Daily Archives: 07/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૪૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૨૨. ઉપવાસ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મજૂરોએ પહેલાં બે અઠવાડિયાં ખૂબ હિંમત બતાવી; શાંતિ પણ ખૂબ જાળવી; રોજની સભામાં ખૂબ સંખ્યામાં હાજરી આપી. રોજ પ્રતિજ્ઞાનું સ્મરણ તેમને હું કરાવતો. ‘અમે મરશું, પણ અમારી એક ટેક કદી નહીં છોડીએ,’ એમ રોજ તેઓ પોકારી પોકારીને કહેતા.

પણ છેવટે તેઓ મોળા પડતા લાગ્યા, ને નબળો આદમી જેમ હિંસક હોય છે તેમ નબળા પડ્યા તે જેઓ મિલમાં જતા તેમનો દ્વેષ કરવા લાગ્યા, ને કદાચ કોઈની ઉપર બળાત્કાર વાપરશે એવી મને બીક લાગી.

સવારનો પહોર હતો. હું સભામાં હતો. મને કંઈ ખબર નહોતી કે મારે શું કરવું છે. પણ સભામાં જ મારાથી કહેવાઈ ગયું, ‘જો મજૂરો પાછા સજ્જ ન થાય ને નિકાલ ન થાય ત્યાં લગી હડતાળ નિભાવી ન શકે તો અને ત્યાં લગી મારે ઉપવાસ કરવો છે.’

હાજર રહેલા મજૂરો હેબતાઈ ગયા, અનસૂયાબહેનની આંખમાંથી આંસુની ધારા ચાલી. મજૂરો બોલી ઊઠ્યા, ‘તમે નહીં, અમે ઉપવાસ કરીશું, પણ તમારાથી ઉપવાસ થાય નહીં. અમને માફ કરો, અમારી ટેક પાળશું.’

મેં કહ્યું, ‘તમારે ઉપવાસ કરવાની જરૂર નથી. તમે તમારી પ્રતિજ્ઞાનું પાલન કરો એટલે બસ છે. આપણી પાસે પૈસા નથી. આપણે મજૂરોને ભિક્ષાન્ન ખવડાવી હડતાળ નથી ચલાવવી. તમે કંઈક મજ્રૂરી કરો ને તમારી રોજની રોટી જેટલા પૈસા મેળવો એટલે હડતાળ ગમે તેટલી ચાલે તો પણ તમે નિશ્ચિંત રહી શકો. મારો ઉપવાસ હવે નિકાલ પહેલાં ન છૂટે.’

માલિકોને મેં સમજાવ્યા, ‘મારા ઉપવાસથી તમારે તમારો માર્ગ છોડવાની જરાયે જરૂર નથી.’ તેમણે મને કડવાંમીઠા મહેણાં પણ માર્યાં. તેમ કરવાનો તેમને અધિકાર હતો.

શેઠ અંબાલાલ આ હડતાળની સામે મક્કમ રહેવામાં અગ્રેસર હતા. તેમની દૃઢતા આશ્ચર્ય પમાડનારી હતી. તેમની નિખાલસતા પણ મને તેટલી જ ગમી. તેમની સામે લડવું મને પ્રિય લાગ્યું. એમના જેવા અગ્રેસર જ્યાં વિરોધી પક્ષમાં હતા ત્યાં ઉપવાસની તેમની ઉપર પડનારી આડી અસર મને ખૂંચી. વળી તેમનાં ધર્મપત્ની શ્રી સરલાદેવીનો મારા પ્રત્યે સગી બહેનના જેટલો પ્રેમ હતો. મારા ઉપવાસથી તેમને થતી અકળામણ મારાથી જોઈ જતી નહોતી.

મારા પહેલા ઉપવાસમાં તો અનસૂયાબહેન, બીજા ઘણા મિત્રો ને મજૂરો સાથી થયા. તેમને વધારે ઉપવાસ ન કરવા હું મુશ્કેલીથી સમજાવી શક્યો. આમ ચોમેર વાતાવરણ પ્રેમમય બની ગયું. માલિકો કેવળ દયાને વશ થઈ સમાધાની કરવાના રસ્તા શોધવા લાગ્યા. અનસૂયાબહેનને ત્યાં તેમની મસલતો ચાલવા લાગી. શ્રી આનંદશંકર ધ્રુવ પણ વચમાં પડ્યા. છેવટે તેઓ પંચ નિમાયા અને હડતાળ છૂટી.

એક રસિક તેમ જ કરુણાજનક બનાવની નોંધ અહીં લેવી ઘટે છે. માલિકોએ તૈયાર કરાવેલી મીઠાઈ પુષ્કળ હતી, અને તે હજારો મજૂરોમાં કઈ રીતે વહેંચવી એ સવાલ થઈ પડ્યો હતો. ભીડ, ઘોંઘાટ ને હુમલો એવાં થયાં કે કેટલીક મીઠાઈ કચરાઈ બરબાદ ગઈ. મેદાનમાં વહેંચવાનું બંધ કરવું પડ્યું, ને મુશ્કેલીથી રહેલી મીઠાઈને બચાવીને શેઠ અંબાલાલના મિરજાપુરને બંગલે પહોંચાડી શક્યા. આ મીઠાઈ બીજે દહાડે બંગલાના મેદાનમાં જ વહેંચવી પડી.

આમાં રહેલો હાસ્યરસ સ્પષ્ટ છે. ‘એક ટેક’ના ઝાડ પાસે મીઠાઈ ન વહેંચી શકાઈ તેનું કારણ શોધતાં એમ જોવામાં આવ્યું કે, મીઠાઈ વહેંચવાની છે એ જાણવાથી અમદાવાદના ભિખારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા, ને તેમણે કતારો તોડી મીઠાઈ ઝડપવાના પ્રયત્નો કરેલા. આ કરૂણરસ હતો.

આ દેશ ભૂખમરાથી એવો પીડાય છે કે, ભિખારીઓની સંખ્યા વધતી જાય છે ને તેઓ ખાવાનું મેળવવાને સારુ સામાન્ય મર્યાદાનો લોપ કરે છે. ધનિક લોકો વગરવિચારે, આવા ભિખારીઓને સારુ કામ શોધી આપવાને બદલે તેમને ભિક્ષા આપી પોષે છે.


The Fast


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.