Daily Archives: 19/09/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૦. સંયમ પ્રતિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ખોરાકના કેટલાક ફેરફારો કસ્તૂરબાઈની માંદગીને નિમિત્તે થયા એ છેલ્લા પ્રકરણમાં કહી ગયો. પણ હવે તો દિવસે દિવસે બ્રહ્મચર્યની દ્રષ્ટિએ તેમાં ફેરફાર થતા ગયા.

તેમાં પ્રથમ ફેરફાર દૂધ છોડવાનો થયો.

જોકે મિ. કેલનબેંકની ઓળખ હું સત્યાગ્રહના ઈતિહાસમાં કરાવી ચૂક્યો છું અને આગલા એક પ્રકરણમાં પણ સહેજ ઉલ્લેખ કરી ગયો છું, પણ અહીં બે બોલ વધારે કહેવાની જરૂર છે. તેમનો મેળાપ મને અનાયાસે જ થયેલો.તે એકલે પંડ હતા. પોતાની એક જાત ઉપર જ ઘરભાડા ઉપરાંત લગભગ રૂ. ૧૨૦૦ દર માસે ખર્ચતા. તેમાંથી છેવટે એટલી સાદાઈ પર આવ્યા કે એક વખત તેમનું માસિક ખર્ચ રૂ. ૧૨૦ ઉપર જઈ ઊભું. મેં ઘરબાર વીંખ્યા પછી ને પહેલી જેલ પછી અમે બન્ને સાથે રહેવા લાગ્યા હતા. તે વખતે અમારું બન્નેનું જીવન ઘણું પ્રમાણમાં-સખત હતું.

મિ. કેલનબેંકે સૂચના કરી : ’દૂધના દોષોની તો આપણે ઘણી વેળા વાતો કરીએ છીએ. ત્યારે આપણે દૂધ કાં ન છોડીએ ? એની જરૂર તો નથી જ.ને અમે બન્નેએ ટોલ્સ્ટોય ફાર્મમાં તે જ ક્ષણે દૂધનો ત્યાગ કર્યો. આ બનાવ ૧૯૧૨ની સાલમાં બન્યો.

આટલા ત્યાગથી શાંતિ ન થઈ. કેવળ ફ્ળાહારનો અખતરો કરવો એ નિશ્ચય પણ દૂધના ત્યાગ પછી થોડી જ મુદતમાં કર્યો. ફળાહારની સગવડ પણ અમે ખૂબ અનુભવી. ફળાહારમાં ઘણે ભાગે ચૂલો સળગાવવાની જરૂર તો હોય જ નહીં. વગર ભૂંજેવી મગફળી, કેળાં, ખજૂર, લીંબુ ને જીતુનતું તેલ-આ અમારો સામાન્ય ખોરાક થઈ પડ્યો હતો.

બ્રહ્મચર્યનું પાલન કરવાની ઈચ્છા રાખનારને અહીં એક ચેતવણી આપવાની આવશ્યક્તા છે. જોકે મેં બ્રહ્મચર્યની સાથે ખોરાક અને ઉપવાસનો નિકટ સંબંધ બતાવ્યો છે, છતાં આટલું ચોક્ક્સ છે કે તેનો મુખ્ય આધાર મનની ઉપર છે. મેલું મન ઉપવાસથી શુધ્ધ થતું નથી. ખોરાક તેની ઉપર અસર કરતો નથી. મનનો મેલ વિચારથી, ઈશ્વરધ્યાનથી ને છેવટે ઈશ્વરપ્રસાદથી જ જાય છે. પણ મનને શરીરની સાથે નિકટ સંબંધ છે, અને વિકારી મન વિકારી ખોરાકને શોધે છે. વિકારી મન અનેક પ્રકારના સ્વાદો ને ભોગો શોધે છે. અને પછી તે ખોરાકો અને ભોગની અસર મન ઉપર થાય છે તેથી ને તેટલે અંશે ખોરાકની ઉપર અંકુશની અને નિરાહારની આવશ્યકતા અવશ્ય ઉત્પન્ન થાય છે. વિકારી મન શરીરની ઉપર, ઈન્દ્રિયોની ઉપર કાબૂ મેળવવાને બદલે શરીરને અને ઈન્દ્રિયોને વશ વર્તે છે, તેથી પણ શરીરને શુધ્ધ અને ઓછામાં ઓછા વિકારી ખોરાકની મર્યાદાની અને પ્રસંગોપાત્ત નિરાહારની-ઉપવાસની આવશ્યકતા રહી છે. એટલે જેઓ એમ કહે છે કે સંયમીને ખોરાકની મર્યાદાની કે ઉપવાસની જરૂર નથી તેઓ એટલા જ ભૂલમાં પડેલા છે, જેટલા ખોરાક અને નિરાહારને સર્વસ્વ માનનારા. મારો અનુભવ તો મને એમ શીખવે છે કે, જેનું મન સંયમ પ્રતિ જઈ રહ્યું છે તેને ખોરાકની મર્યાદા અને નિરાહાર બહુ મદદ કરનારાં છે. તેની મદદ વિના મનની નિર્વિકારતા અસંભવિત જણાય છે.


Towards Self-Restraint


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.