Daily Archives: 10/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૨૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ ચોથો:
૪૩. રવાના

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મિ. કૅલનબૅક દેશ જવાના નિશ્ચયથી અમારી સાથે નીકળ્યા હતા. વિલાયતમાં અમે સાથે જ રહેતા હતા. પણ લડાઈને લીધે જર્મન લોકો ઉપર ખૂબ જાપ્તો હતો, ને કૅલનબૅક સાથે આવી શકવા વિશે અમને બધાને શક હતો. તેમને સારુ પાસ મેળવવા મેં ઘણો પ્રયત્ન કર્યો. મિ. રૉબર્ટ્સ પોતે તેમેને પાસ મેળવી આપવા ખુશી હતા. તેમણે બધી હકીકતનો તાર વાઇસરૉય ઉપર કર્યો. પણ લૉર્ડ હાર્ડિંગનો સીધો ને સટ જવાબ આવ્યો: ‘અમે દિલગીર છીએ, પણ અત્યારે આવું કશું જોખમ વહોરવા તૈયાર નથી’. અમે બધા આ જવાબની યોગ્યતા સમજ્યા. કૅલનબૅકના વિયોગનું દુ:ખ મને તો થયું જ, પણ મારા કરતાં તેમને વધારે થયું એ હું જોઈ શક્યો. તેઓ હિંદ આવી શક્યા હોત તો આજે સુંદર ખેડૂત ને વણકરનું સાદું જીવન વ્યતીત કરતા હોત. હવે તેઓ દક્ષિણ આફ્રિકામાં પોતાનું અસલી જીવન વ્યતીત કરે છે, ને સ્થપતિનો ધંધો ધમધોકાર ચલાવી રહ્યા છે.

તબિયત દિવસે દિવસે સુધરતી ચાલી, ને સુએઝની ખાડીમાં પહોંચ્યા તેટલા સુધીમાં બહુ સારી થઈ ગઈ. જોકે શરીર નબળું હતું છતાં મારો ભય ગયો, ને હું ધીમે ધીમે રોજ થોડી કસરત વધારતો ગયો. આ શુભ ફેરફાર માત્ર શુદ્ધ ને સમશીતોષ્ણ હવાને આભારી હતો એમ મેં માન્યું.

પુરાણા અનુભવને લીધે કે ગમે તે કારણસર હોય, પણ અંગ્રેજ ઉતારુઓ અને અમારી વચ્ચે હું જે અંતર અહીં ભાળી શક્યો તે દક્ષિણ આફ્રિકાથી આવતાં પણ નહોતું ભાળ્યું. ત્યાં પણ અંતર તો હતું, પણ અહીં તેથી જુદા જ પ્રકારનું લાગ્યું.

આવા વાયુમાંથી ઝટ છૂટવા ને દેશ પહોંચવા હું આતુર થઈ રહ્યો હતો. ઍડન પહોંચતાં કંઈક ઘેર પંહોચ્યા જેવો ભાસ આવ્યો. ઍડનવાળા સાથે અમને ઠીક સંબંધ દક્ષિણ આફ્રિકામાં જ બંધાયો હતો; કેમ કે ભાઈ કેકોબાદ કાવસજી દીનશા ડરબન આવી ગયા હતા, ને તેમની ને તેમનાં પત્ની સાથે મને સારો પરિચય થઈ ચૂક્યો હતો. થોડા જ દિવસમાં અમે મુંબઈ પહોંચ્યા. જે દેશમાં ૧૯૦૫માં પાછા ફરવાની આશા રાખતો હતો, ત્યાં દશ વર્ષે પાછો પહોંચી શક્યો તેથી મને બહુ આનંદ થયો. મુંબઈમાં ગોખલેએ મેળાવડા વગેરેની ગોઠવણો કરી જ મૂકી હતી. તેમની તબિયત નાજુક હતી, પણ મુંબઈ આવી પહોંચ્યા હતા. તેમની ભેટ કરી, તેમના જીવનમાં શમી જઈ, મારા ઉપરથી ભાર ઉતારી નાખવાની હોંશે હું મુંબઈ પહોંચ્યો હતો. પણ વિધાતાએ જુદો જ ઘાટ ઘડી રાખ્યો હતો.


Homeward


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.