Daily Archives: 31/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૪૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૫. કેસ ખેંચાયો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


કેસ ચાલ્યો. સરકારી વકીલ, મૅજીસ્ટ્રેટ વગેરે ગભરાયેલા હતા. શું કરવું તે તેમને સૂઝતું નહોતું. સરકારી વકીલ સુનાવણી મુલતવી રાખવાની માગણી કરી રહ્યો હતો. હું વચ્ચે પડ્યો ને મેં વિનંતી કરી કે મુલતવી રાખવાની કશી જરૂર નથી, કેમ કે મારે ચંપારણ છોડવાની નોટિસનો અનાદર કર્યાનો ગુનો કબૂલ કરવો છે. એમ કહીને મેં બહુ જ નાનકડું બયાન તૈયાર કર્યું હતું તે વાંચી ગયો. તે આ પ્રમાણે હતું :

’ફોજદારી કામ ચલાવવાની રીતના કાયદાની ૧૪૪મી કલમ મુજબ કરેલા હુકમનો દેખીતો અનાદર કરવાનું ગંભીર પગલું મારે કેમ લેવું પડ્યું તે વિષે ટૂંકું બયાન અદાલતની પરવાનગીથી રજૂ કરવા ઇચ્છું છું.’

હવે કેસની સુનાવણી મુલતવી રાખવાપણું તો ન રહ્યું.

હું કલેક્ટર મિ. હેકોકને મળ્યો. તે પોતે ભલો ને ઇન્સાફ કરવા તત્પર જણાયો. જે કાગળિયાં કે બીજું કંઈ જોવું હોય તે માગી લેવાનું, ને જ્યારે તેને મળવું હોય ત્યારે મળવાનું તેણે જણાવ્યું.

બીજી તરફથી આખા હિંદુસ્તાનને સત્યાગ્રહનો અથવા કાયદાના સવિનય ભંગનો પહેલો સ્થાનિક પદાર્થપાઠ મળ્યો. છાપામાં વાત ખૂબ ચર્ચાઈ ને ચંપારણને તથા મારી તપાસને અણધારેલું જાહેરનામું મળ્યું.

મારી તપાસને સારુ જોકે સરકાર તરફથી નિષ્પક્ષપાતતાની મને જરૂર હતી, છતાં છાપાંની ચર્ચાની અને તેમના ખબરપત્રીઓની જરૂર નહોતી, એટલું જ નહીં પણ તેમની અતિશય ટીકા અને તપાસના મોટા રિપોર્ટોથી હાનિ થવાનો ભય હતો. તેથી મેં મુખ્ય છાપાંના અધિપતિઓને વિનંતી કરી હતી કે તેમણે રિપોર્ટરોને મોકલવાના ખર્ચમાં ન ઊતરવું. જેટલું છાપવાની જરૂર હશે તેટલું હું મોકલતો રહીશ ને તેમને ખબર આપતો રહીશ.

ચંપારણના નીલવરો ખૂબ ખિજાયા હતા એ હું સમજતો હતો; અમલદારો પણ મનમાં રાજી ન હોય એ હું સમજતો હતો.

બ્રજકિશોરબાબુની અનેક પ્રકારે નિંદા કરવામાં નીલવરોએ જરાયે કચાશ ન રાખી. પણ જેમ જેમ તેમની નિંદા કરતા ગયા તેમ તેમ બ્રજકિશોરબાબુની પ્રતિષ્ઠા વધતી ગઈ.

આવી નાજુક સ્થિતિમાં રિપોર્ટરોને આવવામાં મેં મુદ્દલ ઉત્તેજન ન આપ્યું. આગેવાનોને ન બોલાવ્યા. માલવીયાજીએ મને કહેવડાવી મૂક્યું હતું :-’જ્યારે જરૂર હોય ત્યારે બોલાવજો. હું આવવા તૈયાર છું.’ તેમને પણ તસ્દી ન આપી. લડતને રાજ્યપ્રકરણી સ્વરૂપ કદી પકડવા ન દીધું. જે બનતું હતું તેને વિષે પ્રસંગોપાત્ત રિપોર્ટ હું મુખ્ય પત્રોને મોકલ્યા કરતો હતો. રાજ્યપ્રકરણી કામ કરવાને સારુ પણ, જ્યાં રાજ્યપ્રકરણનો અવકાશ ન હોય ત્યાં રાજ્યપ્રકરણનું સ્વરૂપ આપવાથી, બાવાનાં બંને બગડે છે, અને આમ વિષયનું સ્થાનાંતર ન કરવાથી બંને સુધરે છે, એમ મેં પુષ્કળ અનુભવે જોઈ લીધું હતું. શુદ્ધ લોકસેવામાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે રાજ્યપ્રકરણ રહેલું જ છે, એ ચંપારણની લડત સિદ્ધ કરી રહી હતી.


Case Withdrawn


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

ચંપારણ અને આગળ (ગાંધી ગૌરવ) – યોગેશ્વરજી

Champaran


ગાંધીગૌરવમાંથી સાભાર


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.