Daily Archives: 15/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૨૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ ચોથો:
૪૭. અસીલ જેલમાંથી કેમ બચ્યો ?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે.

આ સાથી ઉપર એક વેળા મોટી આપત્તિ આવી પડી. જોકે પોતાના વેપારની પણ ઘણી વાતો કરતા છતાં એક વાત તો તેમણે મારાથી છુપાવી હતી. પારસી રુસ્તમજી દાણચોરી કરતા.

પણ અખાની વાણી તે કંઈ ખોટી પડે ?

‘કાચો પારો ખાવો અન્ન, તેવું છે ચોરીનું ધન.’

પારસી રુસ્તમજીની ચોરી પકડાઈ. મારી પાસે દોડી આવ્યા. આંખમાંથી આંસુ ઝરે છે, ને પારસી બોલે છે: ‘ભાઈ મેં તમને છેતર્યા છે. મારું પાપ આજે ઉઘાડું પડ્યું છે. મેં દાણની ચોરી કરી છે.

મેં ધીરજ આપી ને કહ્યું: ‘મારી રીત તમે જાણો છો. છોડાવવું ન છોડાવવું તો ખુદાને હાથ છે. ગુનો કબૂલ કરીને છોડાવાય તો જ હું તો છોડાવી શકું.’

આ ભલા પારસીનું મોં પડ્યું.

‘પણ મેં તમારી પાસે કબૂલ કર્યું એટલું બસ નહીં ?’ રુસ્તમજી શેઠ બોલ્યા.

‘તમે ગુનો તો સરકારનો કર્યો, ને મારી પાસે કબૂલો તેમાં શું વળે ?’ મેં હળવે જવાબ વાળ્યો.

મારો તો અભિપ્રાય છે કે લજ્જા જેલમાં જવામાં નથી પણ ચોરી કરવામાં છે. લજ્જાનું કામ તો થઈ ચૂક્યું. જેલ જવું પડે તો પ્રાયશ્ચિત્ત સમજજો. ખરું પ્રાયશ્ચિત્ત તો હવે પછી દાણચોરી ન કરવાની પ્રતિજ્ઞામાં છે.’

આ બધું રુસ્તમજી શેઠ બરોબર સમજ્યા એમ હું ન કહી શકું. તે બહાદુર માણસ હતા. પણ આ વખતે હારી ગયા હતા.

તે બોલ્યા: ‘મેં તમને કહ્યું છે કે મારું માથું તમારે ખોળે છે. તમારે જેમ કરવું હોય તેમ કરો.’

મેં આ કેસમાં મારી બધી વિનયની શક્તિ રેડી. હું અમલદારને મળ્યો.

અમલદારે કહ્યું: ‘હું એ પુરાણા પારસીને ચાહું છું. તેણે મુર્ખાઈ તો કરી છે. પણ મારો ધર્મ તો તમે જાણો છો. મારે તો વડા વકીલ કહે તેમ કરવું રહ્યું. એટલે તમારી સમજાવવાની શક્તિનો ઉપયોગ તમારે તેમની સાથે કરવો રહ્યો.’

‘પારસી રુસ્તમજીને અદાલતમાં ઘસડી જવાનું દબાણ ન થાય તો મને સંતોષ છે,’ મેં કહ્યું.

આ અમલદારની પાસેથી અભયદાન મેળવી મેં સરકારી વકીલ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમને મળ્યો. મારે કહેવું જોઈએ કે મારી સત્યપ્રિયતા તે જોઈ ગયા. હું કાંઈ નહોતો છુપાવતો એમ તેમની પાસે સિદ્ધ કરી શક્યો.

આ કે કોઈ બીજા કેસમાં તેમના પ્રસંગમાં આવતાં તેમણે મને પ્રમાણપત્ર આપ્યું: ‘હું જોઉં છું કે તમે ‘ના’નો જવાબ લેવાના જ નહીં.’

રુસ્તમજી ઉપર કેસ ન ચાલ્યો. તેમણે કબૂલ કરેલી દાણચોરીનાં બમણાં નાણાં લઈ કેસ માંડી વાળવાનો હુકમ કાઢ્યો.

રુસ્તમજીએ પોતાની દાણચોરીનો કિસ્સો લખી કાચમાં જડાવ્યો, તે પોતાની ઑફિસમાં ટાંગી તેમના વારસો ને સાથી વેપારીઓને ચેતવણી આપી.

રુસ્તમજી શેઠના વેપારી મિત્રોએ મને ચેતવ્યો: ‘આ ખરો વૈરાગ્ય નથી, સ્મશાનવૈરાગ્ય છે.’

આમાં કેટલું સત્ય હશે એ હું નથી જાણતો.

આ વાત પણ મેં રુસ્તમજી શેઠને કરી હતી. તેમનો જવાબ આ હતો: ‘તમને છેતરીને હું ક્યાં જઈશ ?’


How A Client Was Saved


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.