Daily Archives: 23/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૭. અમૃતસરની મહાસભા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


સુવર્ણમંદિર – અમૃતસર


લશ્કરી કાયદાના અમલમાં જે સેંકડો નિર્દોષ પંજાબીઓને નામની અદાલતોએ નામના પુરાવા લઈ નાનીમોટી મુદ્દતની જેલમાં ગોંધી દીધા હતા, તેમને પંજાબની સરકાર સંઘરી ન શકી. આ હડહડતા ગેરઈન્સાફની સામે એટલો બધો પોકાર ચોમેર ચાલ્યો હતો કે, સરકાર આ કેદીઓને જેલમાં વધારે મુદ્દત સંઘરી શકે એમ ન રહ્યું. એટલે અમૃતસરની મહાસભા ભરાય તે પહેલાં ઘણાં કેદીઓ છૂટી ગયા. લાલા હરકિસનલાલ વગેરે આગેવાનો બધા છૂટી ગયા. અને મહાસભા ચાલતી હતી તે દરમ્યાન અલીભાઈઓ પણ છૂટીને આવ્યા. એટલે લોકોના હર્ષનો પાર જ ન રહ્યો. પંડિત મોતીલાલ નેહરુ, જેમણે પોતાનો ધંધો કોરે મૂકીને પંજાબમાં જ થાણું કર્યું હતું, તે મહાસભાના પ્રમુખ હતા. સ્વામી શ્રદ્ધાનંદજી સ્વાગત મંડળના સભાપતિ હતા.

આજ લગી મહાસભામાં મારો ભાગ હિંદીમાં મારું નાનું સરખું ભાષણ કરી, હિંદીને સારુ વકીલાત કરવા પૂરતો ને સંસ્થાનવાસી હિંદીઓનો કેસ રજૂ કરવા પૂરતો હતો. અમૃતસરમાં મારે આથી વિશેષ કંઈક કરવું પડશે એવું મેં નહોતું ધાર્યું. પણ જેમ મારે વિષે પૂર્વે બન્યું છે તેમ જવાબદારી એકાએક આવી પડી.

બાદશાહનું નવા સુધારા વિષેનું ફરમાન પ્રગટ થયું હતું. તે મને પૂર્ણ સંતોષ આપે એવું તો નહોતું જ, બીજા કોઈને તો નહોતું જ ગમ્યું પણ સદરહુ ફરમાનમાં સૂચવેલા સુધારા ખામીભર્યા છતાં તે સ્વીકારી શકાય એવા છે, એમ મેં તે વેળા માન્યું.

આ સ્થિતિમાં માલવીયજીની જોડે રોજ સંવાદ થાય, તે મને બધાનો પક્ષ મોટો ભાઈ નાના ભાઈને સમજાવે તેમ પ્રેમપૂર્વક સમજાવે. મેં મારો ધર્મ સુધારા વિષેના ઠરાવમાં ભાગ લેવાનો ભાળ્યો. પંજાબના મહાસભાના રિપોર્ટની જવાબદારીમાં મારો ભાગ હતો. પંજાબને વિષે સરકાર પાસેથી કામ લેવાનું હતું; ખિલાફતનું તો હતું જ. મૉંટેગ્યુ હિંદને દગો નહીં દેવા દે એમ પણ મેં માન્યું હતું. કેદીઓના અને તેમાં ય અલીભાઈઓના છુટકારાને મેં શુભ ચિહ્ન માન્યું હતું. એટલે મને લાગ્યું કે, ઠરાવ સુધારા કબૂલ રાખવાનો હોવો જોઈએ. ચિત્તરંજન દાસનો દ્રઢ અભિપ્રાય હતો કે, સુધારાને છેક અસંતોષકરક ને અધૂરા ગણી તેમને અવગણી નાખવા જોઈએ. લોકમાન્ય કંઈક તટસ્થ હતા, પણ દેશબંધૂ જે ઠરાવ પસંદ કરે તેની તરફ પોતાનું વજન મૂકવાનો તેમણે નિશ્ચય કર્યો હતો.

આવી રીઢા થયેલા, કસાયેલા સર્વમાન્ય લોકનાયકોથી મારો મતભેદ મને પોતાને અસહ્ય લાગ્યો. બીજી તરફથી મારો અંતર્નાદ સ્પષ્ટ હતો. મેં મહાસભાની બેઠકમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પંડિત મોતીલાલ નહેરુને અને માલવીયજીને સૂચવ્યું કે, મને ગેરહાજર રહેવા દેવાથી બધા અર્થ સરશે, ને હું મહાન નેતાઓની સાથેના મતભેદનું પ્રદર્શન કરવામાંથી ઉગરી જઈશ.

આ સૂચના આ બન્ને વડીલોને ગળે ન ઉતરી. લાલા હરકિસનલાલને કાને જતાં તેમણે કહ્યું: ‘એ કદી બને જ નહીં. પંજાબીઓ ઉપર ભારે આઘાત પહોંચે. ‘ લોકમાન્ય સાથે, દેશબંધૂ સાથે મસલત કરી. મિ. ઝીણાને મળ્યો. કેમેય રસ્તો નીકળે. મારી વેદના મેં માલવીયજી આગળ મૂકી: સમાધાન થાય એવું હું જોતો નથી. જો મારે મારો ઠરાવ રજૂ કરવો જ પડે તો છેવટે મત લેવાશે જ. પણ અહીં મત લઈ શકાય એવી વ્યવસ્થા હું જોતો નથી. આજ લગી આપણે ભરી સભામાં હાથો ઊંચા કરાવ્યા છે. પ્રેક્ષકો અને સભ્યોની વચ્ચે હાથ ઊંચા થતી વેળા ભેદ નથી રહેતો. મતો ગણવાની ગોઠવણ આવી વિશાળ સભામાં આપણી પાસે નથી હોતી. એટલે મારે મારા ઠરાવને સારુ મત લેવરાવવા હોય તોયે સગવડ નથી.’

છેવટે હું હાર્યો. મેં મારો ઠરાવ ઘડ્યો. બહુ સંકોચની સાથે તે રજૂ કરવાનું મેં કબૂલ કર્યું. મિ. ઝીણા અને માલવીયજી ટેકો આપવાના હતા. ભાષણો થયાં. હું જોઈ શકતો હતો કે, જો કે અમારા મતભેદોમાં ક્યાંયે કડવાશ નહોતી, ભાષણોમાં પણ કેવળ દલીલો સિવાય કંઈ જ નહોતું, છતાં સભા મતભેદ માત્ર સહન નહોતી કરી શકતી, ને આગેવાનોના મતભેદથી તેને દુઃખ થતું હતું. સભાને તો એકમત જોઈતો હતો.

ભાષણો ચાલતાં હતાં ત્યારે માંચડા ઉપર ભેદ બુઝાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં હતા. ચિઠ્ઠીઓ એકબીજાની વચ્ચે પસાર થઈ રહી હતી. માલવીયજી તો ગમે તેમ કરીને સાંધવાની મહેનત કરી રહ્યાં હતાં. એટલામાં જયરામદાસે મારા હાથમાં પોતાની સૂચના મૂકીને અતિ મધુર શબ્દોમાં મતો આપવાના સંકટમાંથી સભ્યોને ઉગારી લેવા મને વીનવ્યો હતો. મને તે સૂચના ગમી. માલવીયજીની નજર તો ચોમેર આશાને સારુ ફરી જ રહી હતી. મેં કહ્યું: ‘આ સૂચના બન્નેને ગમે એવી લાગે છે.’ લોકમાન્યને મેં તે બતાવી. તેમણે કહ્યું: ‘દાસને પસંદ પડે તો મારો વાંધો નથી.; દેશબંધૂ પીગળ્યા. તેમણે બિપિનચંદ્ર પાલ સામું જોયું. માલવીયજીને પૂરી આશા બંધાઈ. તેમણે ચિઠ્ઠી ઝૂંટવી લીધી. હજુ ‘હા’ ના પૂરા શબ્દો દેશબંધૂના મોં માંથી નથી નીકળ્યા તેવામાં તેઓ બોલી ઊઠ્યા : ‘સજ્જનો, તમે જાણીને રાજી થશો કે સમાધાની થઈ ગઈ છે’ પછી શું જોઈએ? તાળીઓના અવાજથી મંડપ ગાજી ઊઠ્યો, અને લોકોના ચહેરા ઉપર ગંભીરતા હતી તેને બદલે ખુશાલી ચમકી ઊઠી.

એ ઠરાવ શું હતો એમાં ઊતરવાની અહીં જરૂર નથી. એ ઠરાવ કેમ થયો એટલું જ એને અંગે બતાવવું આ પ્રયોગોનો વિષય છે. સમાધાનીએ મારી જવાબદારી વધારી.


The Amritsar Congress


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.