Daily Archives: 17/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૨. એ સપ્તાહ !—૨

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


કમિશનર ગ્રિફિથ સાહેબની ઓફિસે ગયો. કમિશનરની પાસે મેં જોયેલું દ્રશ્ય વર્ણવ્યું. તેમણે ટૂંકામાં જવાબ આપ્યો : ’મારે સરઘસને ફોર્ટ તરફ જવા નહોતું દેવું. ત્યાં જાય તો તોફાન થયા વિના ન રહે. અને મેં જોયું કે લોકો વાળ્યા વળે એમ નહોતા. એટલે ઘસારો કર્યા વિના છૂટકો નહોતો.’

’પણ તેનું પરિણામ તો તમે જાણતા હતા. લોકો ઘોડાની નીચે છૂંદાયા વિના ન રહે. ઘોડેસવારની ટુકડી મોકલવાની જરૂર જ નહોતી એમ મને તો લાગે છે,’ હું બોલ્યો.

’એની તમને ખબર ન પડે. લોકોની ઉપર તમારા શિક્ષણની અસર કેવી થઈ છે તેની ખબર અમને પોલીસને તમારા કરતાં વધારે પડે. અમે પહેલેથી સખત ઉપાયો ન લઈએ તો વધારે નુકસાન થાય. હું તમને કહું છું કે, લોકો તમારા કબજામાં પણ રહેવાના નથી. કાયદાના ભંગની વાત તેઓ ઝટ સમજશે, શાંતિની વાત તેમના ગજા ઉપરાંત છે. તમારા હેતુ સારા છે, પણ તમારા હેતુ લોકો નહીં સમજે. તેઓ તો પોતાના સ્વભાવને અનુસરશે,’ સાહેબ બોલ્યા.

’પણ તમારી અને મારી વચ્ચે ભેદ જ અહીં છે. લોકો સ્વભાવે લડાયક નથી, પણ શાંતિપ્રિય છે,’ મે ઉત્તર દીધો.

અમે દલીલમાં ઊતર્યા.

છેવટે સાહેબ બોલ્યા, ’વારુ, ત્યારે જો લોકો તમારું શિક્ષણ નથી સમજ્યા એની તમને ખાતરી થાય તો તમે શું કરો ?’

મેં જવાબ દીધો, ’જો એવું મને સિધ્ધ થાય તો આ લડત હું મુલતવી રાખું.’

’મુલતવી રાખો એટલે શું ? તમે તો મિ. બોરિંગને કહ્યું છે કે, તમે છૂટા થાઓ એટલે તુરત પાછા પંજાબ જવા માગો છો !’

’હા, મારો ઈરાદો તો વળતી ટ્રેને જ પાછા જવાનો હતો. તે હવે આજ તો ન જ બને.’

’તમે ધીરા રહેશો તો તમને વધારે ખબર પડી રહેશે. તમે જાણો છો કે, અમદાવાદમાં શું ચાલી રહ્યું છે ? અમૃતસરમાં શું છે ? લોકો બધે ગાંડા જેવા થઈ ગયા છે. મને પૂરી ખબર નથી. કેટલીક જગ્યાએ તાર પણ તૂટયા છે. હું તો તમને કહું છું કે, આ બધાં તોફાનની જવાબદારી તમારે શિર છે.’

હું બોલ્યો, ’મારી જવાબદારી જ્યાં હશે ત્યાં હું ઓઢ્યા વિના નહીં રહું. અમદાવાદમાં લોકો કંઈ પણ કરે તો મને આશ્ચર્ય અને દુ:ખ થાય. અમૃતસરનું હું કંઈ ન જાણું. ત્યાં તો હું કદી ગયો જ નથી, મને કોઈ જાણતુંયે નથી. પણ હું એટલું જાણું છું કે, પંજાબની સરકારે મને ત્યાં જતો ન રોક્યો હોત તો હું શાંતિ જાળવવામાં મોટો હિસ્સો લઈ શકત. મને રોકીને તો સરકારે લોકોને છંછેડ્યા છે.’

આમ અમારી વાતો ચાલી. અમારા મતનો મેળ મળે તેમ નહોતું. ચોપાટી ઉપર સભા ભરવાનો ને લોકોને શાંતિ જાળવવાનું સમજાવવાનો મારો ઈરાદો જાહેર કરી હું છુટો પડ્યો.

ચોપાટી ઉપર સભા ભરાઈ. મેં માણસોને શાંતિ વિષે ને સત્યાગ્રહની મર્યાદા વિષે સમજ પાડી ને જણાવ્યું, ’સત્યાગ્રહ ખરાનો ખેલ છે. જો લોકો શાંતિ ન જાળવે તો મારાથી સત્યાગ્રહની લડત કદી ન લડી શકાય.’

હું અમદાવાદ ગયો. મને ખબર થઈ કે, નડિયાદની પાસે રેલના પાટા ઉખેડી કાઢવાનો પ્રયત્ન પણ થયો હતો. વીરમગામમાં એક સરકારી નોકરનું ખુન થયું હતું. અમદાવાદ પહોંચ્યો તો માર્શલ લો ચાલ્તો હતો. લોકોમાં ત્રાસ વર્તી રહ્યો હતો. લોકોએ કર્યુ તેવું ભર્યુ ને તેનું વ્યાજ પણ મેળવ્યું.

લોકોને પોતાના ગુના ક્બૂલ કરવાનું સૂચવ્યું તેમ સરકારને ગુના માફ કરવાનું પણ સૂચવ્યું. મારી વાત બેમાંથી એકેયે ન સાંભળી, ન લોકોએ ગુના કબૂલ કર્યા, ન સરકારે માફ કર્યા.

સ્વ. રમણભાઈ વગેરે શહેરીઓ મારી પાસે આવ્યા ને સત્યાગ્રહ મુલતવી રાખવા મને વીનવ્યો. મને વીનવવાપણું રહ્યું નહોતું. જયાં લગી શાંતિનો પાઠ લોકો ન શીખી લે ત્યાં સુધી સત્યાગ્રહ મુલતવી રાખવાનો નિશ્ચય મેં કરી જ લીધો હતો. આથી તેઓ રાજી થયા.

જે લોકોમાં કામ કર્યુ હોય, જેમની મારફતે સત્યાગ્રહ કરવાની આશા રખાતી હોય, તેઓ જો શાંતિ ન જાળવે તો જરૂર સત્યાગ્રહ ન જ ચાલે. આટલી મર્યાદિત શાંતિ જાળવવાની શક્તિ સત્યાગ્રહી નેતાઓએ મેળવવી જોઈએ એવી મારી દલીલ હતી. આ વિચારોને આજે પણ ફેરવી નથી શક્યો.


That Memorable Week! – II


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.