Daily Archives: 30/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર ?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મારે તો ખેડુતોની હાલતની તપાસ કરવી હતી. ગળીના માલિકોની સામે જે ફરિયાદો હતી તેમાં કેટલું સત્ય છે તે જોવું આ કામને અંગે હજારો ખેડૂતોને મળવું જોઇએ. પણ તેમની સાથે આમ સંબંધમાં આવ્યા પહેલાં ગળીના માલિકોની વાત સાંભળવાની ને કમિશ્નરને મળવાની મેં આવશ્યકતા જોઇ. બંનેને ચિઠ્ઠી લખી.

સાથીઓને લઇને હું તે જ દિવસે મોતીહારી જવા ઊપડયો. મોતીહારીમાં ગોરખબાબુએ આશ્રમ આપ્યો ને તેમનું ઘર ધર્મશાળા થઇ પડયું.અમે બધા માંડ માંડ તેમાં સમાઇ શકતા હતા. જે દિવસે પહોંચ્યા તે જ દિવસે સાંભળ્યુ કે મોતીહારીથી પાંચેક માઇલ દૂર એક ખેડૂત રહેતો હતો તેની ઉપર અત્યાચાર થયા હતા. તેને જોવા મારે ધરણીધરપ્રસાદ વકીલને લઈને સવારે જવું, આવો નિશ્વય કર્યો. અમે સવારે હાથી ઉપર સવારી કરીને નીકળી પડયા. ચંપારણમાં હાથીનો ઉપયોગ જેમ ગુજરાતમાં ગાડાનો થાય છે એમ લગભગ થાય છે. અધેં રસ્તે પહોંચ્યા ત્યાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો માણસ આવી પહોંચ્યો ને મને કહ્યું : ‘તમને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ સલામ દેવડાવે છે.’ હું સમજ્યો. ધરણીધરબાબુને મેં આગળ જવાનું કહ્યું. હું પેલા જાસૂસની સાથે તેણે ભાડે લીધેલી ગાડીમાં બેઠો. તેણે ચંપારણ છોડવાની નોટિસ મને આપી. મને ઘેર લઇ ગયા ને મારી સહી માગી. મેં જવાબ લખી આપ્યો કે, હું ચંપારણ છોડવા ઇચ્છતો નથી, ને મારે તો આગળ વધવું છે ને તપાસ કરવી છે. બહિષ્કારના હુકમનો અનાદર કરવા સારુ બીજે જ દિવસે કોર્ટમાં હાજર રહેવાનો સમન મળ્યો.

આખી રાત જાગીને મેં મારે જે કાગળો લખવાના હતા તે લખ્યા, ને જે જે સૂચનાઓ આપવી હતી તે બ્રજકિશોરબાબુને આપી.

યાદ રાખવાનું છે કે ચંપારણમાં મને કોઇ ઓળખતું નહોતું. ખેડૂતવર્ગ સાવ અભણ હતો. ચંપારણ ગંગાને પેલે પાર છેક હિમાલયની તળેટીએ નેપાળની નજીકનો પ્રદેશ, એટલે નવી દુનિયા. અહીં મહાસભાનું નામ ન મળે. મહાસભાના કોઇ સભ્યો ન મળે. જેમણે નામ સાંભળ્યું હોય તે નામ લેતાં કે તેમાં ભળતાં ડરે. આજે મહાસભાના નામ વિના મહાસભાએ ને મહાસભાના સેવકોએ પ્રવેશ કર્યો, ને મહાસભાની આણ વતીં.

રાજકુમારશુકલમાં હજારો લોકોમાં પ્રવેશ કરવાની શક્તિ નહોતી. તેમનામાં કોઇએ આજ લગી રાજ્યપ્રકરણી કામ કર્યું જ નહોતું. ચંપારણની બહારની દુનિયાને તેઓ જાણતા નહોતા. છતાં તેઓનો અને મારો મેળાપ જૂના મિત્રો જેવો લાગ્યો. તેથી મેં ઇશ્વરનો, અહિસાનો અને સત્યનો સાક્ષાત્કાર કર્યો, એમ કહેવામાં અતિશયોક્તિ નથી, પણ અક્ષરશ: સત્ય છે. એ સાક્ષાત્કારનો મારો અધિકાર તપાસું છું તો મને લોકો પ્રત્યેના પ્રેમ સિવાય કંઇ જ નથી મળતું. આ પ્રેમ તે પ્રેમ અથવા અહિંસાને વિષે રહેલી મારી અચલિત શ્રધ્દ્રા.

ચંપારણનો આ દિવસ મારા જીવનમાં કદી ન ભુલાય એવો હતો. આ મારે સારુ ને ખેડુતોને સારુ એક ઉત્સવનો દિવસ હતો. સરકારી કાયદા પ્રમાણે મુકદમો મારી સામે ચાલવાનો હતો. પણ ખરું જોતાં તો મુકદમો સરકારની સામે હતો. કમિશનરે મારી સામે રચેલી જાળમાં તેણે સરકારને ફસાવી.


Face To Face With Ahimsa


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.