Daily Archives: 05/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૪૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૨૦. મજૂરોનો સંબંધ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


હજુ ચંપારણમાં હું કમિટીનું કામ આટોપી રહ્યો હતો તેવામાં ખેડાથી મોહનલાલ પંડ્યાનો ને શંકરલાલ પરીખનો કાગળ ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસૂલમાફી બાબત મળ્યો. ત્યાં જઈ લોકોને દોરવાનો તેમણે આગ્રહ કર્યો. સ્થાનિક તપાસ કર્યા વિના કંઈ સલાહ આપવાની નહોતી ઈચ્છા, નહોતી મારી શક્તિ કે હિંમત.

બીજી તરફથી શ્રી અનસૂયાબાઈનો કાગળ તેમના મજૂરસંઘ બાબત હતો. મજૂરોના પગાર ટૂંકા હતા. તેમની પગાર વધારવાની લાંબા કાળની માગણી હતી, આ બાબત તેમને દોરવાની મને હોંશ હતી.

અમદાવાદ પહોંચ્યા પછી એવાં કામો નીકળી પડ્યાં કે મારાથી ચંપારણ કેટલાક કાળ સુધી જઈ ન શકાયું, ને જે નિશાળો ચાલતી હતી તે એક પછી એક પડી ભાંગી. સાથીઓએ અને મેં કેટલાયે હવાઈ કિલ્લા બાંધ્યા હતા, પણ ઘડીભર તો તે તૂટી પડ્યા.

જ્યારે જ્યારે ચંપારણ જાઉં છું ત્યારે ત્યારે આ અગત્યનાં અધૂરાં રહેલાં કામોનું સ્મરણ કરી નિ:શ્વાસ મૂકું છું, ને તે અધૂરાં મેલવા સારુ મારવાડી ભાઈઓ અને બિહારીઓનો મીઠો ઠપકો સાંભળું છું.

નિશાળોનું કામ તો એક નહીં તો બીજી રીતે બીજી જગ્યાઓમાં ચાલે છે. પણ ગોસેવાના કાર્યક્રમે જડ જ નહોતી ઘાલી, એટલે તેને જોઈતી દિશામાં ગતિ ન મળી શકી.

અમદાવાદમાં ખેડાના કામ વિષે મસલત ચાલી રહી હતી તે દરમ્યાન મજૂરોનું કામ મેં હાથ ધરી લીધું હતું.

મારી સ્થિતિ અતિશય નાજુક હતી. મજૂરોનો કેસ મને મજબૂત જણાયો. શ્રી અનસૂયાબાઈને પોતાના સગા ભાઈની જોડે લડવાનું હતું. મજૂરો અને માલિકોની વચ્ચેના આ દારુણ યુદ્ધમાં શ્રી અંબાલાલ સારાભાઈએ મુખ્ય ભાગ લીધો હતો. મિલમાલિકો સાથે મારો સંબંધ મીઠો હતો, તેમની સામે લડવું એ વિષમ કામ હતું. તેમની સાથે મસલતો કરી તેમને મજૂરોની માગણી વિષે પંચ નીમવા વીનવ્યા. પણ માલિકોએ પોતાની અને મજૂરોની વચ્ચે પંચની દરમ્યાનગીરી હોવાની યોગ્યતાનો સ્વીકાર ન કર્યો.

મજૂરોને મેં હડતાલ પાડવાની સલાહ આપી. તેમને હડતાળની શરતો સમજાવી:

1. શાંતિનો ભંગ ન જ કરવો.
2. જે કામે ચડવા માગે તેના ઉપર બળાત્કાર ન કરવો.
3. મજૂરોએ ભિક્ષાન્ન ન ખાવું.
4. હડતાળ ગમે તેટલી લંબાય તોયે તેમણે દૃઢ રહેવું, ને પોતાનો પૈસો ખૂટે તો બીજી મજૂરી મેળવી ખાવાજોગું કમાવું.

આ શરતો આગેવાનો સમજ્યા ને તેમણે કબૂલ રાખી.

આ હડતાળ દરમ્યાન શ્રી વલ્લભભાઈ અને શ્રી શંકરલાલ બૅંકરને હું ખરી રીતે ઓળખતો થયો કહેવાઉં. શ્રી અનસૂયાબાઈનો પરિચય મને તેની પૂર્વે જ સારી રીતે થઈ ચૂક્યો હતો.

હડતાળિયાઓની સભા રોજ નદીકિનારે એક ઝાડની છાયા નીચે ભરાવા લાગી. તેમાં તેઓ સેંકડોની સંખ્યામાં રોજ હાજરી પૂરતા હતા. પ્રતિજ્ઞાનું હું તેમને રોજ સ્મરણ કરાવતો; શાંતિ જાળવવાની, સ્વમાન સંઘરવાની આવશ્યકતા સમજાવતો હતો. તેઓ પોતાનો ‘એક ટેક’નો વાવટો લઈ રોજ શહેરમાં ફરતા ને સરઘસરૂપે સભામાં હાજર થતા.

આ હડતાળ એકવીસ દિવસ ચાલી.


In Touch With Labour


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.