Daily Archives: 22/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૬. ખિલાફત બદલે ગોરક્ષા ?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પંજાબના હત્યાકાંડને થોડો વખત હવે છોડીએ.

પંજાબની ડાયરશાહીની મહાસભા તરફથી તપાસ ચાલતી હતી, તેટલામાં મારા હાથમાં એક જાહેર આમંત્રણ આવ્યું. તેમાં મરહૂમ હકીમ સાહેબ અને ભાઈ અસરફઅલીનાં નામ હતાં. શ્રદ્ધાનંદજી હાજર રહેવાના છે એમ પણ ઉલ્લેખ હતો. મને ખ્યાલ તો એવો રહ્યો છે કે, તેઓ ઉપપ્રમુખ હતા. આ આમંત્રણ દિલ્હીમાં ખિલાફત સંબંધી ઉપસ્થિત થયેલી પરિસ્થિતિનો વિચાર કરનારી અને સુલેહની ઉજવણીમાં ભાગ લેવો કે ન લેવો તેનો નિર્ણય કરવાને હિંદુમુસલમાનની એકઠી થનારી સભામાં હાજર રહેવાનું હતું. આ સભા નવેમ્બર માસમાં હતી એવું મને સ્મરણ છે.

આ નિમંત્રણપત્રિકામાં એવો ઉલ્લેખ હતો કે, તેમાં ખિલાફતનો પ્રશ્ન ચર્ચાશે, એટલું જ નહીં પણ ગોરક્ષાનો પ્રશ્ન પણ ચર્ચાશે, ને ગોરક્ષા સાધવાનો આ સરસ અવસર છે. મને આ વાક્ય કઠ્યું.

જો ખિલાફતના પ્રશ્નમાં વજૂદ હોય, તેમાં સરકાર તરફથી ગેરઈન્સાફ થતો હોય, તો હિંદુઓએ મુસલમાનોને સાથ દેવો જોઈએ; અને એની સાથે ગોરક્ષાને જોડી દેવાય નહીં. અને જો હિંદુઓ એવી કંઈ શરત કરે તો તે ન શોભે. મુસલમાનો ખિલાફતમાં મળતી મદદને બદલે ગોવધ બંધ કરે એ તેમને ન શોભે. પડોશી અને એક જ ભૂમિના હોવાને લીધે અને હિંદુઓની લાગણીને માન આપવાને ખાતર તેઓ સ્વતંત્ર રીતે ગોવધ બંધ કરે એ તેમને શોભે, એ તેમની ફરજ છે; અને એ નોખો પ્રશ્ન છે. જો એ ફરજ હોય ને તેઓ ફરજ સમજે, તો હિંદુ ખિલાફતમાં મદદ દે અથવા ન દે, તોપણ મુસલમાને ગોવધ બંધ કરવો ઘટે.

કેટલાકની સૂચના એવી હતી કે, પંજાબના સવાલને પણ ખિલાફત સાથે ભેળવવો. મેં આ બાબત મારો વિરોધ બતાવ્યો.

આ સભામાં મૌલાના હસરત મોહાની હતા. તેમની ઓળખાણ તો મને થઈ જ હતી. પણ તે કેવા લડવૈયા છે એ તો મેં અહીં જ અનુભવ્યું. અમારી વચ્ચે મતભેદ અહીંથી જ થયો તે અનેક વાતોમાં છેવટ લગી રહ્યો.

ઘણા ઠરાવોમાં એક ઠરાવ હિંદુમુસલમાન બધાએ સ્વદેશી વ્રતનું પાલન કરવું, ને તે અર્થે વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, એમ હતો. ખાદીનો પુનર્જન્મ હજુ થઈ ચૂક્યો નહોતો. હસરત સાહેબને આ ઠરાવ ગળે ઊતરે તેમ નહોતો. તેમને તો અંગ્રેજી સલ્તનત જો ખિલાફતની બાબતમાં ઇન્સાફ ન કરે તો વેર લેવું હતું. તેથી તેમણે બ્રિટિશ માલમાત્રનો યથાસંભવ બહિષ્કાર સૂચવ્યો. મેં બ્રિટિશ માલમાત્રના બહિષ્કારની અશક્યતા ને અયોગ્યતા વિષે મારી હવે જાણીતી થઈ ગઈ છે તે દલીલો રજૂ કરી.

વિદેશી વસ્ત્રના બહિષ્કાર ઉપરાંત કંઈક બીજું ને નવું બતાવવું જોઈએ એમ મને લાગ્યું. વિદેશી વસ્ત્રનો બહિષ્કાર તુરત ન થઈ શકે એમ મને તે વખતે તો સ્પષ્ટ હતું. ખાદી સંપૂર્ણ ઉત્પન્ન કરવાની આપણી શક્તિ ઈચ્છીએ તો આપણામાં છે એમ જે હું પાછળથી જોઈ શક્યો, તે હું એ વેળા નહોતો જાણતો. એકલી મિલ તો દગો દે એ મને ત્યારે પણ ખબર હતી. મૌલાના સાહેબે પોતાનું ભાષણ પૂરું કર્યું ત્યારે હું જવાબ દેવા તૈયાર થઈ રહ્યો હતો.

અહીં મારે વિરુદ્ધ મતવાળી સમાજને સમજાવવાનું હતું. પણ મેં શરમ છોડી હતી. દિલ્હીના મુસલમાનોની પાસે મારે શુદ્ધ ઉર્દૂમાં છટાદાર ભાષણ નહોતું કરવાનું, પણ મારા કહેવાની મતલબ મારે તૂટીફૂટી હિંદીમાં સમજાવવાની હતી. એ કામ હું સારી રીતે કરી શક્યો.

ઉર્દૂ કે ગુજરાતી શબ્દ હાથ ન આવ્યો તેથી શરમાયો, પણ જવાબ આપ્યો. મને ‘નૉન-કોઑપરેશન’ શબ્દ હાથ આવ્યો. મૌલાના ભાષણ કરતા હતા ને મને થયા કરતું હતું કે, તે પોતે ઘણી બાબતમાં જે સરકારને સાથ દઈ રહેલા છે તે સરકારના વિરોધની વાત કરે છે એ ફોગટ છે. તલવારથી વિરોધ નથી કરવો એટલે સાથ ન દેવામાં જ ખરો વિરોધ છે એમ મને લાગ્યું, ને મેં ‘નૉન-કોઑપરેશન’ શબ્દનો પહેલો ઉપયોગ આ સભામાં કર્યો.

‘મુસલમાન ભાઈઓએ એક બીજો મહત્ત્વનો નિશ્ચય કર્યો છે. ઈશ્વર તેવું ન કરે, પણ કદાચ જો સુલેહની શરતો તેમની વિરુદ્ધ જાય, તો તેઓ સરકારને સહાયતા આપતા અટકશે. મને લાગે છે કે, આ પ્રજાનો હક છે. સરકારના ખિતાબો રાખવા કે સરકારી નોકરી કરવા આપણે બંધાયેલા નથી.

પણ ત્યાર બાદ તે વસ્તુનો પ્રચાર થવાને ઘણા માસ વીત્યા. એ શબ્દ કેટલાક માસ લગી તો એ સભામાં જ દટાયેલો રહ્યો. એક માસ પછી અમૃતસરમાં મહાસભા મળી ત્યાં મેં સહકારના ઠરાવને ટેકો આપ્યો ત્યારે મેં તો એ જ આશા રાખેલી હતી કે, હિંદુમુસલમાનોને અસહકારનો અવસર ન આવે.


The Khilafat Against Cow Protection?


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.