Daily Archives: 23/09/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૧. ઉપવાસ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


દૂધ અને અનાજ છોડી ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો, તે જ અરસામાં સંયમના હેતુથી ઉપવાસો પણ શરૂ કર્યા.

ઉપવાસના પ્રયોગોના આરંભને સમયે શ્રાવણ માસ આવતો હતો. તે વર્ષે રમજાન અને શ્રાવણ માસ સાથે હતા.

આ મહત્વના પ્રયોગનો આરંભ ટોલ્સ્ટોય આશ્રમમાં થયો. ત્યાં સત્યાગ્રહી કેદીઓનાં કુટુંબો સાચવીને કેલનબેંક અને હું રહેતા. આમાં બાળકો અને નવયુવકો પણ હતા. તેમને અર્થે નિશાળ ચાલતી. આ જુવાનિયાઓમાં ચારપાંચ મુસલમાન હતા. તેમને ઈસ્લામના નિયમો પાળવામાં હું મદદ કરતો ને ઉત્તેજન આપતો. આ મુસલમાન નવયુવકોને રોજા રાખવામાં મેં ઉત્તેજન આપ્યું. મારે તો પ્રદોષ રાખવા જ હતા. પણ હિંદુઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓને પણ મુસલમાન યુવકોને સાથ આપવાની મેં ભલામણ કરી. સંયમમાં સાથ બધાને આપવો એ સ્તુત્ય છે એમ તેમને મેં સમજાવ્યું. ઘણા આશ્રમવાસીઓએ મારી વાત ઝીલી લીધી. હિંદુઓ અને પારસીઓ મુસલમાન સાથીઓનું છેક અનુકરણ નહોતા કરતા, કરવાની આવશ્યકતા નહોતી. મુસલમાન સૂરજ ડૂબવાની રાહ જોતા ત્યારે બીજા તે પહેલાં જમી લેતા, કે જેથી મુસલમાનોને તેઓ પીરસે ને તેઓને સારુ ખાસ વસ્તુઓ તૈયાર કરે. વળી મુસલમાનો સરગી કરે તેમાં બીજાઓને ભાગ લેવાપણું નહોતું. અને મુસલમાનો દિવસના પાણી પણ ન પીએ, બીજાઓ પાણી છૂટથી પીતા.

આ પ્રયોગનું એક પરિણામ એ આવ્યું કે ઉપવાસ અને એકટાણાનું મહત્વ સહુ સમજ્વા લાગ્યા. એકબીજા પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વધ્યાં. આશ્રમમાં અન્નાહારનો નિયમ હતો. આ નિયમનો સ્વીકાર મારી લાગણીને લીધે થયો હતો એમ મારે આ સ્થાને આભારપૂર્વક કબૂલ કરવું જોઈએ. રોજાને સમયે મુસલમાનોને માંસનો ત્યાગ વસમો લાગ્યો હશે, પણ નવયુવકોમાંથી કોઈએ મને તેવું જણાવા નહોતું દીધું. તેઓ અન્નાહાર આનંદ અને સ્વાદપૂર્વક કરતા. હિંદુ બાળકો આશ્રમમાં અશોભતી ન લાગે એવી સ્વાદિષ્ટ રસોઈ પણ તેમને સારુ કરતા.

મારા ઉપવાસનું વર્ણન કરતાં આ વિષયાંતર મેં ઈરાદાપૂર્વક કર્યુ છે, કેમ કે એ મધુર પ્રસંગ બીજે સ્થળે હું ન વર્ણવી શકત.

આમ આશ્રમમાં સંયમી વાતાવરણ સહેજે વધ્યું. બીજા ઉપવાસો અને એકટાણામાં પણ આશ્રમમાં રહેનારા ભળવા લાગ્યા. અને એનું પરિણામ શુભ આવ્યું એમ હું માનું છું. કેટલાક મિત્રોનો અનુભવ એવો પણ છે કે, ઉપવાસને અંતે વિષયેચ્છા અને સ્વાદો તીવ્ર થાય છે. એટલે કે, ઉપવાસ દરમ્યાન વિષય રોકવાની ને સ્વાદને જીતવાની સતત ભાવના હોય તો જ તેનું શુભ ફળ આવે. મન વિના થયેલા શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિણામ વિષય રોકવામાં નીપજ્શે એમ માનવું કેવળ ભૂલભરેલું છે. ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક આ સ્થળે બહુ વિચારવા યોગ્ય છે:

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । रसवर्जं रसोडप्पस्य परं दृष्ट्वा निवर्तते ।।

ઉપવાસીના વિષયો (ઉપવાસ દરમ્યાન) શમે છે; તેનો રસ નથી જતો. રસ તો ઈશ્વરદર્શનથી જ-ઈશ્વરપ્રસાદથી જ શમે.

એટલે કે, ઉપવાસાદિ સંયમીના માર્ગમાં એક સાધનરૂપે આવશ્યક છે. પણ તે જ બધું નથી. અને જો શરીરના ઉપવાસની સાથે મનનો ઉપવાસ ન હોય, તો તે દંભમાં પરિણમે અને નુકસાનકારક નીવડે.


Fasting


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.