Daily Archives: 03/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૧૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ ચોથો:
૩૭. ગોખલેને મળવા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


દક્ષિણ આફ્રિકાનાં ઘણાં સ્મરણો હવે મૂકવાં પડે છે. સન ૧૯૧૪માં જ્યારે સત્યાગ્રહની લડતનો અંત આવ્યો ત્યારે ગોખલેની ઇચ્છાથી મારે ઇંગ્લંડ થઈને દેશ જવાનું હતું. તેથી જુલાઈ માસમાં કસ્તૂરબાઈ, કૅલનબૅક અને હું એમ ત્રણ જણ વિલાયત જવા ઉપડ્યા.

આ મુસાફરીનાં કેટલાંક સ્મરણો બહુ જાણવા જેવાં છે. મિ. કૅલનબૅકને દૂરબીનોનો સારો શોખ હતો. એકબે કીમતી દૂરબીનો તેમણે રાખ્યાં હતાં. આ વિશે અમારી વચ્ચે રોજ સંવાદો થાય. અમારા આદર્શને, અમે જે સાદાઈને પહોંચવા ઇચ્છતા હતા તેને આ અનુકૂળ નથી એમ હું સમજાવવા પ્રયત્ન કરતો. એક દહાડો અમારી વચ્ચે આની તીખી તકરાર થઈ. અમે બંને અમારી કેબિનની બારી પાસે ઊભા હતા.

મેં કહ્યું, ‘આ તકરાર આપણી વચ્ચે થાય તેના કરતાં આ દૂરબીનને દરિયામાં જ ફેંકી દઈએ ને તેની વાત જ ન કરીએ તો કેવું સારું?’

મિ. કૅલનબૅકે તુરત જવાબ આપ્યો, જરૂર તે ભમરાળી ચીજ ફેંકી દો.’

મેં કહ્યું, ‘હું ફેંકું છું.’

તેમણે એટલી જ ત્વરાથી જવાબ દીધો, ‘હું સાચેસાચ કહું છું જરૂર ફેંકી દો.’

મેં દૂરબીન ફેંકી દીધું. એ સાતેક પાઉન્ડની કિંમતનું હતું, પણ તેની કિઁમત તેના દામમાં હતી તેના કરતાં મિ. કૅલનબૅકના તેની ઉપરના મોહમાં હતી. છતાં મિ. કૅલનબૅકે તેને વિશે કદી દુ:ખ નથી માન્યું. તેમની ને મારી વચ્ચે આવા અનુભવ ઘણા થતા, તેમાંથી મેં આ એક વાનગીરૂપે આપેલ છે.

અમારી વચ્ચેના સંબંધમાંથી અમને રોજ નવું શીખવાનું મળતું, કેમ કે બંને સત્યને અનુસરીને જ ચાલવાનો પ્રયત્ન કરતા હતા. સત્યને અનુસરતાં ક્રોધ્, સ્વાર્થ, દ્વેષ ઇત્યાદિ સહેજે શમતાં હતાં; ન શમે તો સત્ય મળતું નહોતું. રાગદ્વેષાદિથી ભરપૂર માનવી સરળ ભલે હોઈ શકે, વાચાનું સત્ય ભલે પાળે, પણ તેને શુદ્ધ સત્ય ન જ મળે. શુદ્ધ સત્યની શોધ કરવી એટલે રાગદ્વેષાદિ દ્વંદ્વથી સર્વથા મુક્તિ મેળવવી.

અમે મુસાફરી શરૂ કરી ત્યારે મને ઉપવાસ પૂરા કર્યાને બહુ સમય નહોતો થયો. લાંબા ઉપવાસ કરનારે ગયેલી તાકાત ઝટ મેળવવાનો કે બહુ ખાવાનો લોભ ન જ રાખવો ઘટે. ઉપવાસ કરવા કરતાં તે ઉતારવામાં વધારે સાવધાન રહેવું પડે છે, ને કદાચ તેમાં વધારે સંયમ પણ હોય.

મદીરામાં અમને, મહાયુદ્ધ ફાટી નીકળવાની ઘડીઓ જાય છે, એવા સમાચાર મળ્યા. લડાઈ ચોથી ઑગસ્ટે જાહેર થઈ. અમે છઠ્ઠીએ વિલાયત પહોંચ્યાં.


To Meet Gokhale


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.