Daily Archives: 24/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૮. મહાસભામાં પ્રવેશ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મહાસભામાં મારે ભાગ લેવો પડ્યો એને હું મારો મહાસભામાં પ્રવેશ નથી માનતો. તેના પહેલાંની મહાસભાની બેઠકોમાં હું ગયો તે માત્ર વફાદારીની નિશાની દાખલ. નાનામાં નાના સિપાહીના કામ સિવાય મારું ત્યાં બીજું કંઈ કાર્ય હોય એવો બીજી આગલી સભાઓને વિષે મને આભાસ નથી આવ્યો, નથી ઈચ્છા થઈ.

અમૃતસરના અનુભવે બતાવ્યું કે, મારી એક શક્તિનો ઉપયોગ મહાસભાને છે. પંજાબ સમિતિના કામથી લોકમાન્ય, માલવીયાજી, મોતીલાલજી, દેશબંધુ વગેરે રાજી થયા હતા એ હું જોઈ શક્યો હતો. તેથી મને તેમણે પોતાની બેઠકો ને મસલતોમાં બોલાવ્યો. એટલું તો મેં જોયું હતું કે, વિષયવિચારિણી સમિતિનું ખરું કામ એવી બેઠકોમાં થતું હતું. અને એવી મસલતોમાં નેતાઓ જેમની ઉપર ખાસ વિશ્વાસ કે આધાર રાખતા હોય તેઓ હતા ને બીજા ગમે તે નિમિત્તે ઘૂસી જનારા.

આગામી વર્ષને સારુ કરવાનાં બે કામોમાં મને રસ હતો, કેમ કે તેમાં મારી ચાંચ બૂડતી હતી.


જલિયાંવાલા બાગની કતલમાં થયેલ શહિદોનું નું સ્મારકએક હતું જલિયાંવાલા બાગની કતલનું સ્મારક.

મારી બીજી શક્તિ લહિયાનું કામ કરવાની હતી, જેનો ઉપયોગ મહાસભા લઈ શકે તેમ હતું. લાંબી મુદતના અભ્યાસથી, ક્યાં શું અને કેટલા ઓછા શબ્દોમાં અવિનયરહિત ભાષામાં લખવું એ હું જાણતો હતો, એમ નેતાઓ સમજી ગયા હતા. મહાસભાને સારુ તે વેળા જે બંધારણ હતું તે ગોખલેએ મૂકેલી પૂંજી હતી. તેમણે કેટલાક ધારા ઘડી કાઢ્યા હતા. તેમને આધારે મહાસભાનું કામ ચાલતું હતું. તે ધારા કેમ ઘડાયા તેનો મધુર ઇતિહાસ મેં તેમને જ મોઢેથી જાણ્યો હતો. પણ હવે મહાસભા તેટલા જ ધારાથી ચલાવાય નહીં એમ સૌને જણાતું હતું. જનતા ઉપર બે નેતાઓનો કાબૂ હું જોઈ રહ્યો હતો. તેથી મેં મારી જોડે તેમના પ્રતિનિધિઓની માગણી કરી. તે પોતે નિરાંતે બેસી બંધારણ ઘડવાનું કામ ન કરી શકે એમ હું સમજતો હતો. તેથી લોકમાન્યની પાસેથી ને દેશબંધુની પાસેથી તેમના વિશ્વાસનાં બે નામો માગ્યાં. આ ઉપરાંત બીજો કોઈ પણ બંધારણ સમિતિમાં ન જોઈએ એમ મેં સૂચવ્યું. એ સૂચના કબૂલ રહી. લોકમાન્યે શ્રી કેળકરનું અને દેશબંધુએ શ્રી આઈ.બી. સેનનું એમ નામ આપ્યાં. આ બંધારણ સમિતિ સાથે મળીને એક દિવસ પણ ન બેઠી, છતાં અમે અમારું કામ એકમતે ઉકેલ્યું. પત્રવ્યવહારથી અમારું કામ ચલાવી લીધું. એ બંધારણને વિષે મને કંઈક અભિમાન છે. હું માનું છું કે, એને અનુસરીને કામ લઈ શકાય તો આજે આપણો બેડો પાર થાય. એ તો થાય ત્યારે ખરો. પણ એ જવાબદારી લઈને મેં મહાસભામાં ખરો પ્રવેશ કર્યો એવી મારી માન્યતા છે.


Congress Initiation


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.