Daily Archives: 11/09/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૪. ઝૂલુ ’બળવો’

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ઘર માંડીને બેઠા પછી સ્થિર થઈને બેસવાપણું મારે નસીબે રહ્યું જ નથી. જોહાનિસબર્ગમાં હું થાળે પાડ્યા જેવું લાગ્યું તેવી જ અણધારી બિના બની. નાતાલમાં ઝૂલુ ‘બળવો’ થયાના સમાચાર વાંચ્યા. મને કંઈ ઝુલુ લોકો સાથે વેર નહોતું; તેમણે એક પણ હિંદીનું નુકસાન નહોતું કર્યું. ‘બળવા’ ની યોગ્યતા વિશે પણ મને શંકા હતી. પણ અંગ્રેજી સલ્તનતને તે કાળે હું જગતનું કલ્યાણ કરનારી સલ્તનત માનતો. મારી વફાદારી હાર્દિક હતી. મેં વાંચ્યું કે સ્વયંસેવકોનું લશ્કર આ બળવો શમાવવા નીકળી પડ્યું હતું.

મને પોતાને હું નાતાલવાસી ગણતો, ને નાતાલની સાથે મારો નિકટ સંબંધ તો હતો જ. તેથી મેં ગવર્નરને કાગળ લખ્યો કે, જો જરૂર હોય તો જખમીઓની સારવાર કરનારી હિંદીઓની તોલી લઇને હું સેવા કરવા જવા તૈયાર છું. ગવર્નરનો તુરત જ હકારમાં જવાબ આવ્યો. ગવર્નરનો જવાબ વળતા મેં ઘરધણીને ઘર ખાલી કરવા બાબત એક માસની રીતસર ચેતવણી આપી. કેટલોક સામાન ફિનીક્સ ગયો, કેટલોક મિ. પોલાક પાસે રહ્યો.

ડરબન પહોંચતાં મેં માણસો માટે માગણી કરી.

સ્વમાન જળવાય ને કામ વધારે સગવડપૂર્વક થાય એ સારુ એવો રિવાજ હતો તેથી ઔષધખાતાના મુખ્યાધિકારીએ મને ‘સારજંટ મેજર’ નો મુદ્દતી હોદ્દો આપ્યો, ને હું પસંદ કરું એવા બીજા ત્રણને ‘સારજંટ’નો ને એકને ‘કોરપોરલ’ નો હોદ્દો આપ્યા.

‘બળવા’ ના સ્થળ ઉપર પહોંચતા મેં જોયું કે બળવા જેવું તો કંઈ ન કહેવાય. કોઈ સામે થતું હતું એમ જોવામાં ન આવ્યું. બળવો માનવાનું કારણ એ હતું કે એક ઝૂલુ સરદારે ઝૂલુ લોકોની ઉપર મુકાયેલો નવો કર ન આપવાની તેમને સલાહ આપી હતી, અને કર ઉઘરાવવા ગયેલા એક સારજંટને તેણે કાપી નાખ્યો હતો. ગમે તે હો, મારું હૃદય તો ઝૂલુઓની તરફ હતું. અને મથક ઉપર પહોંચતાં જયારે અમારે ભાગે મુખ્યત્વે ઝૂલુ જખમીઓની સારવાર કરવાનું જ કામ આવ્યું ત્યારે હું બહુ રાજી થયો.

જે દરદીઓની સારવારનું કામ અમને સોંપવામાં આવ્યું હતું તેમને લડાઈમાં જખમી થયેલા કોઈ ન માને. આમાંનો એક ભાગ શકથી પકડાયેલા કેદીઓનો હતો. તેમને જનરલે ચાબખા ખાવાની સજા કરી હતી. આ ચાબખાથી પડેલા ઘા સારવારને અભાવે પાકી ઉઠ્યા હતાં. બીજો ભાગ જેઓ ઝૂલુ મિત્રો ગણાતા તેમનો હતો. આ મિત્રોને તેમણે મિત્રતા દર્શાવનારા નિશાન પહેર્યા હતાં તોપણ ભૂલથી સિપાહીઓએ ઘાયલ કર્યા હતાં.

લડાઈમાં રોકાયેલું લશ્કર કંઈ એક સ્થળે બેસી ન રહે. જ્યાંથી ભયના સમાચાર આવે ત્યાં દોડી જાય. ઘણા તો ઘોડેસવાર જ હતા. અમારી છાવણી મથકેથી ઊપડી, ને અમારે તેની પાછળ અમારી ડોળીઓ ખાંધે ઉપાડી ચાલવાનું રહ્યું હતું. બેત્રણ પ્રસંગે તો એક દિવસે ચાળીસ માઈલની કૂચ કરવાનો વારો આવ્યો હતો.


The Zulu ‘Rebellion’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.