Daily Archives: 06/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૪૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૨૧. આશ્રમની ઝાંખી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મજૂરના કારણને આગળ ચલાવતા પહેલાં આશ્રમની ઝાંખી કરી લેવાની આવશ્યકતા છે.

કોચરબ અમદાવાદની પાસેનું નાનકડું ગામડું છે. અને આશ્રમનું સ્થાન એ ગામમાં હતું. કોચરબમાં મરકીએ દેખાવ દીધો. બાળકોને હું તે વસ્તીની મધ્યે સુરક્ષિત નહોતો રાખી શકતો. સ્વચ્છતાના નિયમો ગમે તેટલા સાવધાનીથી પાળાતાં છતાં, આસપાસની અસ્વચ્છતાથી આશ્રમને અલિપ્ત રાખવું અસંભવિત હતું.

મરકીને મેં કોચરબ છોડવાની નોટિસરૂપે ગણી. શ્રી પૂંજાભાઈ હીરાચંદ આશ્રમની સાથે ઘણો નિકટનો સંબંધ રાખતા, ને આશ્રમની ઝીણીમોટી સેવા શુદ્ધ, નિરભિમાન ભાવે કરતા. હાલ જ્યાં આશ્રમ છે તે જમીન તેઓ શોધી લાવ્યા. તે જેલની નજદીક છે એ મારે સારુ ખાસ પ્રલોભન હતું. સત્યાગ્રહ આશ્રમવાસીને કપાળે જેલ તો લખી જ હોય એવી માન્યતા હોવાથી જેલનો પડોશ ગમ્યો. એટલું તો હું જાણતો હતો કે, હંમેશાં જેલનું સ્થાન જ્યાં આસપાસ સ્વચ્છ જગ્યા હોય તેવે ઠેકાણે શોધવામાં આવે છે.

આ વખતે આશ્રમની વસ્તી વધી હતી. આશરે ચાળીસ નાનાં મોટાં સ્ત્રીપુરુષો હતાં. બધાં એક જ રસોડે જમતાં હતાં એટલી સગવડ હતી.

સ્થાયી મકાન બન્યા પહેલાંની અગવડોનો પાર નહોતો.

હિંસક જીવોને ન મારવાના નિયમનું યથાશક્તિ પાલન ફિનિક્સ, ટૉલ્સ્ટૉય ફાર્મ અને સાબરમતી ત્રણે જગ્યાએ કર્યું છે. ત્રણે જગ્યાએ અવાવરુ જમીનમાં વસવાટ કરવો પડ્યો છે. ત્રણે જગ્યાએ સર્પાદિનો ઉપદ્રવ સારો ગણાય. એમ છતાં હજુ લગી એક પણ જાન ખોવી નથી પડી, તેમાં મારા જેવા શ્રદ્ધાળુ તો ઈશ્વરનો હાથ, તેની કૃપા જ જુએ છે. ઈશ્વર પક્ષપાત ન કરે, મનુષ્યના રોજના કામમાં હાથ ઘાલવા તે નવરો નથી બેઠો, એવી નિરર્થક શંકા કોઈ ન કરે. આ વસ્તુને, અનુભવે બીજી ભાષામાં મૂકતાં મને આવડતું નથી. લૌકિક ભાષામાં ઈશ્વરની કૃતિને મૂકતા છતાં હું જાણું છું કે તેનું ‘કાર્ય’ અવર્ણનીય છે. પણ જો પામર મનુષ્ય વર્ણન કરે તો તેની પાસે તો પોતાની તોતલી બોલી જ હોય. સામાન્ય રીતે સર્પાદિને ન મારતા છતાં સમાજે પચીસ વર્ષ લગી બચ્યાં રહેવું, તેને અકસ્માત માનવાને બદલે ઈશ્વરકૃપા માનવી એ વહેમ હોય તો તે વહેમ પણ સંઘરવા લાયક છે.

જ્યારે મજૂરોની હડતાળ પડી ત્યારે આશ્રમનો પાયો ચણાઈ રહ્યો હતો.


A Peep Into The Ashram


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.