Daily Archives: 22/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૬. મારો પ્રયત્ન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પૂના પહોંચીને ઉત્તરક્રિયા વગેરે ઊજવીને સોસાયટીએ કેમ નભવું અને મારે તેમાં જોડાવું કે નહીં, એ પ્રશ્ન અમે બધા ચર્ચતા થઈ ગયા.

હવે મને લાગ્યું કે મારે સોસાયટીમાં દાખલ થવાને સારુ સતત પ્રયત્ન કરવો રહ્યો. ગોખલેનો આત્મા એમ જ ઈચ્છે એમ મને લાગ્યું. મેં વગરસંકોચે ને દૃઢતાપૂર્વક એ પ્રયત્ન આદર્યો. આ વખતે સોસાયટીના લગભગ બધા સભ્યો પૂનામાં હાજર હતા. એમને વીનવવાનું અને મારે વિષે જે ભય હતા તે દૂર કરવાનું મેં શરૂ કર્યું. પણ મેં જોયું કે સભ્યોમાં મતભેદ હતો. એક અભિપ્રાય મને દાખલ કરવા તરફ હતો, બીજો દૃઢતાપૂર્વક મને દાખલ કરવા સામે હતો.

ઘણી ચર્ચા બાદ અમે વીખરાયા. સભ્યોએ છેવટના નિર્ણય કરવાનું બીજી સભા સારુ મુલતવી રાખ્યું.

ઘેર જતાં હું વિચારના વમળમાં પડ્યો. વધારે મતથી મારે દાખલ થવાનું થાય તો તે ઈષ્ટ ગણાય? એ ગોખલે પ્રત્યેની મારી વફાદારી ગણાય? જો મારી વિરુદ્ધ મત પડે તો તેમાં સોસાયટીની સ્થિતિ કફોડી કરવા હું નિમિત્ત ન બનું? મેં સ્પષ્ટ જોયું કે, સોસાયટીના સભ્યો વચ્ચે મને દાખલ કરવા વિષે મતભેદ હોય ત્યાં લગી મારે પોતે જ દાખલ થવાનો આગ્રહ છોડી, વિરોધી પક્ષને નાજુક સ્થિતિમાં મૂકવામાંથી બચાવી લેવો જોઈએ, ને તેમાં જ સોસાયટી ને ગોખલે પ્રત્યે મારી વફાદારી હતી. અંતરાત્મામાં આ નિર્ણય ઊગ્યો કે તરત મેં શ્રી શાસ્ત્રીને કાગળ લખ્યો કે તેમણે મારા દાખલ થવા વિષે સભા ન જ કરવી.

અનુભવે હું જોઉં છું કે સોસાયટીનો રૂઢિપૂર્વક સભ્ય ન થયો તે યોગ્ય હતું, ને જે સભ્યોએ મારા દાખલ થવા સામે વિરોધ કર્યો હતો તે વાસ્તવિક હતો. તેમના સિદ્ધાંતો ને મારા સિદ્ધાંતો વચ્ચે ભેદ હતો એમ અનુભવે બતાવી આપ્યું છે. પણ મતભેદ જાણી ગયા છતાં, અમારી વચ્ચે આત્માનું અંતર કદી પડ્યું નથી, ખટાશ કદી થઈ નથી. મતભેદ હોવા છતાં અમે બંધુ અને મિત્ર રહ્યા છીએ. સોસાયટીનું સ્થાન મારે સારુ યાત્રાનું સ્થળ બની રહ્યું છે. લૌકિક દૃષ્ટિએ હું ભલે તેનો સભ્ય નથી થયો. આધ્યાત્મિક દૃષ્ટિએ હું સભ્ય રહ્યો જ છું. લૌકિક સંબંધ કરતાં આધ્યાત્મિક સંબંધ વધારે કીંમતી છે. આધ્યાત્મિક વિનાનો લૌકિક સંબંધ પ્રાણ વિનાના દેહ સમાન છે.


Wooing


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.