Daily Archives: 10/09/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ડરબનમાં ઘર માંડેલું તેમાં ફેરફારો તો કર્યા જ હતા. જોહાનિસબર્ગમાં ‘સર્વોદય’ ના વિચારોએ વધારે ફેરફાર કરાવ્યા.

ખરી સાદાઈ તો મનની વધી. દરેક કામ પોતાને હાથે કરવાનો શોખ વધ્યો, ને તેમાં બાળકોને પણ પલોટવાનું આરંભ્યું.

હાથે ચલાવવાની એક ઘંટી સાત પાઉન્ડ ખર્ચી ખરીદી. આને વજનદાર પૈડું હતું. તે બે માણસો સહેલાઈથી ચલાવે, એકલાને કષ્ટ પડે. આ ઘંટી ચલાવવામાં પોલાક, હું અને બાળકો મુખ્યત્વે રોકાતા. કોઈ કોઈ વેળા કસ્તૂરબાઈ પણ આવતી.બાળકો અગર બીજા જેમની ઓળખ આપણે હવે પછી કરવાની છે તેમણે મને તો હમેશાં ખુબ જ કામ આપ્યું છે. ઠરડા બાળકો મારે નસીબે હતાં જ, પણ ઘણાખરા સોંપેલું કામ હોંશથી કરતા. ‘થાક્યા’ એમ કહેનારા એ યુગના થોડા જ બાળકો મને યાદ છે.

પાયખાનું ઉપાડી જનાર તો મ્યુનીસિપાલીટીનો નોકર આવતો, પણ પાયખાનાની કોટડી સાફ કરવી, બેઠક ધોવી વગેરે કામ નોકરને સોંપવામાં નહોતું આવતું; તેવી આશા પણ નહોતી રાખવામાં આવતી. આ કામ અમે જાતે કરતાં ને તેમાં પણ બાળકોને તાલીમ મળતી.

તેમના અક્ષરજ્ઞાનને વિશે હું બેદરકાર રહ્યો એમ તો નહિ કહું, પણ મેં તેને જતું કરતાં સંકોચ ન ખાધો. ને આ ઊણપને સારું મારા દીકરાઓને મારી સામે ફરિયાદ કરવાનું કારણ રહેલું છે.

છોકરાંમાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે.

પોલાક અને મારી વચ્ચે આ બાળકોની અંગ્રેજી કેળવણી વિશે કેટલીક વાર તીખો સંવાદ થયેલો. મેં અસલથી જ માનેલું છે કે, જે હિંદી માબાપો પોતાના બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતાં કરી મૂકે છે તેઓ તેમનો અને દેશનો દ્રોહ કરે છે. મેં એમ પણ માન્યું છે કે, આથી બાળકો પોતાના દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે, ને તેટલે અંશે દેશની તેમ જ જગતની સેવા કરવા ઓછા લાયક બને છે. અંગ્રેજી જેવી વ્યાપક ભાષા બાળકો બચપણથી શીખી લે તો જગતમાં એમ ચાલતી જિંદગીની હરીફાઈમાં તેઓ એક મોટો ટપ્પો સહેજે ઓળંગી જાય, એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે. મને એ દલીલ ગળે ન ઊતરી. હવે મને સ્મરણ નથી કે અંતે મારો ઉત્તર તેમને ગળે ઊતરેલો કે તેમણે મારી હઠ જોઈને શાંતિ પકડેલી.


A Peep Into The Household


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.