Daily Archives: 06/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૧૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ ચોથો:
૩૯. ધર્મનો કોયડો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


યુદ્ધના કામ કરવાને સારુ અમે કેટલાક એકઠા થઈને સરકારને અમારાં નામો મોકલ્યાં, એ ખબર દક્ષિણ આફ્રિકા પહોંચી કે તુરત મારી ઉપર ત્યાંથી બે તારો આવ્યા. તેમાં એક પોલાકનો હતો. તેમાં પૂછયું હતું: ‘આ તમારું કાર્ય તમારા અહિંસાના સિદ્ધાંતથી વિરુદ્ધ નથી?’

આવા તારની મને કઈંક આશા હતી જ. કેમ કે આ વિષય મેં ‘હિંદ સ્વરાજ’માં ચર્ચ્યો હતો, અને દક્ષિણ આફ્રિકામાં મિત્રોની સાથે તો એની ચર્ચા નિરંતર થયાં જ કરતી. યુદ્ધની અનીતિ અમે સહુ સ્વીકારતા. મારી ઉપર હુમલો કરનારની ઉપર કામ ચલાવવા હું તૈયાર નહોતો, તો બે રાજ્યો વચ્ચે લડાઇ ચાલતી હોય, તેમાં ગુણદોષની મને ખબર ન હોય, તેમાં મારાથી કેમ ભાગ લઈ શકાય? જોકે બોઅર યુદ્ધમાં મેં ભાગ લીધાનું મિત્રો જાણતા હતા, તોપણ તેમણે માની લીધેલું કે ત્યાર બાદ મારા વિચારોમાં ફેરફાર થયો હશે.

અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળી વચ્ચે સપડાયેલા આપણે પામર પ્રાણી છીએ. ‘જીવ જીવની ઉપર જીવે છે,’ એ ખોટું વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના જીવી નથી શકતો. ખાતાંપીતાં, બેસતાંઊઠતાં, બધી ક્રિયાઓમાં, ઈચ્છાઅનિચ્છાએ કઈંક હિંસા તે કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઈચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે. તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.

વળી અહિંસાના પડમાં જ અદ્વૈતભાવના રહેલી છે. અને જો પ્રાણીમાત્રનો અભેદ હોય તો એકના પાપની અસર બીજાની ઉપર થાય છે, તેથી મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતો. સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિનો ધર્મ તે યુદ્ધને અટકાવવાનો છે. તે ધર્મનું જે પાલન ન કરી શકે , જેનામાં વિરોધ કરવાની શક્તિ ન હોય, જેને વિરોધ કરવાનો અધિકાર પ્રાપ્ત ન થયો હોય, તે યુદ્ધકાર્યમાં ભળે; અને ભળતો છતો તેમાંથી પોતાને અને પોતાના દેશને તેમ જ જગતને ઉગારવાની હાર્દિક કોશિશ કરે.

બંદૂકવાન અને તેને મદદ કરનાર વચ્ચે અહિંસાની દૃષ્ટિએ કંઇ ભેદ નથી જાણ્યો.

આ વિચારો મેં પોલાકનો તાર આવતા પહેલાં જ કરી મૂકેલા હતા. તેમનો તાર આવતાં મેં તેની ચર્ચા કેટલાક મિત્રોમાં કરી. યુદ્ધમાં ભાગ લેવામાં મેં ધર્મ માન્યો; ને આજે પણ તેનો વિચાર કરું છું તો મને ઉપરની વિચારશ્રેણીમાં દોષ નથી લાગતો.

સત્યનો આગ્રહી રૂઢિને વળગીને જ કંઇ કાર્ય ન કરે, તે પોતાના વિચારને હઠપૂર્વક ન વળગે, તેમાં દોષ હોવાનો સંભવ હંમેશા માને, અને તે દોષનું જ્ઞાન થાય ત્યારે ગમે તેટલાં જોખમો હોય તે ખેડીને પણ તેનો સ્વીકાર કરે ને પ્રાયશ્ચિત પણ કરે.


A Spiritual Dilemma


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.