Daily Archives: 16/09/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૭. ખોરાકના વધુ પ્રયોગો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મનવચનકાયાથી બ્રહ્મચર્યનું પાલન કેમ થાય એ એક ફિકર, અને સત્યાગ્રહના યુદ્ધને સારુ વધારેમાં વધારે વખત કેમ બચી શકે અને વધારે શુદ્ધિ કેમ થાય એ બીજી ફિકર. આ બે ફિકરોએ મને ખોરાકમાં વધારે સંયમ ને વધારે ફેરફારો કરવા પ્રેર્યો.

આમાં ઉપવાસ અને અલ્પાહારે વધારે સ્થાન લીધું. જેનામાં વિષયવાસના વર્તે છે તેનામાં જીભના સ્વાદો પણ સારી પેઠે હોય છે. આ સ્થિતિ મારી પણ હતી. જનનેન્દ્રિય તેમ જ સ્વાદેન્દ્રિય પર કાબૂ મેળવતાં મને અનેક વિટંબણાઓ નડી છે, ને હજુ બેઉની ઉપર પૂરો જય મેળવ્યો છે એવો દાવો હું નથી કરી શકતો.

આમાંથી મેં એ પણ અનુભવ્યું કે શરીર વધારે સ્વચ્છ થવાથી રસો વધ્યા, ભૂખ વધારે સારી થઈ, ને મેં જોયું કે ઉપવાસાદિ જેટલે અંશે સંયમનું સાધન છે તેટલે જ અંશે તે ભોગનું સાધન પણ થઈ શકે છે.

મારા આ પ્રયોગોમાં કેટલાક સાથીઓ હતા. આમાંના હરમાન કૅલનબૅક મુખ્ય હતા. તેમનો પરિચય ’દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ’માં હું આપી ચૂક્યો હોવાથી ફરી આ પ્રકરણોમાં આપવાનું માંડી વાળ્યું છે. તેમણે મારા પ્રત્યેક ઉપવાસમાં, એકટાણામાં, તેમ જ બીજા ફેરફારમાં મને સાથ દીધો હતો. જ્યારે લડત ખૂબ જામી હતી ત્યારે તો હું તેમના જ મકાનમાં રહેતો હતો. અમે બંને અમારા ફેરફારોની ચર્ચા કરતા, ને નવા ફેરફારોમાંથી પુરાણા રસો કરતાં વધારે રસ ખેંચતા. તે કાળે તો આ સંવાદો મીઠા પણ લાગતાં. તેમાં કંઈ અજુગતું હતું એમ ન લાગતું. અનુભવે શીખવ્યું કે એવા રસોમાં મહાલવું એ પણ અયોગ્ય હતું. એટલે કે માણસ રસને સારું નહીં પણ શરીર નભાવવા સારુ જ ખાય. પ્રત્યેક ઈંદ્રિય જયારે કેવળ શરીરને અને શરીર વાટે આત્માનાં દર્શનને જ અર્થે કાર્ય કરે ત્યારે તેમાંના રસો શૂન્યવત્‌ થાય છે, ને ત્યારે જ તે સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય.

ખોરાકના જે પ્રયોગોનું વર્ણન કરવામાં હું કંઈક સમય લેવા ધારું છું તે સમજાય તેટલા સારુ તેનો ઉદ્દેશ ને તેની પાછળ રહેલી વિચારસરણી રજૂ કરી દેવાની જરૂર હતી.


More Experiments In Dietetics


Categories: સત્યના પ્રયોગો | 1 Comment

Blog at WordPress.com.