Daily Archives: 12/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૨૭. રંગરૂટની ભરતી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


સભામાં હું હાજર થયો. વાઈસરૉયની તીવ્ર ઈચ્છા હતી કે મારે સિપાહીને મદદના ઠરાવને ટેકો આપવો. મેં હિંદી-હિંદુસ્તાનીમાં બોલવાની માંગણી કરી. વાઈસરૉયે તે સ્વીકારી, પણ સાથે જ અંગ્રેજીમાં બોલવાનું સૂચવ્યું. મારે તો ભાષણ કરવું જ નહોતું. હું જે બોલ્યો તે આટલું જ હતું: ‘મને મારી જવાબદારીનું પૂરતું ભાન છે, ને તે જવાબદારી સમજતો છતો હું આ ઠરાવને ટેકો આપું છું.’

મને હિંદુસ્તાનીમાં બોલવા સારુ ઘણાએ ધન્યવાદ આપ્યા. તેઓ કહેતા હતા કે, વાઈસરૉયની સભામાં આ કાળમાં હિંદુસ્તાનીમાં બોલવાનો આ પહેલો દાખલો હતો. ધન્યવાદ અને પહેલો દાખલો હોવાની ખબર ખૂંચ્યા. હું શરમાયો. આપણા જ દેશમાં, દેશને લાગતા કામની સભામાં દેશની ભાષાનો બહિષ્કાર કે તેની અવગણના એ કેવી દુઃખની વાત! અને મારા જેવા કોઈ હિંદુસ્તાનીમાં એક બે વાક્ય બોલે તો તેમાં ધન્યવાદ શા? આવા પ્રસંગો આપણી પડતી દશાનું ભાન કરાવનારા છે.

મેં વાઈસરૉયને કાગળ લખ્યો તેમાં લોકમાન્ય તિલક, અલીભાઈઓ વગેરે નેતાઓની ગેરહાજરી વિષે મારો શોક જાહેર કર્યો, લોકોની રાજ્ય પ્રકરણી માગણીનો ને લડાઈમાંથી ઉત્પન્ન થતી મુસલમાનોની માગણીઓનો ઉલ્લેખ કર્યો. આ કાગળ છાપવાની મેં રજા માગી તે વાઈસરૉયે ખુશીથી આપી.

આ કાગળ સિમલા મોકલવાનો હતો, કેમકે સભા પૂરી થતાં વાઈસરૉય તો સિમલા પહોંચી ગયાં હતાં.

મારી બીજી જવાબદારી રંગરૂટની ભરતી કરવાની હતી.

જે જે ગામ જતા ત્યાં સભા ભરતા. લોકો આવતા, પણ ભરતીમાં નામ તો માંડ એક બે મળે. ‘ તમે અહિંસાવાદી એક અમને હથિયાર લેવાનું કહો છો?’ ‘સરકારે હિંદનું શું ભલું કર્યું છે કે તમે મને મદદ દેવાનું કહો છો?’ આવા અનેક જાતના પ્રશ્નો મારી આગળ મુકાતા.

આમ છતાં ધીમે ધીમે અમારા સતત કાર્યની અસર લોકો ઉપર થવા લાગી હતી. નામો પ્રમાણમાં ઠીક નોંધાવા લાગ્યાં, ને જો પહેલી ટુકડી નીકળી પડે તો બીજાને સારુ માર્ગ ખુલ્લો થશે એમ અમે માનતા થયા.

રંગરૂટની ભરતીને અંગે મેં પત્રિકા કાઢી હતી તેમાં ભરતીમાં અવવાના નિમંત્રણમાં એક દલીલ હતી તે કમિશનરને ખૂંચી હતી. તેનો સાર આ હતો: ‘બ્રિટિશ રાજ્યના ઘણા અપકૃત્યોમાંથી આખી પ્રજાને શસ્ત્રરહિત કરવાના કાયદાને ઈતિહાસ તેનું કાળામાં કાળું કામ ગણશે. આ કાયદો રદ કરાવવો હોય અને શસ્ત્રનો ઉપયોગ શીખવો હોય તો આ સુવર્ણ તક છે.

ઉપર જે કાગળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો સાર નીચે આપવામાં આવે છે:

યુદ્ધ પરિષદમાં હાજરે આપવા વિષે મને આનાકાની હતી, પણ એ આપને મળ્યા પછી દૂર થઈ છે,અને તેનું એક કારણ એ અવશ્ય હતું કે, આપના પ્રત્યે મને બહુ આદર છે.


Recruiting Campaign


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.