Daily Archives: 16/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૨૬)

મિત્રો,
સત્યના પ્રયોગોની વાંચનયાત્રાનો ચોથો ભાગ પૂર્ણ થયો. યાત્રાનો લગભગ ૩/૪ ભાગ પૂરો થયો. આમ આજથી આપણે આ યાત્રાના પાંચમાં ભાગમાં અને ૧/૪ ભાગની શેષ રહેલી યાત્રામાં પ્રવેશ કરશું.


સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧. પહેલો અનુભવ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


હું દેશમાં આવ્યો તે પહેલાં ફિનિક્સથી જેઓ પાછા ફરવાના હતા તેઓ આવી પહોંચ્યા હતાં.ફિનિક્સ વાસીઓને ક્યાં મૂકવા એ પ્રશ્ન મારી પાસે હતો. સૌ એક સાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું.

તેમને પ્રથમ કાંગડી ગુરુકૂળમાં મૂકવામાં આવ્યા, જ્યાં સદગત શ્રદ્ધાનંદજીએ તેમને પોતાનાં બાળકોની જેમ રાખ્યા, ત્યાર પછી તેમને શાંતિનિકેતનમાં મુકવામાં આવ્યા, ત્યાં કવિવરે અને તેમના સમાજે તેમને એવા જ પ્રેમથી નવરાવ્યા. આ બે જગ્યાએ તેમને મળેલો અનુભવ તેમને સારુ ને મારે સારુ બહુ ઉપયોગી નીવડ્યો.

કવિવર, શ્રદ્ધાનંદજી અને શ્રી સુશીલ રુદ્રને હું ઍન્ડ્રૂઝની ત્રિમૂર્તિ ગણતો. દક્ષિણ આફ્રિકામાં તે આ ત્રણનાં વખાણ કરતાં થાકે જ નહીં. અમારા દક્ષિણ આફ્રિકાના સ્નેહસંમેલનનાં ઘણાં સ્મરણોમાં આ તો મારી આંખ આગળ તર્યા જ કરે છે. આ ત્રણ મહાપુરુષોનાં નામ તેમને હૈયે ને હોઠે હોય જ. સુશીલ રુદ્રના સંબંધમાં પણ ઍન્ડ્રૂઝે મારાં બાળકોને મૂકી દીધાં હતાં. રુદ્રની પાસે આશ્રમ નહોતો પોતાનું ઘર જ હતું. પણ તે ઘરનો કબ્જો તેમણે આ મારા કુટુંબને સોંપી દીધો હતો.

મુંબઈમાં માન મેળવતાં જ મારે એક નાનકડો સત્યાગ્રહ તો કરવો પડ્યો હતો. મિ. પિટીટને ત્યાં મારે સારુ મેળાવડો કરવામાં આવ્યો હતો.

ગુજરાતી મેળાવડો તો હતો જ. સ્વ ઉત્તમલાલ ત્રિવેદીએ આ ગોઠવ્યો હતો. આ મેળાવડા વિષે મેં કેટલીક હકીકત જાણી લીધી હતી. મિ. ઝીણા પણ ગુજરાતી એટલે તેઓ તેમાં હાજર હતા. તે પ્રમુખ હતા કે મુખ્ય બોલનાર એ તો હું ભૂલી ગયો છું. પ્ણ તેમણે પોતાનું ટૂંકુ ને મીઠું ભાષણ અંગ્રેજીમાં કર્યું. બીજા ભાષણો પણ ઘણે ભાગે અંગ્રેજીમાં જ થયાં એવું મને ઝાંખુ સ્મરણ છે. જ્યારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર ગુજરાતીમાં વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડાંજ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામેનો મારો નમ્ર વિરોધ નોંધાવ્યો.ગુજરાતીમાં ઉત્તર વાળવાની મેં હિમત કરી તેઓ અર્થ કોઈએ અનર્થ ન કર્યો ને સૌ એ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગતા બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સભામાંથી ખેંચ્યો.

આમ મુંબઈ માં બેક દિવસ રહી આરંભિક અનુભવો લઈ હું ગોખલેની આજ્ઞાથી પૂના ગયો.


The First Experience


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.