથી.


Found At Last !


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.