Daily Archives: 12/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૨૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ ચોથો:
૪૫. ચાલાકી ?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મારી સલાહની યોગ્યતા વિશે મને મુદ્દલ શંકા નહોતી. પણ તે કેસને પૂરો ન્યાય આપવાની મારી યોગ્યતા વિશે શંકા પુષ્કળ હતી. જેવી પેલી ભૂલની વાત નીકળી તેવા જ એક ન્યાયાધીશ બોલી ઊઠ્યા :

આ ચાલાકી ન કહેવાય ?’

હું રાતોપીળો થયો. જ્યાં ચાલાકીની ગંધ સરખીય નહોતી ત્યાં ચાલાકીનો શક આવે એ અસહ્ય લાગ્યું.

મારા રોષને મેં દબાવ્યો, અને શાન્ત થઈ જવાબ આપ્યો:

‘મને આશ્ચર્ય થાચ છે કે આપ પૂરી હકીકત સાંભળ્યા પહેલાં જ ચાલાકીનો આરોપ મૂકો છો ?’

‘હું આરોપ નથી મૂકતો, માત્ર શંકા ઉઠાવું છું, ‘જજ બોલ્યા.

‘આપની શંકા જ મને તો આરોપરૂપ લાગે છે. મારી હકીકત સમજાવું ને પછી શંકાને સ્થાન હોય તો આપ અવશ્ય શંકા ઉઠાવજો,’ મેં ઉત્તર આપ્યો.

‘હું દિલગીર છું કે મેં તમને અધવચમાં રોક્યા છે. તમારો ખુલાસો સમજાવો.’ જજ શાંત થઈ બોલ્યા.

મારી પાસે ખુલાસાને સારુ સંપૂર્ણ મસાલો હતો. આરંભકાળમાં જ શંકા ઊઠી ને જજનું ધ્યાન હું મારી દલીલ ઉપર પરોવાવી શક્યો, તેથી મને હિંમત આવી ને મેં વિગતવાર સમજણ પાડી. જજોએ તે ધીરજપૂર્વક સાંભળી, ને તેઓ સમજ્યા કે ભૂલ સરતચૂકથી જ થયેલી છે; ને ઘણા પરિશ્રમે તૈયાર થયેલો હિસાબ રદ કરવો એ તેમને ન રુચ્યું.

સામા પક્ષના વકીલે પુષ્કળ માથાકૂટ કરી, પણ જે જજને શંકા ઊઠી હતી તે જ મારા હિમાયતી થઈ બેઠા હતા.

‘મિ. ગાંધીએ ભૂલ કબૂલ ન કરી હોત તો તમે શું કરત ?’ જજ બોલ્યા.

‘જે હિસાબના વિશારદને અમે નીમ્યા તેના કરતાં વધારે હોશિયાર કે પ્રામાણિક વિશારદને અમે ક્યાંથી લાવીએ ?’

આવી જાતની અનેક દલીલોથી વકીલને શાન્ત કરી, ભૂલ સુધારીને અથવા એટલી ભૂલ સુધારીને ફરી ઠરાવ મોકલવાનો હુકમ પંચ ઉપર કરી, તે સુધરેલા ઠરાવને બહાલ રાખ્યો.

મારા હર્ષનો પાર ન રહ્યો. અસીલ અને મોટા વકીલ રાજી થયા, ને વકીલાતના કામમાં પણ સત્ય જાળવીને કામ થઈ શકે એવી મારી માન્યતા દૃઢ થઈ.

ધંધાર્થે કરેલી વકીલાતમાત્રના મૂળમાં જે દોષો રહેલા છે તેને આ સત્યની રક્ષા ઢાંકી નથી શકતી એ વાંચનારે યાદ રાખવાની જરૂર છે.


Sharp Practice?


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.