Daily Archives: 25/09/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૧૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ભાગ ચોથો:
૩૩.અક્ષરકેળવણી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ગયા પ્રકરણમાં શારીરિક કેળવણી અને તેને અંગે કંઈક હાથકારીગરી શીખવવાનું કામ ટૉલ્સ્ટૉય આશ્રમમાં કેવી રીતે આરંભ્યું એ આપણે કેટલેક અંશે જોઈ ગયા. જોકે આ કામ મને સંતોષ થાય તેવી રીતે તો નહોતો જ કરી શક્યો. છતાં તેમાં ઓછીવત્તી સફળતા મળી હતી. પણ અક્ષરજ્ઞાન આપવું કઠિન લાગ્યું. મારી પાસે તેને પહોંચી વળવાની સામગ્રી નહોતી. મને પોતાને હું ઇચ્છું તેટલો વખત નહોતો, તેટલી આવડત નહોતી. આખા દહાડાના શારીરિક કામ કરતાં હું થાકી જતો, ને જે વખતે જરા આરામ લેવાની ઇચ્છા થાય તે જ વખતે વર્ગ લેવાનો રહેતો. તેથી હું તાજો હોવાને બદલે બળાત્કારે જાગ્રત રહી શકતો હતો. સવારનો વખત ખેતી અને ઘરકામમાં જતો, એટલે બપોરના જમ્યા પછી તુરત નિશાળ ચાલતી. આ સિવાય બીજો કોઈ પણ વખત અનુકૂળ નહોતો.

અક્ષરજ્ઞાનને સારુ વધારેમાં વધારે ત્રણ કલાક રાખ્યા હતા.

મારું તામિલ જ્ઞાન તે સ્ટીમરોમાં ને જેલમાં મેળવેલું. તેમાં પણ પોપકૃત ઉત્તમ ’તામિલ-સ્વયંશિક્ષક’થી આગળ હું વધી શક્યો નહોતો.

ઉર્દૂ લિપિનું જ્ઞાન સ્ટીમરોમાં મેળવેલું તે જ; ને ખાસ ફારસી અરબી શબ્દોનું જ્ઞાન જેટલું મુસલમાન મિત્રોના પરિચયથી મેળવી શકેલો તેટલું !

સંસ્કૃત જે હાઈસ્કૂલમાં શીખેલો તે જ.

ગુજરાતી પણ નિશાળિયું જ.

આટલી પૂંજીથી મારે કામ લેવાનું હતું.

વિદ્યાર્થીઓ પાસે અજ્ઞાન ઢાંકવાનો મેં કદી પ્રયત્ન જ ન કર્યો. બધી બાબતોમાં જેવો હું હતો તેવો જ તેઓ મને જાણતા થયા હતા. આથી અક્ષરજ્ઞાનની ગાઢ ન્યૂનતા છતાં મેં તેમના પ્રેમ ને આદર કદી ન ગુમાવ્યા.

મુખ્યપણે આ બાળકો બધા નિરક્ષર અને નિશાળમાં ન ભણેલા હતા. શીખવતાં શીખવતાં મેં જોયું કે મારે તેમને શીખવવાનું ઓછું જ હતું. તેમનું આળસ મુકાવવાનું, તેમને પોતાની મેળે વાંચતા કરવાનું, તેમના અભ્યાસની ચોકી રાખવાનું જ વધારે હતું.

પાઠ્યપુસ્તકોની જે બૂમ વખતોવખત સાંભળવામાં આવે છે તેની મને કદી ગરજ લાગી નહોતી.

ઘણાં પુસ્તકોમાંનું મેં જે પચાવ્યું હતું તે તેમને મારી ભાષામાં કહી ગયો, તે તેમને આજે પણ યાદ હશે એમ હું માનું છું. વંચાવેલું યાદ રાખવામાં તેમને કલેશ થતો, મેં સંભળાવેલું તેઓ તે જ ક્ષણે મને ફરી સંભળાવી જતા. વાંચવામાં તેમને કંટાળો આવતો. સાંભળવામાં, જ્યારે હું પોતે થાકને લીધે કે બીજા કારણસર મંદ અને નીરસ ન હોઉં ત્યારે, તેઓ રસ લેતા ને સાંભળતા. તેમને પ્રશ્નો ઊઠતા તેનો ઉકેલ કરવામાં મને તેમની ગ્રહણશક્તિનું માપ આવી જતું.


Literary Training


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.