Daily Archives: 15/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૦. એ અદ્‌ભુત દૃશ્ય !

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


રૉલેટ કમિટીના રિપોર્ટ સામે એક તરફથી આંદોલન વધતું ચાલ્યું, બીજી તરફથી સરકાર કમિટીની ભલામણોનો અમલ કરવા મક્કમ થતી ચાલી. રૉલેટ બીલ પ્રગટ થયું. હું એક જ વાર ધારાસભાની બેઠકમાં ગયો છું. રૉલેટ બિલની ચર્ચા સાંભળવા ગયો. શાસ્ત્રીજીએ પોતાનું ધગધગતું ભાષણ કર્યું, સરકારને ચેતવણી આપી. શાસ્ત્રીજીનો વચનપ્રવાહ ચાલી રહ્યો હતો ત્યારે વાઇસરૉય તેમના તરફ તાકી રહ્યા હતા. મને તો લાગ્યું કે, આ ભાષણની તેમના મન ઉપર અસર થઈ હશે. શાસ્ત્રીજી લાગણીથી ઊભરાઈ જતા હતા.

પણ ઊંઘતાને માણસ જગાડી શકે; જાગતો ઊંઘે તેના કાનમાં ઢોલ વગાડૉ તોયે તે શાને સાંભળે ? ધારાસભામાં બિલો ચર્ચવાનું ફારસ તો કરવું જ જોઈએ. સરકારે તે ભજવ્યું. પણ તેને જે કામ કરવું હતું તેનો નિશ્ચય તો થઈ જ ચૂક્યો હતો, એટલે શાસ્ત્રીજીની ચેતવણી નિરર્થક નીવડી.

મારીતૂતીનો અવાજ તો કોણ જ સાંભળે ? મેં વાઇસરૉયને મળીને ખૂબ વીનવ્યા, ખાનગી કાગળો લખ્યા, જાહેર કાગળો લખ્યા. સત્યાગ્રહ સિવાય મારી પાસે બીજો માર્ગ નથી એ તેમાં સ્પષ્ટ જણાવ્યું. પણ બધું ફોગટ ગયું.

આમ ગડમથલ ચાલતી હતી તેવામાં ખબર આવ્યા કે બિલ કાયદા તરીકે ગૅઝેટમાં પ્રગટ થયું. આ ખબર પછીની રાતે વિચાર કરતો હું સૂતો. સવારના વહેલો ઊઠી નીકળ્યો. અર્ધનિદ્રા હશે ને સ્વપ્નામાં વિચાર સૂઝ્યો. સવારના પહોરમાં મેં રાજગોપાલાચાર્યને બોલાવ્યા ને વાત કરી.

‘મને રાતની સ્વપ્નાવસ્થામાં વિચાર આવ્યો કે, આ કાયદાના જવાબમાં આપણે આખા દેશને હડતાળ પાડવાનું સૂચવવું. સત્યાગ્રહ આત્મશુદ્ધિની લડત છે. ધર્મકાર્ય શુદ્ધિથી શરૂ કરવું ઠીક લાગે છે. તે દિવસે સહુ ઉપવાસ કરે ને કામધ્ંધો બંધ કરે. મુસલમાન ભાઈઓ રોજા ઉપરાંત વધારે ઉપવાસ નહીં રાખે, એટલે ઉપવાસ ચોવીસ કલાકના રાખવાની ભલામણ કરવી.

આ સૂચના રાજગોપાલાચાર્યને ખૂબ ગમી. પછી બીજા મિત્રોને તુરત જણાવી. સહુએ વધાવી લીધી. એક નાનકડી નોટિસ મેં ઘડી કાઢી. પ્રથમ ૧૯૧૯ના માર્ચની ૩૦મી તારીખ નાખવામાં આવી હતી, પછી ૬ઠ્ઠી ઍપ્રિલ કરવામાં આવી. લોકોને ખબર ઘણા જ થોડા દિવસની આપવામાં આવી હતી. કાર્ય તુરત કરવાની આવશ્યકતા માનવાથી તૈયારીને સારુ લાંબી મુદ્દત આપવાનો વખત જ નહોતો.

પણ કોણ જાણે કેમ, આખું ગોઠવાઈ ગયું ! આખા હિંદુસ્તાનમાં-શહેરોમાં ને ગામડામાં-હડતાળ પડી. આ દશ્ય ભવ્ય હતું.


That Wonderful Spectacle !


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.