સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૧. એ સપ્તાહ !—૧

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


દક્ષિણમાં થોડી મુસાફરી કરી એપ્રિલની ચોથીએ ઘણે ભાગે મુંબઈ પહોંચ્યો.

પણ તે પહેલાં દિલ્હીમાં તો હડતાળ ૩૦મી માર્ચે ઊજવાઈ હતી.

જેમ દિલ્હી તેમ જ લાહોર અમૃતસરનું હતું.

છઠ્ઠીએ મુંબઈમાં સવારના પહોરમાં હજારો લોકો ચોપાટીમાં સ્નાન કરવા ગયા ને ત્યાંથી ઠાકુરદ્વાર* જવા સરઘસ નીકળ્યું. તેમાં સ્ત્રીઓ અને બચ્ચાં પણ હતાં. સરઘસમાં મુસલમાનોએ પણ સારી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સરઘસમાંથી અમને મુસલમાન ભાઈઓ એક મસ્જિદે લઈ ગયા. ત્યાં શ્રી સરોજિની દેવી પાસે ને મારી પાસે ભાષણ કરાવ્યાં. અહીં શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીએ સ્વદેશીની અને હિંદુમુસલમાન ઐક્યની પ્રતિજ્ઞા લેવરાવવાની સૂચના કરી. મેં એવી ઉતાવળથી પ્રતિજ્ઞા લેવરાવવાની ના પાડી. જેટલું થઈ રહ્યું હતું એટલેથી સંતોષ માનવાની સલાહ આપી. પ્રતિજ્ઞા લીધા પછી ન તૂટે. સ્વદેશીનો અર્થ આપણે સમજવો જોઈએ. હિંદુમુસલમાન ઐક્યની જોખમદારીનો ખ્યાલ રહેવો જોઈએ વગેરે કહ્યું, ને સૂચવ્યું કે જેને પ્રતિજ્ઞા લેવાનો વિચાર હોય તે ચોપાટીના મેદાન ઉપર ભલે બીજી સવારે હાજર થાય.

મુંબઈની હડતાળ સંપૂર્ણ હતી.

અહીં કાયદાના સવિનય ભંગની તૈયારી કરી મૂકી હતી. જેમનો ભંગ બધા સહેલાઈથી કરી શકે એવા હતા તેમાંથી એકનો જ ઉપયોગ કરવો એવો ઠરાવ હતો. મીઠાના કરને લગતો કાયદો અળખામણો હતો. તે કર નાબૂદ થવા સારુ ઘણા પ્રયત્ન થઈ રહ્યા હતા. એટલે બધા પરવાના વિના મીઠું પોતાના ઘરમાં પકાવે એવી એક સૂચના મેં કરી હતી. બીજી સૂચના સરકારે પ્રસિધ્ધ થતાં અટકાવેલાં પુસ્તકો છપાવવા વેચવા બાબત હતી. આવાં બે પુસ્તકો મારાં જ હતાં: ’હિંદ સ્વરાજ’ અને ’સર્વોદય’. આ પુસ્તકો છપાવવાં વેચવાં સહુથી સહેલો સવિનય ભંગ લાગ્યો. તેથી એ છપાવ્યાં ને સાંજનો ઉપવાસ છૂટ્યા પછી ને ચોપાટીની જંગી સભા વિસર્જન થયા પછી વેચવાનો પ્રબંધ થયો.

સાંજના ઘણા સ્વયંસેવકો આ પુસ્તકો વેચવા નીકળી પડ્યા.

આ તારીખે ચોપાટી ઉપર સવારે સ્વદેશી વ્રતને સારુ ને હિંદુમુસ્લિમ વ્રતને સારુ લોકોને એકઠા થવાનું હતું. વિઠ્ઠલદાસ જેરાજાણીનો આ પહેલો અનુભવ થયો કે, ઊજળું એટલું દૂધ નથી. લોકો ઘણા ઓછા ભેળા થયા. આમાં બેચાર બહેનોનાં નામ મારી આગળ તરી આવે છે. પુરુષો પણ થોડા હતા. મેં વ્રત ઘડી રાખ્યાં હતાં. એનો અર્થ હાજર રહેલાંને ખૂબ સમજાવી તેમને લેવા દીધાં. થોડી હાજરીથી મને આશ્ચર્ય ન થયું, દુ:ખ પણ ન થયું. પણ ધાંધલિયા કામની વચ્ચે ને ધીમા રચનાત્મક કામની વચ્ચેનો ભેદ અને પહેલાનો પક્ષપાત અને બીજાનો અણગમો ત્યારથી હું અનુભવતો આવ્યો છું.

પણ આ વિષયને નોખું પ્રકરણ આપવું પડશે.

સાતમીની રાતે હું દિલ્હી અમૃતસર જવા નીકળ્યો.

પલવલ સ્ટેશન આવે તે પહેલાં પોલીસ અમલદારે મારા હાથમાં હુકમ મૂક્યો. ’તમારા પંજાબમાં પ્રવેશ કરવાથી અશાંતિ વધવાનો ભય છે, તેથી તમારે પંજાબની સરહદમાં દાખલ ન થવું,’ આવી જાતનો હુકમ હતો. હુકમ આપી મને ઊતરી જવા પોલીસે કહ્યું. મેં ઊતરવાની ના પાડી ને કહ્યું: ’હું અશાંતિ વધારવા નહીં પણ આમંત્રણ મળવાથી અશાંતિ ઘટાડવા જવા માગું છું, એટલે હું દિલગીર છું કે, આ હુકમને મારાથી માન નહીં આપી શકાય.’

પલવલ સ્ટેશન ઉપર મને ઉતારી લીધો ને પોલીસને હવાલે કર્યો.

સુરત આવ્યા એટલે કોઈ બીજા અમલદારે મારો કબજો લીધો. રસ્તામાં મને કહ્યું: ’તમે છૂટા છો, પણ તમારે સારુ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ગાડી થોભાવીશ ને તમે ત્યાં ઊતરો તો વધારે સારું. કોલાબા ઉપર વધારે ભીડ થવાનો સંભવ છે.’ મેં તેને અનુકૂળ થવા ખુશી બતાવી.

હું ઘેર પહોંચ્યો તેવામાં ઉંમર સોબાની અને અનસૂયાબહેન મોટરમાં આવ્યાં ને મને પાયધૂની લઈ જવા કહ્યું : ’લોકો અધીરા થઈ ગયા છે ને ઉશ્કેરાયા છે. અમારા કોઈથી શાંત રહે તેમ નથી. તમને જોશે તો જ શાંત થશે.’

હું મોટરમાં બેસી ગયો. પાયધૂની પહોંચતાં જ રસ્તામાં મોટી મેદની જોવામાં આવી.

અબ્દુર રહેમાન ગલીમાંથી ક્રોફર્ડ મારકેટ તરફ જતા સરઘસને અટકાવવા સારુ ઘોડેસવારોની ટુકડી સામેથી આવી પહોંચી. સરઘસને કોટ તરફ જતું અટકાવવા તેઓ મથતા હતા. લોકો માનતા નહોતા. લોકોએ પોલીસની લાઈનને ચીરીને આગળ ઘસારો કર્યો. મારો અવાજ સંભળાય તેમ નહોતું. આ ઉપરથી ઘોડેસવારની ટુકડીના ઉપરીએ ટોળાને વિખેરવાનો હુકમ કર્યો, ને ભાલા ઉગામતી આ ટુકડીએ એકદમ ઘોડાને છોડી મૂક્યા. તેમાંનું ભાલું અમારો પણ નિકાલ કરે તો નવાઈ નહીં એવો મને ભય લાગ્યો. પણ એ ભયમાં વજૂદ નહોતું. પડખે થઈને બધાં ભાલાં રેલગાડી વેગે સરી જતાં હતાં. લોકોના ટોળામાં ભંગાણ પડ્યું. દોડદોડ મચી. કોઈ કચરાયા, કોઈ ઘવાયા. ઘોડેસવારને નીકળવા સારુ મારગ નહોતો. લોકોને આસપાસ વીખરાવાનો મારગ નહોતો. તેઓ પાછા ફરે તોયે પાછળ હજારો ચસોચસ ભરાયા હતા. બધો દેખાવ ભયંકર લાગ્યો. ઘોડેસવારો અને લોકો બંને ગાંડા જેવા લાગ્યા. ઘોડેસવારો કંઈ જોતા કે જોઈ શક્તા નહોતા. તેઓ તો વાંકા વળી ઘોડાને દોડાવી રહ્યા હતા. જેટલી ક્ષણ આ હજારોનાં ટોળાંને ચીરવામાં ગઈ તેટલી ક્ષણ લગી તેઓ કંઈ દેખી જ ન શકે એમ મેં જોયું.

લોકોને આમ વિખેર્યા ને રોક્યા. અમારી મોટરને આગળ જવા દીધી. મેં કમિશનરની ઓફિસ આગળ મોટર રોકાવી ને હું તેની પાસે પોલીસની વર્તણૂકને સારુ ફરિયાદ કરવા ઊતર્યો.

(૧) * અહીં ’ઠાકુરદ્વાર’ને બદલે ’માધવબાગ’ વાંચવું. એ વખતે ગાંધીજીની સાથે રહેનારા શ્રી મથુરદાસ ત્રિકમજીએ ભૂલ સુધરાવી હતી.


That Memorable Week! – I


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: