Daily Archives: 26/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૦. કસોટીએ ચડ્યા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી મને આશા નહોતી તેવી અમારી કસોટી થઈ. ભાઈ અમૃતલાલ ઠક્કરનો કાગળ મળ્યો: ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવી રહેવાની છે. તેને લેશો?’

હું ભડક્યો ખરો. ઠક્કરબાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી મેં મુદ્દલ આશા રાખી નહોતી. સાથીઓને કાગળ વંચાવ્યો. તેમણે વધાવ્યો. તે કુટુંબ આશ્રમના નિયમ પાળવા તૈયાર હોય તો તેને લેવાની તૈયારી ભાઈ અમૃતલાલ ઠક્કરને જણાવી.

દૂદાભાઈ, તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી લક્ષ્મી આવ્યાં. દૂદાભાઈ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. નિયમોનું પાલન કરવા તૈયાર હતા. તેમને આશ્રમમાં લીધા.

જે ભાઈએ આશ્રમના નિયમો પાળનારા અંત્યજોના પ્રવેશ વિશે પ્રથમથી જ શંકા કરી હતી તેમને તો આશ્રમમાં અંત્યજ દાખલ થવાની આશા જ નહોતી. પૈસાની મદદ બંધ પડી.

છેવટે મગનલાલે મને નોટિસ આપી: ‘આવતે મહિને આશ્રમખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી.’ મેં ધીરજથી જવાબ આપ્યો: ‘તો આપણે અંત્યજવાડે રહેવા જઈશું.’

મારી ઉપર આવી ભીડ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી દીધી છે.

મગનલાલે નોટિસ આપ્યા પછી તુરત જ એક સવારે કોઈ બાળકે ખબર આપ્યા: ‘બહાર મોટર ઊભી છે, ને એક શેઠ તમને બોલાવે છે.’ હું મોટર પાસે ગયો. શેઠે મને પૂછ્યું: ‘મારી ઇચ્છા આશ્રમને કંઈ મદદ દેવાની છે, તમે લેશો?’ મેં જવાબ આપ્યો: જો કંઈ આપો તો હું જરૂર લઉં. મારે કબૂલ કરવું જોઈએ કે અત્યારે હું ભીડમાં પણ છું.’

‘હું કાલે આ જ વેળાએ આવીશ ત્યારે તમે આશ્રમમાં હશો?’ મેં હા કહી ને શેઠ ગયા. બીજે દહાડે નીમેલે સમયે મોટરનું ભૂંગળું વાગ્યું. બાળકોએ ખબર આપી. શેઠ અંદર ન આવ્યા. હું તેમને મળવા ગયો. તેઓ મારા હાથમાં રૂ. ૧૩,૦૦૦ની નોટો મૂકી ચાલતા થયા.

પણ જેમ બહાર ખળભળાટ થયો તેમ જ આશ્રમમાંયે થયો. જોકે દક્ષિણ આફ્રિકામાં મારે ત્યાં અંત્યજો વગેરે આવતા, રહેતા, જમતા, પણ અહીં અંત્યજ કુટુંબનું આવવું પત્નીને અને બીજા સ્ત્રીમંડળને ગમ્યું એમ ન કહેવાય. દાનીબહેન પ્રત્યેનો અણગમો નહીં તો તેમના પ્રત્યેની ઉદાસીનતા, એવી બાબતમાં મારી બહુ ઝીણી આંખ જોઈ જતી અને તીણા કાન સાંભળી જતા. આર્થિક મદદના અભાવની બીકે મને જરાયે ચિંતામાં નહોતો નાખ્યો. પણ આ આંતરખળભળાટ વસમો થઈ પડ્યો.

આ કુટુંબને આશ્રમમાં રાખીને આશ્રમને ઘણા પાઠ મળ્યા છે. અને આરંભકાળમાં જ અસ્પૃશ્યતાને આશ્રમમાં સ્થાન નથી જ એમ સાવ સ્પષ્ટ થઈ જવાથી, આશ્રમની મર્યાદા અંકાઈ ગઈ, ને તેનું કામ એ દિશામાં બહુ સરળ થઈ ગયું.

આ જ પ્રશ્ન અંગે બીજી પણ આશ્રમમાં થયેલી ચોખવટ, તેને અંગે ઊઠેલા નાજુક પ્રશ્નોનો ઉકેલ, કેટલીક અણધારી અગવડોનું વધાવી લેવું, વગેરે સત્યની શોધને અંગે થયેલા પ્રયોગોનાં વર્ણનો પ્રસ્તુત હોવા છતાં મારે મેલી જ દેવાં પડે છે, એનું મને દુ:ખ છે. આમ છતાં, અસહકારના યુગ લગી ઈશ્વર પહોંચવા દે તો પહોંચવું એવી મારી ઇચ્છા અને આશા છે.


On The Anvil


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.