Daily Archives: 18/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૨૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩. ધમકી એટલે ?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મુંબઈથી મારા વડીલ ભાઈની વિધવાને અને બીજા કુટુંબીઓને મળવા સારુ રાજકોટ તથા પોરબંદર જવાનું હતું તેથી ત્યાં ગયો.

મુંબઈથી કોઈએ તાર મોકલ્યો હશે, તેથી વઢવાણ સ્ટેશને ત્યાંના પ્રજાસેવક તરીકે પંકાયેલા દરજી મોતીલાલ મળવા આવ્યા હતા, તેમણે મારી પાસે વીરમગામની જકાત તપાસણી અને તેને અંગે થતી વિટંબણાઓની વાત કરી. હું તાવથી પીડાતો હતો તેથી વાતો કરવાની ઈચ્છાતો થોડી જ હતી. મેં તેમને ટૂંકમાં જ જવાબ દીધો:

‘તમે જેલ જવા તૈયાર છો?’

વગર વિચાર્યે ઉત્સાહમાં જવાબ દેનારા ઘણા જુવાનો જેવા જ મેં મોતીલાલને માન્યા હતા. પણ તેમણે બહુ દ્રઢતા પૂર્વક જવાબ દીધો:

‘અમે જરૂર જેલમાં જશું પણ તમારે મને દોરવા જોઈશે. કાઠિયાવાડી તરીકે તમારી ઉપર અમારો પહેલો હક છે. અત્યારે તો અમે તમને ન રોકી શકીએ, પણ વળતાં તમારે વઢવાણ ઊતરવું પડશે.

પાછળથી હું ભાઈ મોતીલાલના પ્રસંગમા સારી પેઠે આવ્યો હતો સત્યાગ્રહાશ્રમ સ્થપાયો ત્યારે તે દર માસે થોડા દહાડા તો ભરી જ જાય.બાળકોને સીવવાનું શીખવે ને આશ્રમનું સીવવાનું કામ પણ કરી જાય. વીરમગામની વાત તો મને રોજ સંભળાવે. મુસાફરોની ઉપર પડતી હાડમારી તેમને સારુ અસહ્ય હતી. આ મોતીલાલને ભરજુવાનીમાં બીમારી ઉપાડી ગઈ, ને વઢવાણ તેમના વિના સૂનું થયું.

મારો અનુભવ એવો છે કે, અમલદારો ત્રીજા વર્ગના મુસાફરોને મનુષ્ય ગણવાને બદલે જાનવર જેવા ગણે છે. તુંકારા સિવાય તો તેમને બોલાવાય જ નહીં. ત્રીજા વર્ગના મુસાફરથી સામે જવાબ ન અપાય, દલીલ ન થાય. કેમકે જાણે તે અમલદારનો નોકર હોય નહીં એમ તેણે વર્તવું રહ્યું. તેને અમલદાર માર મારે, તેને લૂંટે, તેને ટ્રેન ચૂકાવે, તેને ટિકિટ દેતા રિબાવે. આ બધું મેં જાતે અનુભવ્યું છે. અને આ વસ્તુસ્થિતિમાં સુધારો તો જ થાય જો કેટલાક ભણેલા અને ધનિક ગરીબ જેવા બને અને ત્રીજા વર્ગમાં ફરી ગરીબ મુસાફરને ન મળતી હોય એવી એક પણ સગવડ ન ભોગવે અને અગવડો, અવિવેક, અન્યાય બીભત્સતા મૂંગે મોઢે સહન ન કરતાં તેમની સામે થાય ને દાદ મેળવે.

કાઠિયાવાડમાં હું જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં વીરમગામની જકાતની તપાસને અંગે થતી હાડમારીની ફરિયાદો સાંભળી.

તે બાબત મેં મુંબઈની સરકાર સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો. સેક્રેટરીને મળ્યો. લૉર્ડ વિલિંગ્ડનને પણ મળેલો. તેમણે દિલસોજી બતાવી, પણ દિલ્હીની ઢીલની રાવ ખાધી.

‘જો અમારા જ હાથમાં હોત તો અમે ક્યારની એ જકાત કાઢી નાંખી હોત, તમે વડી સરકાર પાસે જાઓ.’ આમ સેક્રેટરીએ કહ્યું.

મેં વડી સરકાર સાથે પત્ર વ્યહવાર ચલાવ્યો. પણ પહોંચ ઉપરાંત કશો જવાબ ન મળ્યો. જ્યારે મને લૉર્ડ ચેમ્સફર્ડને મળવાનો પ્રસંગ આવ્યો ત્યારે, એટલે લગભગ બે વર્ષના પત્રવ્યહવાર બાદ, દાદ મળી. લૉર્ડ ચેમ્સફર્ડને વાત કરી ત્યારે તેમણે આશ્વર્ય બતાવ્યું. તેમને વીરમગામને વિષે કંઈ જ ખબર નહોતી. મારી વાત ધ્યાન પૂર્વક સાંભળી, અને તે જ વખતે ટેલિફોન કરી વીરમગામન કાગળિયાં મંગાવ્યાં. જો મારી હકીકતની સામે અમલદારોને કંઈ કહેવાનું નહીં હોય તો જકાત રદ્દ કરવાનું વચન આપ્યું. આ મેળાપ પછી થોડા જ દિવસમાં જકાત રદ્દ થવાની નોટિસ મેં છાપામાં વાંચી.

મેં આ જીતને સત્યાગ્રહના પાયારૂપે માની, કેમ કે વીરમગામ વિષે વાતો દરમ્યાન મુંબઈ સરકારના સેક્રેટરીએ મને મારા તે વિષે બગસરામાં કરેલા ભાષણની નકલ પોતાની પાસે હોવાનું કહ્યું હતું. તેમાં રહેલા સત્યાગ્રહના ઉલ્લેખ વિષે નાખુશી પણ બતાવી હતી. તેમણે પૂછેલું:

‘તમે આને ધમકી નથી માનતા? અને આમ શક્તિમાન સરકાર ધમકીને ગાંઠે?’

મેં જવાબ આપ્યો:

‘આ ધમકી નથી આ લોકકેળવણી છે. લોકોને પોતાનાં દુઃખ દૂર કરવાના બધા વાસ્તવિક ઉપાયો બતાવવાનો મારા જેવાનો ધર્મ છે. જે પ્રજા સ્વતંત્રતા ઈચ્છે તેની પાસે પોતાની રક્ષાના અંતિમ ઈલાજ હોવા જોઈએ. સામાન્ય રીતે આવા ઈલાજો હિંસક હોય છે, સત્યાગ્રહ એ શુદ્ધ અહિંસક શસ્ત્ર છે. તેનો ઉપયોગ ને તેની મર્યાદા બતાવવાનો મારો ધર્મ માનું છું. અંગ્રેજ સરકાર શક્તિમાન છે એ વિષે મને શંકા નથી. પણ સત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે એ વિષે પણ મને શંકા નથી.’

શાણા સેક્રેટરી એ પોતાનું માથું ધુણાવ્યું ને બોલ્યા: ‘આપણે જોઈશું’


Was It A Threat?


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.