Daily Archives: 29/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૩. બિહારી સરળતા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મૌલાના મજહરુલ હક્ક અને હું એક વખત લંડનમાં ભણતા. ત્યાર બાદ અમે મુંબઇમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જુની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જ્ણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઇ જવાનો આગ્રહ કર્યો. મેં તેમનો ઉપકાર માન્યો ને મારે જ્યાં જવાનું હતું ત્યા મને પહેલી ટ્રેનથી રવાના કરી દેવાનું કહ્યું. રેલવે ગાઇડથી મને ખબર પડી શકે તેમ નહોતું. તેમણે રાજકુમાર શુક્લ સાથે વાત કરી ને મારે પ્રથમ તો મુઝફ્ફરપુર જવું જોઇએ એમ સૂચવ્યું.

કૃપલાનીજીએ બિહારની અને તેમાંય તિરહુત વિભાગની દીન દશાની વાત કરી ને મારા કામની કઠણાઇનો ખ્યાલ આપ્યો.

હું ગયાબાબુને ત્યાં ગયો. તેમણે અને તેમનાં કુટુંબીજનોએ મને પ્રેમથી નવરાવ્યો.

બ્રજકિશોરબાબું દરભંગાથી આવ્યા. રાજેન્દ્રબાબુ પુરીથી આવ્યા. અહીં જોયા તે લખનૌના બ્રજકિશોરપ્રસાદ નહીં. તેમનામાં બિહારીની નમ્રતા, સાદાઇ, ભલમનસાઇ, અસાધારણ શ્રદ્ધા જોઇને મારું હૈયું હર્ષથી ઊભરાઇ ગયું. બિહારી વકીલમંડળનું બ્રજકિશોરબાબુના પ્રત્યેનું માન જોઇ હું સાનંદાશ્ચર્ય પામ્યો.

આ મંડળ વચ્ચે ને મારી વચ્ચે જન્મની ગાંઠ બંધાઇ.

બ્રજકિશોરબાબુએ મને બધી હકીકતથી વાકેફ કર્યો. તેઓ ગરીબ ખેડુતોને સારુ કેસો લડતા. એવા બે કેસો ચાલી રહ્યા હતા. આવા કેસો કરી કંઇક વ્યક્તિગત આશ્વાસન મેળવતા. કોઇ વાર તેમાં પણ નિષ્ફળ જતા. આ ભોળા ખેડૂતોની પાસેથી ફિ તો લેતા જ. ત્યાગી છતાં બ્રજકિશોરબાબુ કે રાજેન્દ્રબાબુ ફિ લેવામાં સંકોચ ન રાખતા. ધંધા પરત્વે જો ફિ ન લે તો તેમનું ઘરખર્ચ ન ચાલે, ને તેઓ લોકોને મદદ પણ ન કરી શકે, એ દલીલ હતી. તેમની ફીના આંકડા અને બંગાળના ને બિહારના બારિસ્ટરોને અપાતી ફીના ન ધારી શકાય એવા આંકડા સાંભળી હું ગૂગળાઇ ગયો.

આ મિત્રમંડળે આ બાબતનો મારો મીઠો ઠપકો હેતપૂર્વક સાંભળ્યો. તેનો તેમણે ખોટો અર્થ ન કર્યો.

મેં કહ્યું : ‘આ કેસો વાંચ્યા પછી મારો અભિપ્રાય તો એવો છે કે આપણે આ કેસો કરવાનું હવે માંડી જ વાળવું.

અમે આ સંવાદમાં રાત ગાળી. મેં કહ્યું : મારે તમારી વકીલાતની શક્તિનો ઓછો ઉપયોગ પડશે. તમારા જેવાની પાસેથી હું તો લહિયાનું ને દુભાષિયાનું કામ માગું. આમાં જેલ જવાપણું પણ જોઉં છું. તમે તે જોખમમાં ઊતરો એ મને ગમે. પણ તેમાં ન ઊતરવું હોય તો ભલે ન ઊતરો. પણ વકીલ મટી લહિયા થવું ને તમારો ધંધો તમારે અનિશ્ચિત મુદતને સારુ પડતો મૂકવો, એ કંઇ હું ઓછું નથી માગતો. અહીની હિદી બોલી સમજતાં મને મુસીબત પડે છે. કાગળિયાં બધાં કૈથીમાં કે ઉર્દૂમાં લખેલાં હોય એ હું ન વાંચી શકું. આના તરજુમાની તમારી પાસેથી આશા રાખું. આ કામ પૈસા આપીને કરીએ તો પહૉચાય નહીં. આ બધું સેવાભાવથી ને વગર પૈસે થવું જોઇએ.’

બ્રજકિશોરબાબુ સમજ્યા, પણ તેમણે મારી તેમ જ પોતાના સાથીઓની ઊલટતપાસ ચલાવી. મારાં વચનોના ફલિતાર્થો પૂછયા. મારી અટકળ પ્રમાણે, કયાં લગી વકીલોએ ભોગ આપવો જોઇએ, કેટલા જોઇએ, થોડા થોડા થોડી થોડી મુદતને સારુ આવે તો ચાલે કે નહીં. વગેરે પ્રશ્નો મને પૂછયા. વકીલોને તેમની ત્યાગની કેટલી શક્તિ હતી તે પૂછયું.

છેવટે તેમણે આ નિશ્વય જણાવ્યો : ‘અમે આટલા જણ તમે જે કામ સોંપશો તે કરી દેવા તૈયાર રહીશું. એમાંના જેટલાને જે વખતે માગશો તેટલા તમારી પાસે રહેશે. જેલ જવાની વાત નવી છે. તે વિષે અમે શક્તિ મેળવવા કોશિશ કરશું.’


The Gentle Bihari


Categories: સત્યના પ્રયોગો | 3 Comments

Create a free website or blog at WordPress.com.