Daily Archives: 01/10/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૧૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ભાગ ચોથો:
૩૫. સારાનરસાનું મિશ્રણ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ટૉલ્સટૉય આશ્રમમાં મારી સામે એક પ્રશ્ન મિ. કૅલનબૅકે ઊભો કર્યો. તેમણે ઉપાડ્યો તે પહેલાં મેં તેનો વિચાર નહોતો કર્યો. આશ્રમમાં કેટલાક છોકરાઓ બહુ તોફાની અને નઠારા હતા. કોઈક રખડુ હતા. તેમની જ સાથે મારા ત્રણ દીકરાઓ હતા. બીજાં પણ તેવી રીતે ઊછરેલાં બાળકો હતાં. પણ મિ. કૅલનબૅકનું ધ્યાન તો પેલા રખડુ જુવાનિયાઓ અને મારા દીકરાઓ કેમ ભેળા રહી શકે એ તરફ જ હતું. એક દિવસ તે બોલી ઊઠ્યા : ‘તમારી આ રીત મને જરાય ગળે નથી ઊતરતી. આ છોકરાઓની સાથે તમારા છોકરાઓને ભેળવો એનું પરિણામ તો એક જ આવે : તેમને આ રખડુ છોકરાઓનો પાસ લાગે ને તેઓ બગડ્યા વિના કેમ રહે ?’

મારો જવાબ મને યાદ છે. મેં કહેલું: ‘મારા છોકરાઓ અને રખડુ છોકરાઓ વચ્ચે હું ભેદ કેમ કરી શકું? અત્યારે બન્ને સારુ હું સરખો જવાબદાર છું. આ જુવાનિયાઓ મારા નોતર્યા આવ્યા છે. જો હું તેમને પૈસા આપું તો તેઓ આજે જ જોહાનિસબર્ગમાં જઈ રહેતા હતા તેમ પાછા રહે. શું હું આજથી મારા છોકરાને તેઓ બીજા કેટલાકના છોકરાઓ કરતાં ઊંચા છે એવો ભેદભાવ શીખવું? એવો વિચાર તેમના મગજમાં રેડવો એ જ તેમને આડે રસ્તે દોરવા જેવું છે. આ સ્થિતિમાં રહેવાથી તેઓ ઘડાશે, સારાસારની પરીક્ષા પોતાની મેળે કરતા થઈ જશે. આપણે એમ કેમ ન માનીએ કે તેમનામાં જો ખરેખર કાંઈ ગુણ હશે તો ઊલટો તેનો જ ચેપ તેમના સાથીઓને લાગશે?

પ્રયોગનું પરિણામ ખરાબ આવ્યું એમ ન કહી શકાય. મારા દીકરાઓને તેથી કંઈ નુકસાન થયું એમ હું નથી માનતો. લાભ થયો એ હું જોઈ શક્યો. તેમનામાં મોટાઈનો કંઈ અંશ રહ્યો હોય તો તે સર્વથા ગયો. તેઓ બધાની સાથે ભળતા શીખ્યા. તેઓ તવાયા.

આ અને આવા અનુભવો પરથી મને એમ લાગ્યું છે કે, માબાપોની દેખરેખ બરાબર હોય તો પોતાનાં સારાંનઠારાં છોકરાં સાથે રહે ને ભણે તેથી સારાને કશી હાનિ નથી. પોતાનાં છોકરાંને તિજોરીમાં પૂરી દેવાથી તે શુદ્ધ જ રહે છે અને બહાર કાઢ્યાથી અભડાય છે એવો કોઈ નિયમ તો નથી જ. હા, આટલું ખરું છે કે, જ્યાં અનેક પ્રકારનાં બાળકો તેમ જ બાળાઓ સાથે રહેતાં ભણતાં હોય ત્યાં માબાપની અને શિક્ષકની કસોટી થાય છે, તેમને સાવધાન રહેવું પડે છે.


Tares Among The Wheat


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.