Monthly Archives: October 2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૪૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૫. કેસ ખેંચાયો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


કેસ ચાલ્યો. સરકારી વકીલ, મૅજીસ્ટ્રેટ વગેરે ગભરાયેલા હતા. શું કરવું તે તેમને સૂઝતું નહોતું. સરકારી વકીલ સુનાવણી મુલતવી રાખવાની માગણી કરી રહ્યો હતો. હું વચ્ચે પડ્યો ને મેં વિનંતી કરી કે મુલતવી રાખવાની કશી જરૂર નથી, કેમ કે મારે ચંપારણ છોડવાની નોટિસનો અનાદર કર્યાનો ગુનો કબૂલ કરવો છે. એમ કહીને મેં બહુ જ નાનકડું બયાન તૈયાર કર્યું હતું તે વાંચી ગયો. તે આ પ્રમાણે હતું :

’ફોજદારી કામ ચલાવવાની રીતના કાયદાની ૧૪૪મી કલમ મુજબ કરેલા હુકમનો દેખીતો અનાદર કરવાનું ગંભીર પગલું મારે કેમ લેવું પડ્યું તે વિષે ટૂંકું બયાન અદાલતની પરવાનગીથી રજૂ કરવા ઇચ્છું છું.’

હવે કેસની સુનાવણી મુલતવી રાખવાપણું તો ન રહ્યું.

હું કલેક્ટર મિ. હેકોકને મળ્યો. તે પોતે ભલો ને ઇન્સાફ કરવા તત્પર જણાયો. જે કાગળિયાં કે બીજું કંઈ જોવું હોય તે માગી લેવાનું, ને જ્યારે તેને મળવું હોય ત્યારે મળવાનું તેણે જણાવ્યું.

બીજી તરફથી આખા હિંદુસ્તાનને સત્યાગ્રહનો અથવા કાયદાના સવિનય ભંગનો પહેલો સ્થાનિક પદાર્થપાઠ મળ્યો. છાપામાં વાત ખૂબ ચર્ચાઈ ને ચંપારણને તથા મારી તપાસને અણધારેલું જાહેરનામું મળ્યું.

મારી તપાસને સારુ જોકે સરકાર તરફથી નિષ્પક્ષપાતતાની મને જરૂર હતી, છતાં છાપાંની ચર્ચાની અને તેમના ખબરપત્રીઓની જરૂર નહોતી, એટલું જ નહીં પણ તેમની અતિશય ટીકા અને તપાસના મોટા રિપોર્ટોથી હાનિ થવાનો ભય હતો. તેથી મેં મુખ્ય છાપાંના અધિપતિઓને વિનંતી કરી હતી કે તેમણે રિપોર્ટરોને મોકલવાના ખર્ચમાં ન ઊતરવું. જેટલું છાપવાની જરૂર હશે તેટલું હું મોકલતો રહીશ ને તેમને ખબર આપતો રહીશ.

ચંપારણના નીલવરો ખૂબ ખિજાયા હતા એ હું સમજતો હતો; અમલદારો પણ મનમાં રાજી ન હોય એ હું સમજતો હતો.

બ્રજકિશોરબાબુની અનેક પ્રકારે નિંદા કરવામાં નીલવરોએ જરાયે કચાશ ન રાખી. પણ જેમ જેમ તેમની નિંદા કરતા ગયા તેમ તેમ બ્રજકિશોરબાબુની પ્રતિષ્ઠા વધતી ગઈ.

આવી નાજુક સ્થિતિમાં રિપોર્ટરોને આવવામાં મેં મુદ્દલ ઉત્તેજન ન આપ્યું. આગેવાનોને ન બોલાવ્યા. માલવીયાજીએ મને કહેવડાવી મૂક્યું હતું :-’જ્યારે જરૂર હોય ત્યારે બોલાવજો. હું આવવા તૈયાર છું.’ તેમને પણ તસ્દી ન આપી. લડતને રાજ્યપ્રકરણી સ્વરૂપ કદી પકડવા ન દીધું. જે બનતું હતું તેને વિષે પ્રસંગોપાત્ત રિપોર્ટ હું મુખ્ય પત્રોને મોકલ્યા કરતો હતો. રાજ્યપ્રકરણી કામ કરવાને સારુ પણ, જ્યાં રાજ્યપ્રકરણનો અવકાશ ન હોય ત્યાં રાજ્યપ્રકરણનું સ્વરૂપ આપવાથી, બાવાનાં બંને બગડે છે, અને આમ વિષયનું સ્થાનાંતર ન કરવાથી બંને સુધરે છે, એમ મેં પુષ્કળ અનુભવે જોઈ લીધું હતું. શુદ્ધ લોકસેવામાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે રાજ્યપ્રકરણ રહેલું જ છે, એ ચંપારણની લડત સિદ્ધ કરી રહી હતી.


Case Withdrawn


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

ચંપારણ અને આગળ (ગાંધી ગૌરવ) – યોગેશ્વરજી

Champaran


ગાંધીગૌરવમાંથી સાભાર


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર ?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મારે તો ખેડુતોની હાલતની તપાસ કરવી હતી. ગળીના માલિકોની સામે જે ફરિયાદો હતી તેમાં કેટલું સત્ય છે તે જોવું આ કામને અંગે હજારો ખેડૂતોને મળવું જોઇએ. પણ તેમની સાથે આમ સંબંધમાં આવ્યા પહેલાં ગળીના માલિકોની વાત સાંભળવાની ને કમિશ્નરને મળવાની મેં આવશ્યકતા જોઇ. બંનેને ચિઠ્ઠી લખી.

સાથીઓને લઇને હું તે જ દિવસે મોતીહારી જવા ઊપડયો. મોતીહારીમાં ગોરખબાબુએ આશ્રમ આપ્યો ને તેમનું ઘર ધર્મશાળા થઇ પડયું.અમે બધા માંડ માંડ તેમાં સમાઇ શકતા હતા. જે દિવસે પહોંચ્યા તે જ દિવસે સાંભળ્યુ કે મોતીહારીથી પાંચેક માઇલ દૂર એક ખેડૂત રહેતો હતો તેની ઉપર અત્યાચાર થયા હતા. તેને જોવા મારે ધરણીધરપ્રસાદ વકીલને લઈને સવારે જવું, આવો નિશ્વય કર્યો. અમે સવારે હાથી ઉપર સવારી કરીને નીકળી પડયા. ચંપારણમાં હાથીનો ઉપયોગ જેમ ગુજરાતમાં ગાડાનો થાય છે એમ લગભગ થાય છે. અધેં રસ્તે પહોંચ્યા ત્યાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો માણસ આવી પહોંચ્યો ને મને કહ્યું : ‘તમને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ સલામ દેવડાવે છે.’ હું સમજ્યો. ધરણીધરબાબુને મેં આગળ જવાનું કહ્યું. હું પેલા જાસૂસની સાથે તેણે ભાડે લીધેલી ગાડીમાં બેઠો. તેણે ચંપારણ છોડવાની નોટિસ મને આપી. મને ઘેર લઇ ગયા ને મારી સહી માગી. મેં જવાબ લખી આપ્યો કે, હું ચંપારણ છોડવા ઇચ્છતો નથી, ને મારે તો આગળ વધવું છે ને તપાસ કરવી છે. બહિષ્કારના હુકમનો અનાદર કરવા સારુ બીજે જ દિવસે કોર્ટમાં હાજર રહેવાનો સમન મળ્યો.

આખી રાત જાગીને મેં મારે જે કાગળો લખવાના હતા તે લખ્યા, ને જે જે સૂચનાઓ આપવી હતી તે બ્રજકિશોરબાબુને આપી.

યાદ રાખવાનું છે કે ચંપારણમાં મને કોઇ ઓળખતું નહોતું. ખેડૂતવર્ગ સાવ અભણ હતો. ચંપારણ ગંગાને પેલે પાર છેક હિમાલયની તળેટીએ નેપાળની નજીકનો પ્રદેશ, એટલે નવી દુનિયા. અહીં મહાસભાનું નામ ન મળે. મહાસભાના કોઇ સભ્યો ન મળે. જેમણે નામ સાંભળ્યું હોય તે નામ લેતાં કે તેમાં ભળતાં ડરે. આજે મહાસભાના નામ વિના મહાસભાએ ને મહાસભાના સેવકોએ પ્રવેશ કર્યો, ને મહાસભાની આણ વતીં.

રાજકુમારશુકલમાં હજારો લોકોમાં પ્રવેશ કરવાની શક્તિ નહોતી. તેમનામાં કોઇએ આજ લગી રાજ્યપ્રકરણી કામ કર્યું જ નહોતું. ચંપારણની બહારની દુનિયાને તેઓ જાણતા નહોતા. છતાં તેઓનો અને મારો મેળાપ જૂના મિત્રો જેવો લાગ્યો. તેથી મેં ઇશ્વરનો, અહિસાનો અને સત્યનો સાક્ષાત્કાર કર્યો, એમ કહેવામાં અતિશયોક્તિ નથી, પણ અક્ષરશ: સત્ય છે. એ સાક્ષાત્કારનો મારો અધિકાર તપાસું છું તો મને લોકો પ્રત્યેના પ્રેમ સિવાય કંઇ જ નથી મળતું. આ પ્રેમ તે પ્રેમ અથવા અહિંસાને વિષે રહેલી મારી અચલિત શ્રધ્દ્રા.

ચંપારણનો આ દિવસ મારા જીવનમાં કદી ન ભુલાય એવો હતો. આ મારે સારુ ને ખેડુતોને સારુ એક ઉત્સવનો દિવસ હતો. સરકારી કાયદા પ્રમાણે મુકદમો મારી સામે ચાલવાનો હતો. પણ ખરું જોતાં તો મુકદમો સરકારની સામે હતો. કમિશનરે મારી સામે રચેલી જાળમાં તેણે સરકારને ફસાવી.


Face To Face With Ahimsa


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૩. બિહારી સરળતા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મૌલાના મજહરુલ હક્ક અને હું એક વખત લંડનમાં ભણતા. ત્યાર બાદ અમે મુંબઇમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જુની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જ્ણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઇ જવાનો આગ્રહ કર્યો. મેં તેમનો ઉપકાર માન્યો ને મારે જ્યાં જવાનું હતું ત્યા મને પહેલી ટ્રેનથી રવાના કરી દેવાનું કહ્યું. રેલવે ગાઇડથી મને ખબર પડી શકે તેમ નહોતું. તેમણે રાજકુમાર શુક્લ સાથે વાત કરી ને મારે પ્રથમ તો મુઝફ્ફરપુર જવું જોઇએ એમ સૂચવ્યું.

કૃપલાનીજીએ બિહારની અને તેમાંય તિરહુત વિભાગની દીન દશાની વાત કરી ને મારા કામની કઠણાઇનો ખ્યાલ આપ્યો.

હું ગયાબાબુને ત્યાં ગયો. તેમણે અને તેમનાં કુટુંબીજનોએ મને પ્રેમથી નવરાવ્યો.

બ્રજકિશોરબાબું દરભંગાથી આવ્યા. રાજેન્દ્રબાબુ પુરીથી આવ્યા. અહીં જોયા તે લખનૌના બ્રજકિશોરપ્રસાદ નહીં. તેમનામાં બિહારીની નમ્રતા, સાદાઇ, ભલમનસાઇ, અસાધારણ શ્રદ્ધા જોઇને મારું હૈયું હર્ષથી ઊભરાઇ ગયું. બિહારી વકીલમંડળનું બ્રજકિશોરબાબુના પ્રત્યેનું માન જોઇ હું સાનંદાશ્ચર્ય પામ્યો.

આ મંડળ વચ્ચે ને મારી વચ્ચે જન્મની ગાંઠ બંધાઇ.

બ્રજકિશોરબાબુએ મને બધી હકીકતથી વાકેફ કર્યો. તેઓ ગરીબ ખેડુતોને સારુ કેસો લડતા. એવા બે કેસો ચાલી રહ્યા હતા. આવા કેસો કરી કંઇક વ્યક્તિગત આશ્વાસન મેળવતા. કોઇ વાર તેમાં પણ નિષ્ફળ જતા. આ ભોળા ખેડૂતોની પાસેથી ફિ તો લેતા જ. ત્યાગી છતાં બ્રજકિશોરબાબુ કે રાજેન્દ્રબાબુ ફિ લેવામાં સંકોચ ન રાખતા. ધંધા પરત્વે જો ફિ ન લે તો તેમનું ઘરખર્ચ ન ચાલે, ને તેઓ લોકોને મદદ પણ ન કરી શકે, એ દલીલ હતી. તેમની ફીના આંકડા અને બંગાળના ને બિહારના બારિસ્ટરોને અપાતી ફીના ન ધારી શકાય એવા આંકડા સાંભળી હું ગૂગળાઇ ગયો.

આ મિત્રમંડળે આ બાબતનો મારો મીઠો ઠપકો હેતપૂર્વક સાંભળ્યો. તેનો તેમણે ખોટો અર્થ ન કર્યો.

મેં કહ્યું : ‘આ કેસો વાંચ્યા પછી મારો અભિપ્રાય તો એવો છે કે આપણે આ કેસો કરવાનું હવે માંડી જ વાળવું.

અમે આ સંવાદમાં રાત ગાળી. મેં કહ્યું : મારે તમારી વકીલાતની શક્તિનો ઓછો ઉપયોગ પડશે. તમારા જેવાની પાસેથી હું તો લહિયાનું ને દુભાષિયાનું કામ માગું. આમાં જેલ જવાપણું પણ જોઉં છું. તમે તે જોખમમાં ઊતરો એ મને ગમે. પણ તેમાં ન ઊતરવું હોય તો ભલે ન ઊતરો. પણ વકીલ મટી લહિયા થવું ને તમારો ધંધો તમારે અનિશ્ચિત મુદતને સારુ પડતો મૂકવો, એ કંઇ હું ઓછું નથી માગતો. અહીની હિદી બોલી સમજતાં મને મુસીબત પડે છે. કાગળિયાં બધાં કૈથીમાં કે ઉર્દૂમાં લખેલાં હોય એ હું ન વાંચી શકું. આના તરજુમાની તમારી પાસેથી આશા રાખું. આ કામ પૈસા આપીને કરીએ તો પહૉચાય નહીં. આ બધું સેવાભાવથી ને વગર પૈસે થવું જોઇએ.’

બ્રજકિશોરબાબુ સમજ્યા, પણ તેમણે મારી તેમ જ પોતાના સાથીઓની ઊલટતપાસ ચલાવી. મારાં વચનોના ફલિતાર્થો પૂછયા. મારી અટકળ પ્રમાણે, કયાં લગી વકીલોએ ભોગ આપવો જોઇએ, કેટલા જોઇએ, થોડા થોડા થોડી થોડી મુદતને સારુ આવે તો ચાલે કે નહીં. વગેરે પ્રશ્નો મને પૂછયા. વકીલોને તેમની ત્યાગની કેટલી શક્તિ હતી તે પૂછયું.

છેવટે તેમણે આ નિશ્વય જણાવ્યો : ‘અમે આટલા જણ તમે જે કામ સોંપશો તે કરી દેવા તૈયાર રહીશું. એમાંના જેટલાને જે વખતે માગશો તેટલા તમારી પાસે રહેશે. જેલ જવાની વાત નવી છે. તે વિષે અમે શક્તિ મેળવવા કોશિશ કરશું.’


The Gentle Bihari


Categories: સત્યના પ્રયોગો | 3 Comments

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૨. ગળીનો ડાઘ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ ‘તીનકઠિયા’ કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ.

મારે કબૂલ કરવું જોઈએ કે હું ત્યાં પહોંચ્યો તેના પહેલાં ચંપારણનાં નામનિશાન જાણતો નહોતો. ગળીનું વાવેતર થાય છે એ ખ્યાલ પણ નહીં જેવો જ હતો. ગળીની ગોટીઓ જોઈ હતી, પણ એ ચંપારણમાં બનતી હતી ને તેને અંગે હજારો ખેડૂતોને દુ:ખ વેઠવું પડતું હતું એની કશી ખબર નહોતી.

રાજકુમાર શુક્લ કરીને ચંપારણના એક ખેડૂત હતા. તેમની ઉપર દુ:ખ પડેલું. એ દુ:ખ એમને કઠતું હતું. પણ તેમને આ ગળીના ડાઘ બધાને સારુ ધોઈ નાખવાની ધગશ પોતાના દુ:ખમાંથી થઇ આવી હતી.

લખનૌની મહાસભામાં હું ગયો ત્યાં આ ખેડૂતે મારો કેડો પકડ્યો. ‘વકીલ બાબુ આપકો સબ હાલ બતાયેંગે,’ એમ કહેતા જાય ને મને ચંપારણ જવાને નોતરતા જાય.

વકીલ બાબુ તે મારા ચંપારણના પ્રિય સાથી, બિહારના સેવાજીવનના પ્રાણ બ્રજકિશોરબાબુ. તેમને રાજકુમાર શુક્લ મારા તંબૂમાં લાવ્યા. તેમણે કાળું આલપાકાનું અચકન, પાટલૂન વગેરે પહેરેલાં. મારી ઉપર કંઈ સારી છાપ ન પડી. મેં માની લીધું કે ભોળા ખેડૂતોને લૂંટનાર આ કોઈ વકીલ સાહેબ હશે.

૧૯૧૭ની સાલના આરંભમાં કલકત્તાથી અમે બે જણ રવાના થયા. બંને સરખી જોડી. બંને ખેડૂત જેવા જ લાગીએ. રાજકુમાર શુક્લ લઈ ગયા તે ગાડીમાં અમે બંને પેઠા. સવારના પટણા ઊતર્યા.

મને તે રાજેન્દ્રબાબુને ત્યાં લઈ ગયા. રાજેન્દ્રબાબુ પુરી કે ક્યાંક ગયા હતા. બંગલે એકબે નોકર હતા. ખાવાનું કંઈક મારી સાથે હતું. મારે ખજૂર જોઈતું હતું તે બિચારા રાજકુમાર શુક્લ બજારમાંથી લાવ્યા.

પણ બિહારમાં તો છૂતાછૂતનો રિવાજ સખત હતો. મારી ડોલના પાણીના છાંટા નોકરને અભડાવે. નોકર શું જાણે કે હું કઈ જાતનો હોઈશ. અંદરના પાયખાનાનો ઉપયોગ કરવાનું રાજકુમારે બતાવ્યું. નોકરે બહારના પાયખાના તરફ આંગળી ચીંધી. મને આમાં ક્યાંયે મૂંઝાવાનું કે રોષનું કારણ નહોતું. આવા અનુભવોમાં હું રીઢો થયો હતો. નોકર તો પોતાનો ધર્મ પાળતો હતો, ને રાજેન્દ્રબાબુ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હતો. આ રમૂજી અનુભવોમાંથી રાજકુમાર શુક્લ વિશે જેમ મારું માન વધ્યું તેમ તેમને વિશે મારું જ્ઞાન પણ વધ્યું. પટણાથી મેં લગામ હાથ કરી.


The Stain Of Indigo


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૧. ગિરમીટની પ્રથા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


નવા વસેલા અને આંતરબાહ્ય તોફાનોમાંથી ઊગરી ગયેલા આશ્રમને છોડી હમણાં ગિરમીટની પ્રથાનો થોડો વિચાર કરી લેવાનો સમય આવ્યો છે. ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલ મજૂરો. આવા નાતાલના ગિરમીટિયા ઉપરથી ત્રણ પાઉંડનો વાર્ષિક કર સન ૧૯૧૪માં નાબૂદ થયો હતો, પણ એ પ્રથા હજુ બંધ નહોતી થઈ. સન ૧૯૧૬માં ભારતભૂષણ પંડિત માલવીયાજીએ આ પ્રશ્ન ધારાસભામાં ઉઠાવ્યો હતો, અને લૉર્ડ હાર્ડિંગે તેમનો ઠરાવ સ્વીકારી લઈને જાહેર કરેલું કે એ પ્રથા ‘સમય આવતાં’ નાબૂદ કરવાનું વચન શહેનશાહ પાસેથી મને મળ્યું છે. પણ એ પ્રથા તત્કાળ બંધ કરવાનો નિર્ણય થઈ જવો જોઈએ એમ મને તો સ્પષ્ટ જણાયું. આ પ્રથાને હિંદુસ્તાને પોતાની બેદરકારીથી ઘણાં વર્ષ નિભાવી લીધી હતી. હવે એ બંધ થઈ શકે એટલી જાગૃતિ લોકોમાં છે એમ મેં માન્યું. કેટલાક આગેવાનોને મળ્યો, કંઈક છાપાંમાં આ વિશે લખ્યું, ને મેં જોયું કે લોકમત આ પ્રથા કાઢી નાખવાના પક્ષનો હતો. આમાં સત્યાગ્રહનો ઉપયોગ થઈ શકે? મને તેને વિશે શંકા નહોતી. પણ કેમ તે હું નહોતો જાણતો.

ભ્રમણ શરૂ કરતાં પહેલાં ના. વાઇસરૉયને મળી લેવું ઉચિત ધાર્યું. તેમણે તરત મને મળવાની તારીખ મોકલી. તે વખતના મિ. મેફી, હવે સરજોન મેફી, તેમના મંત્રી હતા. મિ. મેફીની સાથે મને ઠીક સંબંધ બંધાયો. લૉર્ડ થેમ્સફર્ડની સાથે સંતોષકારક વાત થઈ. તેમણે નિશ્ચયપૂર્વક તો કંઈ ન કહ્યું, પણ મને તેમની મદદની આશા બંધાઈ.

મુંબઈથી શ્રી જાયજી પિટીટની અથાગ મહેનતથી સ્ત્રીઓનું એક ડેપ્યુટેશન વાઇસરૉય પાસે ગયું. તેમાં લેડી તાતા, મરહૂમ દિલશાદ બેગમ વગેરે હતાં. બધી બહેનોનાં નામ તો મને યાદ નથી, પણ એ ડેપ્યુટેશનની અસર બહુ સારી થઈ, ને ના. વાઇસરૉયે તેમને આશાભર્યો ઉત્તર આપ્યો હતો.

કરાંચી, કલકત્તા વગેરે જગ્યાઓએ પણ હું પંહોચી વળ્યો હતો. બધે ઠેકાણે સરસ સભાઓ થયેલી, ને બધે ઠેકાણે લોકોનો ઉત્સાહ ખૂબ હતો. જ્યારે આરંભ કર્યો ત્યારે આવી સભાઓ થવાની કે આટલી સંખ્યામાં લોકોની હાજરીની મેં આશા રાખી નહોતી.

૩૧મી જુલાઈ પહેલાં ગિરમીટની પ્રથા બંધ થવાનો ઠરાવ બહાર પડ્યો. સન ૧૮૯૪ની સાલમાં આ પ્રથાને વખોડનારી પહેલી અરજી મેં ઘડી હતી, ને કોઈક દિવસે આ ‘અર્ધ ગુલામગીરી’ રદ થશે જ એમ આશા રાખી હતી. ૧૮૯૪થી શરૂ થયેલા આ પ્રયત્નમાં ઘણાની મદદ હતી. પણ આની પાછળ શુદ્ધ સત્યાગ્રહ હતો એમ કહ્યા વિના નથી રહેવાતું.

આ કિસ્સાની વધારે વિગત અને તેમાં ભાગ લેનારાં પાત્રોની હકીકત દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં વાંચનારને વધારે મળશે.


Abolition Of Indentured Emigration


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૦. કસોટીએ ચડ્યા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી મને આશા નહોતી તેવી અમારી કસોટી થઈ. ભાઈ અમૃતલાલ ઠક્કરનો કાગળ મળ્યો: ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવી રહેવાની છે. તેને લેશો?’

હું ભડક્યો ખરો. ઠક્કરબાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી મેં મુદ્દલ આશા રાખી નહોતી. સાથીઓને કાગળ વંચાવ્યો. તેમણે વધાવ્યો. તે કુટુંબ આશ્રમના નિયમ પાળવા તૈયાર હોય તો તેને લેવાની તૈયારી ભાઈ અમૃતલાલ ઠક્કરને જણાવી.

દૂદાભાઈ, તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી લક્ષ્મી આવ્યાં. દૂદાભાઈ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. નિયમોનું પાલન કરવા તૈયાર હતા. તેમને આશ્રમમાં લીધા.

જે ભાઈએ આશ્રમના નિયમો પાળનારા અંત્યજોના પ્રવેશ વિશે પ્રથમથી જ શંકા કરી હતી તેમને તો આશ્રમમાં અંત્યજ દાખલ થવાની આશા જ નહોતી. પૈસાની મદદ બંધ પડી.

છેવટે મગનલાલે મને નોટિસ આપી: ‘આવતે મહિને આશ્રમખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી.’ મેં ધીરજથી જવાબ આપ્યો: ‘તો આપણે અંત્યજવાડે રહેવા જઈશું.’

મારી ઉપર આવી ભીડ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી દીધી છે.

મગનલાલે નોટિસ આપ્યા પછી તુરત જ એક સવારે કોઈ બાળકે ખબર આપ્યા: ‘બહાર મોટર ઊભી છે, ને એક શેઠ તમને બોલાવે છે.’ હું મોટર પાસે ગયો. શેઠે મને પૂછ્યું: ‘મારી ઇચ્છા આશ્રમને કંઈ મદદ દેવાની છે, તમે લેશો?’ મેં જવાબ આપ્યો: જો કંઈ આપો તો હું જરૂર લઉં. મારે કબૂલ કરવું જોઈએ કે અત્યારે હું ભીડમાં પણ છું.’

‘હું કાલે આ જ વેળાએ આવીશ ત્યારે તમે આશ્રમમાં હશો?’ મેં હા કહી ને શેઠ ગયા. બીજે દહાડે નીમેલે સમયે મોટરનું ભૂંગળું વાગ્યું. બાળકોએ ખબર આપી. શેઠ અંદર ન આવ્યા. હું તેમને મળવા ગયો. તેઓ મારા હાથમાં રૂ. ૧૩,૦૦૦ની નોટો મૂકી ચાલતા થયા.

પણ જેમ બહાર ખળભળાટ થયો તેમ જ આશ્રમમાંયે થયો. જોકે દક્ષિણ આફ્રિકામાં મારે ત્યાં અંત્યજો વગેરે આવતા, રહેતા, જમતા, પણ અહીં અંત્યજ કુટુંબનું આવવું પત્નીને અને બીજા સ્ત્રીમંડળને ગમ્યું એમ ન કહેવાય. દાનીબહેન પ્રત્યેનો અણગમો નહીં તો તેમના પ્રત્યેની ઉદાસીનતા, એવી બાબતમાં મારી બહુ ઝીણી આંખ જોઈ જતી અને તીણા કાન સાંભળી જતા. આર્થિક મદદના અભાવની બીકે મને જરાયે ચિંતામાં નહોતો નાખ્યો. પણ આ આંતરખળભળાટ વસમો થઈ પડ્યો.

આ કુટુંબને આશ્રમમાં રાખીને આશ્રમને ઘણા પાઠ મળ્યા છે. અને આરંભકાળમાં જ અસ્પૃશ્યતાને આશ્રમમાં સ્થાન નથી જ એમ સાવ સ્પષ્ટ થઈ જવાથી, આશ્રમની મર્યાદા અંકાઈ ગઈ, ને તેનું કામ એ દિશામાં બહુ સરળ થઈ ગયું.

આ જ પ્રશ્ન અંગે બીજી પણ આશ્રમમાં થયેલી ચોખવટ, તેને અંગે ઊઠેલા નાજુક પ્રશ્નોનો ઉકેલ, કેટલીક અણધારી અગવડોનું વધાવી લેવું, વગેરે સત્યની શોધને અંગે થયેલા પ્રયોગોનાં વર્ણનો પ્રસ્તુત હોવા છતાં મારે મેલી જ દેવાં પડે છે, એનું મને દુ:ખ છે. આમ છતાં, અસહકારના યુગ લગી ઈશ્વર પહોંચવા દે તો પહોંચવું એવી મારી ઇચ્છા અને આશા છે.


On The Anvil


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૯. આશ્રમની સ્થાપના

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


સત્યાગ્રહાશ્રમની સ્થાપના ૧૯૧૫ના મેની ૨૫મીએ થઈ. શ્રદ્ધાનંદજીની માગણી એવી હતી કે મારે હરદ્વારમાં વસવું. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ વૈદ્યનાથધામમાં વસવાની હતી. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ રાજકોટમાં વસવાનો હતો.

પણ જ્યારે હું અમદાવાદમાંથી પસાર થયો ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું.

અમદાવાદના મિત્રોની સાથેના સંવાદોમાં અસ્પૃષ્યનો પ્રશ્ન ચર્ચાયો હતો. મેં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જો કોઈ લાયક અંત્યજ ભાઇ આશ્રમમાં દાખલ થવા માગશે તો હું તેને જરૂર દાખલ કરીશ.

‘તમારી શરતનું પાલન કરી શકે એવા અંત્યજ ક્યાં રેઢા પડ્યા છે?’ એમ એક વૈષ્ણવ મિત્રે પોતાના મનનો સંતોષ વાળ્યો. અને અમદાવાદમાં વસવાનો છેવટે નિશ્ચય થયો.

મકાનોની શોધ કરતાં, મને અમદાવાદમાં વસાવવામાં અગ્રભાગ લેનાર શ્રી જીવણલાલ બારિસ્ટર હતા, તેમનું કોચરબમાં આવેલ મકાન ભાડે લેવાનું ઠર્યું.

આશ્રમનું શું નામ રાખવું એ પ્રશ્ન તુરત ઊઠ્યો.અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો, અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષમાં કરાવવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજે આવી જતો હતો.

આશ્રમને ચલાવવાને સારુ નિયામાવલિની આવશ્યકતા હતી. તેથી નિયમાવલિ ઘડીને તેની ઉપર અભિપ્રાયો માગ્યા. ઘણા અભિપ્રાયોમાં સર ગુરુદાસ બેનરજીએ આપેલો અભિપ્રાય મને યાદ રહી ગયો છે. તેમને નિયમાવલિ ગમી, પણ તેમણે સૂચના કરી કે વ્રતોમાં નમ્રતા વ્રતને સ્થાન આપવું જોઇએ. આપણા યુવકવર્ગમાં નમ્રતાના વ્રતની ઊણપ છે એમ તેમના કાગળનો ધ્વનિ હતો. જોકે નમ્રતાનો અભાવ હું ઠેકઠેકાણે અનુભવતો હતો, છતાં નમ્રતાને વ્રતમાં સ્થાન દેવાથી નમ્રતા નમ્રતા મટી જવાનો આભાસ આવતો હતો. નમ્રતાનો પૂરો અર્થ તો શૂન્યતા છે. શૂન્યતાને પહોંચવાને અર્થે બીજાં વ્રતો હોય. શૂન્યતા એ મોક્ષની સ્થિતિ. મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જો નમ્રતા-નિરભિમાનતા ન હોય તો તે મુમુક્ષુ નથી, સેવક નથી. તે સ્વાર્થી છે, અહંકારી છે.

આશ્રમમાં આ વખતે લગભગ તેર તામિલ હતા. મારી સાથે દક્ષિણ આફ્રિકાથી પાંચ તામિલ બાળકો આવ્યા હતા, ને બીજાં અહીંથી લગભગ પચીસ સ્ત્રીપુરુષોથી આશ્રમનો આરંભ થયો હતો. બધાં એક રસોડે જમતાં હતાં, ને એક જ કુટુંબ હોય એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરતાં હતાં


Founding Of The Ashram


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૮. લક્ષ્મણ ઝૂલા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પહાડ જેવા લાગતા મહાત્મા મુનશીરામજીનાં દર્શન કરવા ને તેમનું ગુરુકુલ જોવા ગયો ત્યારે મને બહુ શાંતિ મળી. હરદ્વારનો ઘોંઘાટ ને ગુરુકુલની શાંતિની વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોવામાં આવતો હતો..

મેં લક્ષ્મણ ઝૂલાની સ્તુતિ ખૂબ સાંભળી હતી. હ્રષીકેશ ગયા વિના હરદ્વાર ન છોડવાની મને ઘણાની ભલામણ થઈ. મારે તો ત્યાં ચાલતા જવું હતું. એટલે એક મજલ હ્રષીકેશની ને બીજી લક્ષ્મણ ઝૂલાની હતી.

હ્રષીકેશમાં ઘણા સંન્યાસીઓ મળવા આવ્યા હતા. અમારી વચ્ચે ધર્મની ચર્ચા થઈ. મને ધર્મની તીવ્ર લાગણી છે એમ તેમણે જોયું. હું ગંગાસ્નાન કરીને આવ્યો હતો એટલે શરીર ઉઘાડું હતું. તેમણે મારે માથે શિખા ન જોઈ ને શરીરે જનોઈ ન જોઇ તેથી દુઃખ પામ્યા ને મને પૂછ્યું:

‘તમે આસ્તિક છો છતાં જનોઇ અને શિખા ન રાખો તેથી અમારા જેવાને દુઃખ થાય. આ બે હિંદુ ધર્મની બાહ્ય સંજ્ઞાઓ છે, ને તે દરેક હિંદુએ રાખવી જોઇએ.’

‘જનોઈ તો હું ધારણ નહીં કરું. અસંખ્ય હિંદુઓ જે નથી પહેરતાં છતાં હિંદુ ગણાય છે, તે મારે પહેરવાની હું જરૂર નથી જોતો. વળી જનોઇ ધારણ કરવી એટલે બીજો જન્મ લેવો; એટલે આપણે ઇરાદાપૂર્વક શુદ્ધ થવું, ઊર્ધ્વગામી થવું. અત્યારે હિંદુ સમાજ અને હિંદુસ્તાન પડેલાં છે, તેમાં જનોઇ પહેરવાનો આપણને અધિકાર જ ક્યાં છે? હિંદુ સમાજ અસ્પૃશ્યતાનો મેલ ધુએ, ઊંચનીચની વાત ભૂલી જાય, બીજા ઘર કરી ગયેલા દોષો કાઢે, ચોમેર ફેલાયેલાં અધર્મ, પાખંડ દૂર કરે, ત્યારે તેને જનોઇનો અધિકાર ભલે હો. એટલે જનોઇ ધારણ કરવાની તમારી વાતનો મને ઘૂંટડો નથી ઊતરતો, પણ શિખા વિષેની તમારી વાત મારે અવશ્ય વિચારવી પડશે. તે તો હું રાખતો. તે મેં શરમ અને બીકને માર્યે કપાવી નાખી છે. તે ધારણ કરવી જોઇએ એમ મને લાગે છે. મારા સાથીઓ જોડે આ વાત હું વિચારી લઈશ.’

શિખાનો ત્યાગ મને પોતાને શરમ ઉપજાવનારો હતો, તેથી સાથીઓની સાથે ચર્ચા કરી તે ધારણ કરવાનો મેં નિશ્ચય કર્યો. પણ હવે આપણે લક્ષ્મણ ઝૂલા જવું જોઇએ.

હ્રષીકેશ અને લક્ષ્મણ ઝૂલાનાં કુદરતી દૃશ્યો બહુ ગમ્યાં. કુદરતની કળા ઓળખવાની પૂર્વજોની શક્તિ વિષે ને કળાને ધાર્મિક સ્વરૂપ આપવાની તેમની દૂરંદેશી વિષે મનમાં અતિ માન થયું.

પણ મનુષ્યની કૃતિથી ચિત્તને શાંતિ ન થઈ. જેમ હરદ્વારમાં તેમ હ્રષીકેશમાં લોકો રસ્તાઓ અને ગંગાનો સુંદર કિનારો ગંદો કરી મૂકતા હતા. ગંગાનું પવિત્ર પાણી બગાડતાં પણ તેમને કશો સંકોચ નહોતો થતો. હાજતે જનારા દૂર જવાને બદલે જ્યાં માણસોની આવજા હોય ત્યાં હાજતે જતા હતા. આ જોઇને હ્રદયને બહુ આઘાત પહોંચ્યો.


લક્ષ્મણ ઝુલા


લક્ષ્મણ ઝૂલા જતાં લોઢાનો ઝૂલતો પુલ જોયો. લોકોની પાસેથી સાંભળ્યું કે આ પુલ પ્રથમ તો દોરડાનો પણ ઘણો મજબૂત હતો. તેને તોડીને એક ઉદાર દિલના મારવાડી ગૃહસ્થે મોટું દાન આપી લોખંડનો પુલ બનાવરાવ્યો ને તેની ચાવી સરકારને સોંપી! દોરડાના પુલનો મને કશો ખ્યાલ નથી, પણ લોખંડનો પુલ કુદરતી વાતાવરણને કલુષિત કરતો હતો ને બહુ અળખામણો લાગતો હતો. યાત્રાળુઓના આ રસ્તાની ચાવી સરકારને હસ્તક સોંપવામાં આવી એ મારી તે વેળાની વફાદારીને પણ અસહ્ય લાગ્યું.

ત્યાંથી વધારે દુઃખદ દૃશ્ય સ્વર્ગાશ્રમ હતું. જસતનાં પતરાંની તબેલા જેવી કોટડીઓને સ્વર્ગાશ્રમનું નામ આપવામાં આવ્યું હતું. આ સાધકોને સારુ બનાવવામાં આવી હતી એમ મને કહેવામાં આવ્યું. તેમાં ભાગ્યે કોઇ સાધક એ વખતે રહેતા હતા. આને લગતા મુખ્ય મકાનમાં રહેનારાઓએ પણ મારી ઉપર સારી છાપ ન પાડી.

પણ હરદ્વારના અનુભવો મારે સારુ અમૂલ્ય નીવડ્યા. મારે ક્યાં વસવું ને શું કરવું એનો નિશ્ચય કરવામાં હરદ્વારના અનુભવોએ મને બહુ મદદ કરી.


Lakshman Jhula


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૭. કુંભ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મારે દાક્તર પ્રાણજીવન મહેતાને મળવા રંગૂન જવાનું હતું. ત્યાં જતાં કલકત્તામાં શ્રી ભૂપેન્દ્રનાથ બસુના આમંત્રણથી હું તેમને ત્યાં ઊતર્યો હતો.

રંગૂન જતાં સ્ટીમરમાં હું ડેકનો ઉતારુ હતો.

આ ૧૯૧૫ની સાલમાં હરદ્વારમાં કુંભમેળો હતો. તેમાં જવાની મને તીવ્ર ઇચ્છા નહોતી. પણ મારે મહાત્મા મુનશીરામજીનાં દર્શને તો જવું જ હતું. કુંભને સમયે ગોખલેની સેવકસમાજે એક મોટી ટુકડી મોકલી હતી. તેની વ્યવસ્થા શ્રી હ્રદયનાથ કુંઝરુને હાથ હતી. મરહૂમ દાક્તર દેવ પણ તેમાં હતા. આમાં મદદ કરવા મારી ટુકડીને લઈ જવી એવો ઠરાવ હતો. મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહેલી ટુકડીને લઈને મારાથી પહેલાં હરદ્વાર પહોંચી ગયા હતા. હું રંગૂનથી વળી એમની સાથે જોડાઇ ગયો.

કલકત્તેથી હરદ્વાર પહોંચતાં ખૂબ મૂંઝાવું પડેલું. ડબ્બાઓમાં કેટલીક વેળા દીવાબત્તી પણ ન મળે. ભાવિક હિંદુ ઘણી તરસ છતાં ‘મુસલમાન પાણી’ આવે તે ન જ પીએ. ‘હિંદુ પાણી’નો પોકાર થાય ત્યારે જ પાણી પીએ. આ જ ભાવિક હિંદુને દવામાં દાક્તર દારૂ આપે, મુસલમાન કે ખ્રિસ્તી પાણી આપે, માંસનું સત્ત્વ આપે, તે લેવામાં ન સંકોચ આવે ને ન પૂછવાપણું હોય.

અમે શાંતિનિકેતનમાં જ જોયું હતું કે ભંગીનું કામ કરવું એ તો અમારો હિંદુસ્તાનમાં વિશેષ ધંધો થઈ જ પડશે. ખાડાઓમાં પડતો મળ વખતોવખત ઢાંકવાનું ને તેને બીજી રીતે સાફ રાખવાનું કામ ફિનિક્સની ટુકડીએ ઉપાડી લેવાની મારી માગણીનો દાક્તર દેવે ખુશીની સાથે સ્વીકાર કર્યો. આ સેવા કરવાની માગણી કરનારો હું, પણ બોજો ઉપાડનાર મગનલાલ ગાંધી.

મારો ધંધો તો ઘણે ભાગે તંબૂમાં બેસી ‘દર્શન’ દેવાનો અને અનેક યાત્રાળુઓ આવે તેમની સાથે ધર્મની અને એવી બીજી ચર્ચાઓ કરવાનો થઈ પડ્યો. દર્શન દેતાં હું અકળાયો. તેમાંથી એક મિનિટની ફુરસદ ન મળે.દક્ષિણ આફ્રિકામાં જે કંઇ સેવા થઈ શકી હતી તેની આટલી ઊંડી અસર આખા ભરતખંડમાં થઈ હશે તે મેં હરદ્વારમાં અનુભવ્યું.

હું તો ઘંટીના પડની વચ્ચે પિસાવા લાગ્યો. છતો ન હોઉં ત્યાં ત્રીજા વર્ગના મુસાફર તરીકે અગવડો ભોગવું, જ્યાં ઊતરું ત્યાં દર્શનાર્થીના પ્રેમથી અકળાઉં. બેમાંથી કઈ સ્થિતિ વધારે દયાજનક હશે એ કહેવું ઘણી વાર મારે સારુ મુશ્કેલ થઈ પડ્યું છે.

ભ્રમણમાં મેં લોકોની ધર્મભાવના કરતાં તેમનું બેબાકળાપણું, તેમની ચંચળતા, પાખંડ, અવ્યવસ્થા બહુ જોયાં. સાધુઓનો રાફડો ફાટ્યો હતો. તે કેવળ માલપૂડા ને ખીર જમવાને જ જન્મ્યા હોય એવા જણાયા. અહીં મેં પાંચ પગાળી ગાય જોઈ. હું તો આશ્ચર્ય પામ્યો. પણ અનુભવી માણસોએ મારું અજ્ઞાન તરત દૂર કર્યું. પાંચ પગાળી ગાય તો દુષ્ટ લોભી લોકોનું બલિદાન હતું. આ ગાયની કાંધમાં વાછરડાના જીવતા પગ કાપીને, કાંધને છેદી તેમાં તે ચોંટાડી દેવામાં આવતા હતા, ને આ બેવડી ઘાતકી ક્રિયાનું પરિણામ અજ્ઞાની લોકોને ધૂતવાને સારુ વાપરવામાં આવતું હતું. પાંચ પગાળી ગાયનાં દર્શન કરવા ક્યો હિંદુ ન લલચાય? તે દર્શનને સારુ તે જેટલું દાન દે તે થોડું.

કુંભનો દિવસ આવ્યો. મારે સારુ એ ધન્ય ઘડી હતી. હું યાત્રાની ભાવનાથી નહોતો ગયો. મને તીર્થક્ષેત્રમાં પવિત્રતાની શોધે જવાનો મોહ કદી નથી રહ્યો. પણ સત્તર લાખ માણસો પાખંડી હોય નહીં. મેળામાં સત્તર લાખ માણસો આવ્યાં હશે એમ કહેવાયું હતું. આમાં અસંખ્ય માણસો પુણ્ય કમાવાને સારુ, શુદ્ધિ મેળવવાને સારુ આવેલાં એને વિષે મને શંકા નહોતી. આવા પ્રકારની શ્રદ્ધા કેટલે સુધી આત્માને ચડાવતી હશે એ કહેવું અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ.

મારું જીવન વ્રતો ઉપર રચાયેલું છે, તેથી કઈંક કઠિન વ્રત લેવાનો નિશ્ચય કર્યો. કલકત્તા અને રંગૂનમાં મારે નિમિત્તે યજમાનોને થયેલા અનાવશ્યક પરિશ્રમનું મને સ્મરણ થયું, તેથી મેં ખોરાકની વસ્તુઓની મર્યાદા બાંધવાનો ને અંધારા પહેલાં જમી લેવાનું વ્રત લેવાનો નિશ્ચય કર્યો. મેં જોયું કે, જો હું મર્યાદા નહીં જાળવું તો યજમાનોને ભારે અગવડરૂપ થઈશ ને સેવા કરવાને બદલે દરેક જગ્યાએ મારી સેવામાં જ લોકોને રોકતો થઈ જઈશ. તેથી ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓ ઉપરાંત કંઇ ખાવાનું ન લેવાનું ને રાત્રિભોજનત્યાગનું વ્રત લીઘું જ. બંનેની કઠિનાઇનો પૂરો વિચાર કરી લીધો. આ વ્રતોમાં એક પણ બારી ન રાખવાનો નિશ્ચય કર્યો. માંદગીમાં દવારૂપે ઘણી વસ્તુઓ લેવી કે ન લેવી, દવાને વસ્તુમાં ગણવી કે ન ગણવી, આ બધી વાતો વિચારી લીધી, ને નિશ્ચય કર્યો કે ખાવાના કોઇ પણ પદાર્થો પાંચ ઉપરાંત ન લેવા. આ બે વ્રતોને તેર વર્ષ થયાં. તેમણે મારી પરીક્ષા ઠીક કરી છે. પણ જેમ પરીક્ષા કરી છે તેમ તે મારે સારુ ઢાલરૂપ પણ ઠીક બન્યાં છે. આ વ્રતોએ મારી જિંદગી લંબાવી છે એવો મારો અભિપ્રાય છે. તેથી હું ઘણીયે વેળા માંદગીઓમાંથી બચી ગયો છું એમ માનું છું.


Kumbha Mela


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.