Daily Archives: 17/09/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૮. પત્નીની દૃઢતા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


કસ્તૂરબાઈ ઉપર ત્રણ ઘાતો ગઈ, અને ત્રણેમાંથી તે કેવળ ઘરઘરૌ ઉપચારોથી બચી ગઈ. તેમાંનો પહેલો પ્રસંગ બન્યો ત્યારે સત્યાગ્રહનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને વારંવાર રક્તસ્ત્રાવ (લોહીવા) થયાં કરતો. એક દાક્તર મિત્રે શસ્ત્રક્રિયા કરવાની ભલામણ કરી હતી. કેટલીક આનાકાની બાદ પત્નીએ શસ્ત્રક્રિયા કરાવવા હા પાડી.

આ બનાવ ડરબનમાં બન્યો હતો. બે કે ત્રણ દિવસ પછી મને નીશ્ચિતપણે જોહાનિસબર્ગ જવાની દાક્તરે રજા આપી. હું ગયો. થોડા જ દિવસમાં ખબર મળ્યા કે, કસ્તૂરબાઈનું શરીર મુદ્દલ વળતું નથી, ને તે પથારીએથી ઉઠી બેસી જ શકતી નથી. દાક્તરે મને જોહાનિસબર્ગ ટેલિફોન કર્યો : ” તમારા પત્નીને હું માંસનો સેરવો સાથે ‘બીફ ટી’ આપવાની જરૂર જોઉં છું. મને રજા મળાવી જોઈએ.”

મેં જવાબ આપ્યો, ‘મારાથી એ રજા નહીં અપાય. પણ કસ્તૂરબાઈ સ્વતંત્ર છે. તેને પૂછવા જેવી સ્થિતિ હોય તો પૂછો, ને તે લેવા માગે તો બેશક આપો.’

‘દરદીને આવી બાબતો પૂછવાની હું ના પાડું છું. તમારે પોતે અહીં આવવાની જરૂર છે.

મેં તે જ દહાડે દરબનની ટ્રેન લીધી. ડરબન પહોંચ્યો. દાક્તરે સમાચાર આપ્યા, મેં તો સેરવો પાઈને તમને ટેલિફોન કર્યો હતો!’

‘દાક્તર, આને હું દગો માનું છું,’ મેં કહ્યું.

‘દવા કરતી વખતે દગો બગો હું સમજતો નથી. અમે દાક્તરો આવે સમયે દરદી કે તેના સંબંધીઓને છેતરવામાં પુણ્ય માનીએ છીએ. અમારો ધર્મ તો ગમે તેમ કરીને દરદીને બચાવવાનો છે!’ દાક્તરે દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો.

મને ખૂબ દુઃખ થયું. હું શાંત રહ્યો. દાક્તર મિત્ર હતા. ભલા હતા. તેમનો અને તેમનાં પત્નીનો મારા ઉપર ઉપકાર હતો. પણ ઉપલી વર્તણૂક સહન કરવા હું તૈયાર ન હતો.

‘દાક્તર, હવે ચોખવટ કરો. શું કરવા માંગો છો? મારી પત્નીને હું કદી તેની ઈચ્છા વિના માંસ દેવા નહીં દઉ. તે ન લેતાં તેનું મૃત્યુ થવાનું હોય તો તે સહન કરવા તૈયાર છું.’

દાક્તર બોલ્યા, તમારી ફિલસૂફી મારે ઘેર તો નહીં જ ચાલે.

‘ત્યારે શું તમે એમ કહો છો કે મારે મારી પત્નીને હમણાં જ લઈ જવી?’

‘હું ક્યાં કહું છું લઈ જાઓ? હું તો કહું છું કે મારા પર કશા પ્રકારનો અંકુશ ન મૂકો.

હું ધારું છું કે તે વેળા મારો એક દીકરો મારી સાથે હતો. તેને મેં પૂછ્યું. તેણે કહ્યું, ‘તમે કહો છો એ મને કબૂલ છે. બાને માંસ તો ન જ અપાય.’

પછી હું કસ્તૂરબાઈ પાસે ગયો. તે બહુ અશક્ત હતી. તેને કંઈપણ પૂછવું મને દુઃખદેણ હતું. પણ ધર્મ સમજી મેં તેને ટૂંકામં ઉપરની વાત કહી સંભળાવી. તેણે દ્રઢતા પૂર્વક જવાબ આપ્યો: ‘ મારે માંસનો સેરવો નથી લેવો. મનખા દેહ વારે વારે નથી આવતો. ભલે તમારા ખોળામાં હું મરી જાઉં, પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં.’

હું બહુ રાજી થયો. લઈ જતાં ગભરાટ થયો. પણ નિશ્ચય કરી લીધો.

ઝરમર ઝરમર મેહ વરસતો હતો. સ્ટેશન દૂર હતું. ડરબનથી ફિનીક્સ રેલરસ્તો ને ફીનીક્સથી લગભગ અઢી માઈલનો પગરસ્તો હતો. જોખમ સારી પેઠે હતું.

પત્નીને મારે હિંમત આપવાપણું નહોતું. ઊલટું તેણે મને હિંમત આપીને કહ્યું, ‘મને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરજો.’

આ હાડપિંજરમાં વજન તો રહ્યું જ નહોતું. ખોરાક કંઈ ખવાતો નહોતો. ટ્રેનના ડબ્બા સુધી સ્ટેશનના વિશાળ પ્લૅટફૉર્મ ઉપર લાંબે સુધી ચાલીને જવાનું હતું. ફિનિક્સ તો પેલી ઝોળી આવેલી. તેમાં અમે આરામથી દરદીને લઈ ગયા. ત્યાં કેવળ પાણીના ઉપચારથી ધીમે ધીમે શરીર બંધાયું.

ફિનિક્સમાં પહોંચ્યા પછી બે ત્રણ દહાડામાં એક સ્વામી પધાર્યા. તેમણે અમારી ‘હઠ’ની વાત સાંભળી દયા ખાધી ને અમને બન્નેને સમજાવવા આવ્યા.અંતે કસ્તૂરબાઈએ આ સંવાદ આમ કહી બંધ કર્યો:

‘સ્વામીજી, તમે ગમે તેમ કહો પણ મારે માંસનો સેરવો ખાઈને સાજાં નથી થવું. હવે તમે મારું માથું ન દુખાવો તો તમારો પાડ. બાકી વાતો તમે છોકરાઓના બાપની સાથે પાછળથી કરવી હોય તો કરજો. મેં મારો નિશ્ચય તમને જણાવી દીધો.’


Kasturbai’s Courage


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.