Daily Archives: 08/09/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૨. ’જેને રામ રાખે’

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


હવે તુરતમાં દેશ જવાની અથવા તો ત્યાં જઇને સ્થિર થવાની આશા મેં છોડી હતી. વર્ષ તો વીત્યું ને મારું પાછું ફરવાનું દૂર થયું, તેથી છોકરાંને બોલાવવાનો નિશ્ચય કર્યો.

છોકરાં આવ્યાં. તેમાં મારો ત્રીજો દીકરો રામદાસ પણ હતો. તે રસ્તે સ્ટીમરના નાખુદાની સાથે ખૂબ હળી ગયો હતો, ને તેની સાથે રમતાં તેનો હાથ ભાગ્યો હતો. સ્ટીમરના દાક્તરની ભલામણ હતી કે જખમ કોઇ દાક્તરની પાસે દુરસ્ત કરાવવો.

રામદાસની ઉંમર આઠ વર્ષની હતી. ‘હું તારા જખમની સારવાર જાતે કરું તો તું ગભરાશે તો નહીં,’ એમ મેં તેને પૂછ્યું. રામદાસે હસીને મને પ્રયોગ કરવાની રજા આપી. જોકે એ અવસ્થાએ તેને સારાસારની ખબર ન પડે, તોપણ દાક્તર અને ઊંટવૈદનો ભેદ તો તે સારી પેઠે જાણતો હતો. છતાં તેને મારા પ્રયોગો વિષે ખબર હતી ને મારા ઉપર વિશ્વાસ હતો એટલે તે નિર્ભય રહ્યો.

ધ્રૂજતાં ધ્રૂજતાં મેં તેનો પાટો ખોલ્યો, જખમને સાફ કર્યો, ને સાફ માટીની લોપરી મૂકી જેમ પહેલાં બાંધ્યો હતો તેમ પાટો બાંધી લીધો. આમ હંમેશા હું જાતે જખમ સાફ કરતો ને માટી મૂકતો. મહિના માસમાં જખમ તદ્દન રુઝાઇ ગયો.

આ ઘરગથું ઉપચારો વિષે મારો વિશ્વાસ અને તેનો અમલ કરવાની મારી હિંમત વધ્યાં. આ પછી મેં પ્રયોગોનું ક્ષેત્ર ખૂબ વધાર્યું. જખમો, તાવ, અજીર્ણં, કમળો, ઇત્યાદિ દર્દોને સારુ માટીના, પાણીના ને અપવાસના પ્રયોગો નાનાંમોટાં, સ્ત્રીપુરુષો ઉપર કર્યા અને ઘણાખરા સફળ થયા. આમ છતાં જે હિંમત મને દક્ષિણ આફ્રિકામાં હતી તે અહીં નથી રહી, અને અનુભવે એમ પણ જોયું છે કે આ પ્રયોગોમાં જોખમ રહ્યાં જ છે.

આ પ્રયોગોના વર્ણનનો હેતુ મારા પ્રયોગોની સફળતા સિદ્ધ કરવાનો નથી. એક પણ પ્રયોગ સર્વાંશે સફળ થયો છે એવો દાવો કરી શકાય એમ નથી. દાક્તરો પણ એવો દાવો ન કરી શકે. પણ હેતુ એટલું જ કહેવાનો છે કે, જેને નવા અપરિચિત પ્રયોગો કરવા હોય તેણે પોતાનાથી આરંભ કરવો જોઇએ. આમ થાય તો સત્ય વહેલું પ્રગટ થાય છે ને તેવા પ્રયોગો કરનારને ઇશ્વર ઉગારી લે છે.

માટીના પ્રયોગોમાં જે જોખમો હતાં તે જ યુરોપિયનોના નિકટ સમાગમમાં હતાં. ભેદ માત્ર પ્રકારનો હતો. પણ એ જોખમોનો મને પોતાને વિચાર સરખો પણ નથી આવ્યો.

પોલાકને મારી સાથે જ રહેવાનું નિમંત્રણ આપ્યું પોલાકને જે બાઇ સાથે તેઓ પરણ્યા તેની સાથે મૈત્રી તો કેટલાંક વર્ષો થયાં હતી. બન્નેએ સમય આવ્યે વિવાહ કરી લેવાનો નિશ્ચય પણ કર્યો હતો. પણ પોલાક કંઈક દ્રવ્યસંગ્રહની રાહ જોતા હતા એવું મને સ્મરણ છે. મેં દલીલ કરી, ‘જેની સાથે હૃદયની ગાંઠ બંધાઇ તેનો વિયોગ કેવળ દ્રવ્યને અભાવે ભોગવવો એ અયોગ્ય ગણાય. તમારે હિસાબે તો ગરીબ કોઇ પરણી જ ન શકે. વળી હવે તમે તો મારી સાથે રહો છો. એટલે ઘરખરચનો સવાલ નથી. તમે વહેલા પરણો એ જ હું તો ઇષ્ટ માનું છું.’

મારે પોલાકની સાથે બે વાર દલીલ કરવાપણું રહ્યું જ નથી. તેમણે તુરત મારી દલીલ ઝીલી લીધી. ભાવિ મિસિસ પોલાક તો વિલાયતમાં હતાં. તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેઓ રાજી થયાં, ને થોડા જ માસમાં વિવાહ કરવા જોહાનિસબર્ગમાં આવી પહોંચ્યાં.

વિવાહ ખર્ચ તો કંઇ જ કર્યું નહોતું. વિવાહનો કંઇ ખાસ પોશાક પણ નહોતો. એમને ધર્મવિધિની ગરજ નહોતી. મિસિસ પોલાક જન્મે ખ્રિસ્તી ને પોલાક યહૂદી હતા. બંનેની વચ્ચે જ સામાન્ય ધર્મ હતો તે નીતિધર્મ હતો.

સજાતીય વિજાતીય એ મનના તરંગો છે. આપણે સૌ એક કુટુંબ જ છીએ.

વેસ્ટના વિવાહ પણ અહીં જ ઊજવી લઉં. ફિનિક્સ અમારું બધાનું ઘર થયું હતું ને સૌ ખેડૂતો થઇ બેઠા હતા, એટલે વિવાહ કે વંશવૃદ્ધિ ભયનો વિષય નહોતો.

વેસ્ટ લેસ્ટરની એક સુંદર કુમારિકાને પરણી લાવ્યા. આ બાઇનું કુટુંબ લેસ્ટરમાં જોડાનો મોટો ધંધો ચાલે છે તેમાં કામ કરનારું હતું. મિસિસ વેસ્ટે પણ થોડો સમય જોડાના કારખાનામાં ગાળેલો હતો. તેને મેં ‘સુંદર’ કહેલ છે કેમ કે તેના ગુણનો હું પૂજારી છું, ને ખરું સૌંદર્ય તો ગુણમાં જ હોય.

જેમ આ ગોરા મિત્રોને પરણાવ્યા તેમ હિંદી મિત્રોને પોતાનાં કુટુંબોને બોલાવવા ઉત્તેજ્યાં. તેથી ફિનિક્સ એક નાનું સરખું ગામડું થઇ પડ્યું, અને ત્યાં પાંચ સાત હિંદી કુટુંબો વસવા લાગ્યાં ને વૃદ્ધિ પામતાં થયાં.


Whom God Protects


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.