Daily Archives: 09/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૪૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૨૪. ’ડુંગળીચોર’

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ચંપારણ હિંદુસ્તાનના એવા ખૂણામઆં આવ્યું હતું ને ત્યાંની લડતને છાપાં બહાર એવી રીતે રાખી શકાઈ હતી કે ત્યાં બહારથી જોનારા આવતા નહોતા. ખેડાની લડત છાપે ચડી ચૂકી હતી.

પાટીદારોને સારુ પણ આ લડત નવી હતી. ગામેગામ ફરીને તેનું રહસ્ય સમજાવવું પડતું. અમલદારો પ્રજાના શેઠ નથી પણ નોકર છે, પ્રજાના પૈસામાંથી તેઓ પગાર ખાનારા છે, એ સમજાવી તેમનો ભય દૂર કરવાનું કામ મુખ્ય હતું. અને નિર્ભય થતાં છતાં વિનય જાળવવાનું બતાવવું ને ગળે ઉતારવું લગભગ અશક્ય જેવું લાગતું હતું. અમલદારોનો ડર છોડ્યાં પછી તેમણે કરેલાં અપમાનોનો બદલો વાળવાનું મન કોને ન થાય? છતાં સત્યાગ્રહી અવિનયી થાય એ તો દૂધમાં ઝેર પડ્યાં સમાન ગણાય. વિનયનો પાઠ પાટીદારો પૂરો નહોતો ભણી શક્યા એ પાછળથી હું વધારે સમજ્યો. અનુભવે જોઉં છું કે, વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માન પૂર્વક વચન ઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન.

ડરી ગયેલાઓને પ્રોત્સાહન દેવા સારુ, એક અયોગ્ય રીતે જપ્ત થયેલા ખેતરનો તૈયાર થયેલો ડુંગળીનો પાક હતો, તે મોહનલાલ પંડ્યાની આગેવાની નીચે ઉતારવાની મેં સલાહ આપી. સત્યાગ્રહથી અવરોધે એવી રીતે કોઈના જેલ ગયા વિના ખેડાની લડત પૂરી થાયે એ તેમને ન ગમતી વાત હતી. તેમણે આ ખેતરની ડુંગળી ઉતારવાનું બીડું ઝડપ્યું. તેમને સાત આઠ જણે સાથ આપ્યો.

સરકાર તેમને પકડ્યા વિના કેમ રહે? મોહનલાલ પંડ્યાને તેમના સાથીઓ પકડાયા એટલે લોકોનો ઉત્સાહ વધ્યો. જ્યાં લોકો જેલ ઈત્યાદિને વિષે નિર્ભય બને છે ત્યાં રાજદંડ લોકોને દબાવવાને બદલે તેમને શૌર્ય આપે છે.

જેલીઓને વળાવવા સરઘસ ગયુ, ને તે દિવસથી મોહનલાલ પંડ્યા ‘ડુંગળીચોર’ નો માનીતો ઈલકાબ લોકો પાસેથી પામ્યા તે આજ લગી તેઓ ભોગવે છે. આ લડતનો કેવો અને કઈ રીતે અંત આવ્યો એ વર્ણવીને ખેડા પ્રકરણ પુરું કરીશું.


‘The Onion Thief’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.