Daily Archives: 20/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૪. ‘નવજીવન’ ને ‘યંગ ઈંડિયા’

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ગમે તેવી ધીમી તો પણ શાંતિ જાળવનારી હિલચાલ એક તરફથી થઈ રહી હતી, ત્યારે બીજી તરફથી સરકારની દમનનીતિ પુરજોરમાં ચાલી રહી હતી.

પંજાબમાં ગમે તેમ કરીને પ્રવેશ કરવાનું મારી ઉપર દબાણ થયું. મેં વાઇસરૉયને કાગળો લખ્યા, તાર કર્યા, પણ પરવાનગી ન મળે.

આટલામાં મિ. હૉનિમૅન, જેમણે ‘ક્રૉનિકલ’ને એક પ્રચંડ શક્તિ બનાવી મૂક્યું હતું, તેમને પ્રજાને સૂતી મૂકી સરકાર ચોરી ગઈ. આ ચોરીમાં જે ગંદકી હતી તેની બદબો મને હજુયે આવ્યાં કરે છે. હું જાણું છું કે મિ. હૉનિમૅન અંધાધૂંધી નહોતા ઈચ્છતા. એટલે તેમના દેશનિકાલથી મને જેટલું આશ્ચર્ય થયું તેટલું જ દુ:ખ થયું.

આમ થવાથી ‘ક્રૉનિકલ’ના વ્યવસ્થાપકોએ તે ચલાવવાનો બોજો મારી ઉપર મૂક્યો.

મારે તે જવાબદારી લાંબો સમય વેઠવી ન પડી. સરકારની મહેરબાનીથી તે બંધ થયું.

અંગ્રેજી મારફતે પ્રજાને સત્યાગ્રહની તાલીમ કેમ આપી શકાય? ગુજરાતમાં મારા કાર્યનું મુખ્ય ક્ષેત્ર હતું. ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક એ વેળા તે જ ટોળીમાં હતા. તેમના હાથમાં માસિક ‘નવજીવન’ હતું. તેનું ખર્ચ પણ પેલા મિત્રો પૂરું પાડતા. આ છાપું ભાઈ ઇન્દુલાલે અને તે મિત્રોએ મને સોંપ્યું. ને ભાઈ ઇન્દુલાલે તેમાં કામ કરવાનું પણ માથે લીધું. આ માસિકને સાપ્તાહિક કર્યું.

મારે જે વિચારો પ્રગટ કરવા હોય તે વ્યાપારદૃષ્ટિએ ચાલતા છાપખાનાવાળા છાપતાં સંકોચાય. એ પણ છાપખાનું વસાવવાનું પ્રબળ કારણ હતું. અને તે અમદાવાદમાં જ સહેલાઈથી થઈ શકે તેમ હતું, એટલે ‘યંગ ઇંડિયા’ અમદાવાદમાં લઈ ગયા.

આ છાપાં મારફત મેં સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો. બંને છાપાંની નકલો જૂજ ખપતી હતી તે વધતી વધતી ૪૦,૦૦૦ની આસપાસ પહોંચી હતી. ‘નવજીવન’ની ઘરાકી એકદમ વધી, જ્યારે ‘યંગ ઇંડિયા’ની ધીમે ધીમે વધી. મારા જેલ જવા બાદ તેમાં ઓટ થયો ને આજે બંનેની ઘરાકી આઠ હજારની નીચે ચાલી ગઈ છે.

આ છાપાંમાં જાહેર ખબર ન લેવાનો મારો આગ્રહ અસલથી જ હતો. તેથી કશો ગેરલાભ થયો નથી એવી મારી માન્યતા છે, અને છાપાંની વિચારસ્વતંત્રતા જાળવવામાં આ પ્રથાએ બહુ મદદ કરી છે.

આ છાપાંની મારફતે હું મારી શાંતિ મેળવી શક્યો. કેમ કે જોકે તુરત મારાથી સવિનય ભંગનો આરંભ ન કરી શકાયો, પણ હું મારા વિચારો છૂટથી પ્રગટ કરી શક્યો: જેઓ સલાહસૂચના માટે મારા તરફ જોઈ રહ્યા હતા તેમને આશ્વાસન આપી શક્યો. ને મને લાગે છે કે, બંને છાપાંએ તે અણીને સમયે પ્રજાની ઠીક સેવા કરી અને લશ્કરી કાયદા જુલમને હળવો કરવામાં ફાળો ભર્યો.


Navjivan And Young India


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.